પત્નિ ભાગી જતાં પતિ વિફર્યોઃ પ્રેમી સહિત તેના પાંચ સગાના ઘર પર બુલડોઝર ફેરવ્યું

AI Image
ભરૂચ, ભરૂચમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે અહીંના જંબુસરના કુવાલિયા ગામે પત્ની ભાગી જતાં ઉશ્કેરાયેલા પતિએ એના પ્રેમી જ નહીં એની આડોશ પાડોશીમાં રહેતા પ્રેમીના પાંચ સગાના ઘર પર બુલડોઝર ફેરવી નાંખતા પાંચ પરિવાર ઘરવિહોણા થઈ ગયા છે.
ભરૂચના કુવાલિયા ગામમાં રહેતા મકાનના રીપેરીંગના કોન્ટ્રાક્ટનું કામ કરતા મહેશ ફૂલવાદીના ત્રણ વર્ષ પહેલાં એની જ્ઞાતિમાં રિત-રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતાં બન્નેના છૂટાછેડા થયા હતા. બે પાંદડે થયેલા મહેશે એની બન્ને બહેનોના લગ્ન કરાવ્યા હતા. કુવાલિયા ગામમાં એને બાજુમાં રહેતા સગાઓના કાચા મકાન પાકા કરી આપ્યા હતા.
આર્થિક રીતે થોડા સધ્ધર મહેશને છૂટાછેડા પછી એના ગામના બલવંતસિંહ પઢિયારની પત્ની મીના પઢીયાર સાથે પ્રેમ બંધાયો હતો. અલબત્ત નાનકડા ગામમાં આ લગ્નેતર સંબંધ છૂપા રહ્યા ન હતા. એમાંય મહેશ ફૂલવાડી જ્ઞાતિમાંથી હતો એટલે બલવંતસિંહ પઢિયારને આ સંબંધ મજૂર પણ ન હતો જેના કારણે બન્ને વચ્ચે અવાર નવાર બોલાચાલી થઈ હતી
જેથી મહેશ મોટાભાગે ગામની બહાર રહેતો હતો. દરમિયાનમાં બલવંતસિંહની પત્ની એના પિયર આંકલાવ ગઈ હતી અને ત્યાંથી ગુમ થઈ જતાં આંકલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી કે એ મહેશ સાથે ભાગી ગઈ છે. એટલે આંકલાવ પોલીસ ભરૂચ તપાસ માટે આવી હતી. બીજી બાજુ બલવંતસિંહ અને એના સગા સાથે મહેશના ઘરે આવી ઝઘડો કર્યો
એટલું જ નહીં પોતાનું બુલડોઝર લઈને આવેલા બલવંતસિંહ અને એના સગાઓએ મહેશ અને એના ચાર સગા સહિત પાંચ ઘર તોડી પાડયા હતા. ભરૂચના વેડચ પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એમ.ચૌધરી સાથેની વાતચીતમાં કહ્યું કે, અમને મહેશની માતાની ફરિયાદ મળી છે જેના આધારે બલવંતસિંહ પઢીયાર અને એના સગાની સામે ગુનો નોંધી તપાસ કરી રહ્યા છીએ. ટૂંક સમયમાં અમે એમની ધરપકડ કરીશું.