શંકાશીલ પતિએ પત્નીનું માથું દિવાલ સાથે અથડાવી લોહીલુહાણ કરી દીધી
(એજન્સી)અમદાવાદ, તેં જ છોકરાઓને બગડયાં કછે, તેમ કહીને પતિએ પત્નીને માર મારીને દિવાલ સાથે માથું ભટકાતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી અને ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મીના (નામ બદલ્યું છે) એ તેના પતિ દેવેન અને સાસુ કોકિલા વિરૂદ્ધ ઘરેલું હિંસા તેમજ મારઝૂડની ફરિયાદ કરી છે.
મીનાના લગ્ન વર્ષ ર૦૦૬માં દેવેન સાથે થયા હતા. વર્ષ ર૦૦૭ મીના ગર્ભવતી હતી ત્યારે સીમંતનો પ્રસંગ કરવાનો હતો. સીમંતના પ્રસંગમાં પતિ અને સાસુએ સાડી પહેરવાની વાત કરી હતી પરંતુ કમીનાએ ઈન્કાર કરી દીધો હતો. મીનાએ ઈન્કાર કરતાં દેવે તેની સાથે મારઝૂડ કરી હતી.
મીનાએ દીકરીને જન્મ આપ્યો હતો અને તેના આઠ મહિના બાદ તેને ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ને નોકરી મળી હતી. નોકરી શરૂ કરી તેના થોડા સમય બાદ દેવેને તેના ચારિત્ર્ય પર આંગળી ચીંધવાની શરૂ કરી દીધી હતી. ચારિત્ર્ય પર શંકા કરીને દેવેન હંમેશા મીના સાથે મારઝૂડ કરતો હતો. મીનાએ આ મામલે તેના પિતા તેમજ ભાઈ-ભાભીને જાણ કરી હતી પરંતુ ભવિષ્ય બગડે નહીં તેનું ધ્યાન રાખીને તેઓ તેને સમજાવતા હતા.
મીના મૂંગા મોંએ બધુ સહન કરતી હતી પરંતુ દેવેનનો ત્રાસ યથાવત રહ્યો હતો. વર્ષ ર૦૧૦માં દશામાના વ્રત સમયે દેવેને મીના સાથે બબાલ કરી હત જેથી તે પુત્રને લઈને અલગ રહેવા માટે જતી રહી હતી. છ મહિના સુધી અલગ રહ્યા બાદ મીનાએ પાટણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જો કે, સામાજિક આગેવાનોના કારણે સમાધાન થઈ ગયું હતું. વષ ર૦૧૧માં મીનાએ પુત્રને જન્મ આપ્યો હતો. ત્યારબાદ પણ દેવેન બબાલ કરતો હતો.
મીના મહાદેવ એસ્ટેટમાં નોકરી કરતી જ્યાં દેવેને તેના ચારિત્ર્ય પર શંકા કરી હતી. મીના બન્ને બાળકોને પતિ દેવેન પાસે મૂકીને એકલી રહેવા માટે જતી રહી હતી. દેવેન સમાધાન કરીને મીનાને પરત સાસરીમાં લાવ્યો હતો. પાંચ વર્ષ સુધી નોકરી કર્યા વગર મીના ઘરકામ કરતી હતી જ્યાં દેવેન તેની સાથે બબાલ કરતો હતો.
વર્ષ ર૦ર૩માં વસ્ત્રાલ ખાતે આવેલા એક કારના શો રૂમમાં મીનાએ નોકરી શરૂ કરી હતી. જ્યાં પણ દેવેને ચારિત્ર્ય પર શંકા કરીને મીનાને માર માર્યો હતો. શો રૂમમાંથી નોકરી છોડી દીધા બાદ મીનાએ એક સ્કૂલમાં નોકરી શરૂ કરી હતી જ્યાં પણ સ્ટાફ સાથે તેને લફરું હોવાની શંકા રાખીને બબાલ કરી હતી. ગઈકાલે મીના ઘરે હાજર હતી ત્યારે તેની દીકરીએ ત્દેવેનને નવા મોબાઈલનું ચાર્જર જૂના મોબાઈલમાં લગાવવાની ના પાડી દીધી હતી.
દેવેને દીકરીને જેમ ફાવે તેમ બોલતાં મીના વચ્ચે પડી હતી. દેવેને મીનાને કહ્યું હતું કે, તે જ છોકરાઓને બગાડયા છે. મીના કાંઈ બોલે તે પહેલાં દેવેને તેની સાથે મારઝૂડ કરીને દિવાલ પર તેનું માથું ભટકાડયું હતું. મીનાને લોહી નીકળતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.