સુરતમાં બહેનના ઘરે જવાનું કહી પતિ રફુચક્કર
અમદાવાદઃ શહેરના જુહાપુરામાં રહેતી યુવતીને તેનો પતિ અમદાવાદ પિતાને મળવા માટે લાવ્યો હતો. બાદમાં તે રેલવે સ્ટેશન ઉતરીને બહેનના ઘરે જવાનું કહીને રફુચક્કર થઇ ગયો હતો. બાદમાં યુવતીને ફોન કરીને ફોનમાં ત્રણ વાર તલાક કહી દેતા યુવતી પરત સાસરે ગઇ હતી. ત્યારે પતિની પહેલી પત્ની પણ ત્યાં હાજર હોવાથી પતિએ યુવતીને રાખવાની મનાઇ કરી કાઢી મૂકતા યુવતીએ ફરિયાદ નોંધાવી છે. જેને લઇને વેજલપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, જુહાપુરામાં રહેતી ૩૧ વર્ષીય યુવતીના સુરતમાં રહેતા યુવક સાથે બે વર્ષ પહેલાં લગ્ન થયા હતા. લગ્ન બાદ તેના પતિ અને નણંદ સહિતના લોકો ત્રાસ આપતા હતા. નણંદ આ યુવતીને કહેતી કે મારા ભાઇના તારી સાથે લગ્ન કરાવી મોટી ભૂલ કરી છે અને તેની પહેલી પત્ની પાછી લાવવી છે.
આ પ્રકારનો ત્રાસ આપી સાસરિયાઓ યુવતીને માર મારી પરેશાન કરતા હતા. યુવતી સાસરે રહેતી હતી ત્યારે તેને જાણ થઇ કે, તેના પતિના આ ત્રીજા લગ્ન હતા. બાદમાં એક દિવસ યુવતીના પતિએ તેને પિતાના ઘરે જઇને આવીએ તેમ કહી અમદાવાદ લઇને આવ્યો હતો. રેલવે સ્ટેશન ઉતર્યા બાદ તેનો પતિ બહેનના ઘરે જવાનું કહી રફુચક્કર થઇ ગયો હતો.
બાદમાં પતિએ ફોન કરીને યુવતીને ફોન પર જ ત્રણ વાર તલાક કહી દેતાં યુવતી સુરત ગઇ હતી. ત્યાં જાેયું તો પતિની પહેલી પત્ની હાજર હતી. જેથી યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં સાત લોકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, આ પહેલાં પણ ત્રિપલ તલાકની અનેક ઘટનાઓ સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં ત્રિપલ તલાકનો વિરોધ કરતો કાયદો બનાવવામાં આવ્યો છે. જેને લઈને અનેક પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ છે.