જીવ બચાવવા પતિએ રાજીખુશીથી પત્નીના પ્રેમી સાથે લગ્ન કરાવ્યાં

સંત કબીરનગર, ઉત્તર પ્રદેશના મેરઠમાં મુસ્કાન નામની યુવતીએ તેના પ્રેમી સાહિલ સાથે મળીને પતિ સૌરભની હત્યા કરી, તેની લાશના ટુકડા કરી ડ્રમમાં ભરીને સિમેન્ટ પુરી દેવાની ચકચારી ઘટના સમગ્ર દેશમાં ચર્ચાસ્પદ બની છે.
ત્યારે મેરઠ મર્ડર કાંડની સાઇડ ઇફેક્ટ જેવો એક કિસ્સો સંત કબીર નગરથી સામે આવી રહ્યો છે. જેમાં પતિએ પોતાનો જીવ બચાવવા માટે પત્નીના લગ્ને પ્રેમી સાથે કરાવી દીધાં છે…! આ અત્યંત અસામાન્ય અને વિચિત્ર ટ્રેન્ડ સેટ કરતી ઘટના સામાજીક તાણાવાણાને તો હચમચાવે જ છે, પરંતુ સાથોસાથ આજકાલના દંપતિઓના દાંપત્યજીવનમાં વધી રહેલાં ક્રાઇમ રેટની પણ ચાડી ખાય છે…!‘બબલુ કી રાધિકા કી વિશાલ સે શાદી’ જેવી આ ઘટના ઉત્તરપ્રદેશના સંત કબીર નગર અને એની આસપાસના વિસ્તારોમાં ચર્ચાસ્પદ બની ગઇ છે. બબલુ(પતિ)એ તેની પત્ની(રાધિકા)ને કાયદેસર રીતે તેના પ્રેમી(વિશાલ) જોડે પરણાવતાં એવું કારણ આપ્યું હતું કે મારો જીવ બચી રહે એ અગત્યનું છે.
એટલું જ નહીં બબલુએ હાલમાં જ મેરઠમાં મુસ્કાન નામની યુવતીએ તેના પ્રેમી સાહિલ સાથે મળી પતિ સૌરભને ઠંડે કલેજે મોતને ઘાટ ઉતારી કાઢ્યો હોવાની ઘટનાનો હવાલો પણ બબલુએ આપ્યો હતો અને પોતાના જીવની ચિંતા વ્યક્ત કરી હતી. બબલુ ધનઘટા પોલીસ સ્ટેશન વિસ્તારના કતાર મિશ્રા ગામનો રહેવાસી છે. તેણે આ સોમવારે પોતાના પત્નીને તેના પ્રેમી સાથે પરણાવી હતી.
બબલુ અન્ય રાજ્યમાં મજૂરીકામ કરતો હતો અને તેના લગ્ન ગોરખપુર જિલ્લાની રાધિકા સાથે વર્ષ ૨૦૧૭માં થયા હતા.આ લગ્નથી તેમને બે બાળકો પણ છે. સ્થાનિકોનું કહેવું છે કે રાધિકા કેટલાક સમયથી વિશાલ નામના યુવક સાથે દોઢેક વર્ષથી સબંધમાં હતી, જે પણ એ જ ગામનો હતો. જ્યારે બબલુને આ લગ્નેતર સબંધની જાણ થઇ ત્યારે તેણે વિશાલ સાથેના સબંધતને તોડી કાઢવા કહ્યું હતું.
જોકે રાધિકાએ ઇનકાર કર્યાે હતો. તેથી આ વાતનું વધુ વતેસર કરવાના બદલે બબલુએ પત્નીને પ્રેમી સાથે પરણાવી દેવાનું નક્કી કર્યું હતું. સોમવારે તેણે ધનઘટા ખાતે વિશાલ અને પત્ની રાધિકાના ‘એરેન્જ મેરેજ’ કરાવ્યા હતા.
બંને બાળકોને બબલુએ પોતાની સાથે રાખવાનું નક્કી કર્યું છે. બબલુએ કહ્યું હતું કે,‘તેને રાધિકા અને વિશાલ વચ્ચેના પ્રેમ સબંધની જાણ થઇ હતી, ત્યારબાદ તે સતત રાધિકાને સબંધો કાપી નાંખવા કહેતો હતો. પરંતુ પત્ની વાત માનવા તૈયાર નહોતી. તેથી મારી જાતને કોઇ નુકસાન ન થાય એ માટે મેં પત્નીના લગ્ન એના પ્રેમી સાથે ગોઠવી દીધાં. કેમ કે આજકાલ પત્ની દ્વારા પતિની હત્યાની ઘટનાઓ વધી ગઇ છે. ખાસ તો તાજેતરની મેરઠની ઘટના બાદ મેં આ નક્કી કર્યું હતું, જેથી હું પણ શાંતિથી જીવી શકું અને એ લોકો પણ.’SS1MS