Western Times News

Gujarati News

ભરણપોષણની રકમ ન ચૂકવનાર પતિ જેલમાં સળીયા પાછળ ધકેલાયો

અમદાવાદ, શહેરમાં વટવા ખાતે સ્મૃતિ વિહાર સોસાયટી, પીડી પંડ્‌યા કોલેજ રોડ, ઘોડાસર, અમદાવાદ ખાતે પોતાના પરિવાર સાથે રહેતા ગુલશનકુમાર જયપ્રકાશ આસવાની (સિંધી)ને પોતાની પત્ની જ્યોતિબેન ગુલશન કુમાર આસવાની સિંધી સાથે અણબનાવ થતા, પતિ ઘર છોડીને ચાલ્યો ગયેલ હતો

અને પત્ની જ્યોતિબેન નિરાધાર હાલતમાં વટવા ખાતે પોતાના માતાપિતા સાથે રહેતી હોય, મહિલાને પોતાના પતિ સાથે અણબનાવ થતા, અમદાવાદ એડી.ચીફ મેટ્રો. મેજી. કોર્ટમાં ભરણપોષણ માટે અરજી કરવામાં આવેલ હતી.

કોર્ટ દ્વારા મહિલાના પતિ ગુલશનકુમાર જયપ્રકાશ આસવાનીને ભરણપોષણની રકમ નક્કી કરી, ભરણપોષણ ચુકવવા હુકમ કરવામાં આવેલ હતો. પરંતુ મહિલા જ્યોતિબેનનો પતિ ગુલશન કુમાર ભરણપોષણ ચુકાવતો ના હોઈ, મહિલાની હાલત કફોડી થઈ ગઈ હતી.

ભરણપોષણની રકમ આશરે રૂ. ૧,૭૬,૦૦૦/- જેટલી ચડી જવા છતાં, મહિલાના પતિ ગુલશનકુમાર જયપ્રકાશ આસવાની એ ભરણપોષણની રકમ ભરપાઈ કરવા કોઈ દરકાર નહીં કરતા, નામદાર કોર્ટ દ્વારા મહિલાના પતિને ૧૮૦ દિવસ જેલમાં રહેવા હુકમ કરવામાં આવેલ અને પતિ ગુલશનકુમાર જયપ્રકાશ આસવાનીનું વોરન્ટ કાઢવામાં આવેલ હતું.

અવારનવાર વોરન્ટ કાઢવા છતાં અને મહિલાના પતિને જાણ થતાં, અમદાવાદ છોડી, બહાર જતો રહેલો અને લાંબો જેલવાસ થાય તેમ હોઈ, વોરન્ટ બજાવા દેતો ના હતો અને વોરન્ટમાં નાસતો ફરતો હતો. પોલીસ દ્વારા અવારનવાર તપાસ કરવા છતાં મળી આવતો ના હતો

પોતાના પતિ તરફથી ભરણપોષણની રકમ નહીં મળવાથી કફોડી સ્થિતિમાં મુકાઈ ગયેલ મહિલા જ્યોતિબેન અને તેના પિતા તેજુમલ સાવલાનીએ આ અંગે જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાને મળી, જાણ કરતાં, મહિલાના પતિનું વોરન્ટની બજવણી કરવા વટવા પો.ઇન્સ.ને આપવામાં આવેલ હતું.

મહિલાના પતિ ગુલશનકુમાર જયપ્રકાશ આસવાની ઉપર ટેકનિકલ સોર્સ દ્વારા વોચ રાખવામાં આવેલ હતી અને મહિલા અને તેના પિતાને મળેલ માહિતી આધારે ૧૮૦ દિવસ જેલમાં રહેવા કરવામાં આવેલ હુકમના વોરન્ટમાં વોન્ટેડ ગુલશનકુમાર જયપ્રકાશ આસવાની સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં તિરુપતિ ટેક્ષ્ટાઈલ માર્કેટ ખાતે ધંધો કરતો હતો, દુકાનમાં હાજર હોવાની માહિતી મળતા પોલીસે તપાસ આરંભીને તેને સુરતથી ઝડપી લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.