હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો IPO 15મી ઓક્ટોબરે ખુલશે: પ્રાઈઝ બેન્ડ રૂ. 1,865- 1,960
અમદાવાદ, હ્યુન્ડાઇ મોટરની ભારતીય પેટાકંપની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) દ્વારા 3.26 બિલિયન ડોલર (અંદાજીત 27 હજાર કરોડ) સુધી એકત્ર કરવા માંગે છે, એમ ગુરુવારે કાર નિર્માતાએ જણાવ્યું હતું. Hyundai Motor India aims to raise up to $3.26 billion via IPO, trading from Oct 22
હ્યુન્ડાઈ મોટરે સાઉથ કોરિયન ફાઈનાન્સિયલ સુપરવાઈઝરી સર્વિસને રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું હતું કે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડ માટે આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ રૂ. 1,865- રૂ. 1,960 વચ્ચે સેટ કરવામાં આવી છે. 22 ઓક્ટોબરના રોજ શેર્સનું ટ્રેડિંગ શરૂ થવાની ધારણા છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ જણાવે છે કે, આ જાહેરાત સિઓલ સ્થિત પેરેન્ટ કંપનીના મંગળવારે પેટાકંપનીમાં તેના 812.54 મિલિયન શેરમાંથી 17.5 ટકા વેચવાના નિર્ણય બાદ કરવામાં આવ્યો હતો.
ભારતીય શેરબજારના ઈતિહાસમાં સૌથી મોટો આઈપીઓ હશે, જે 2022 માં ભારતીય જીવન વીમા નિગમ દ્વારા સ્થાપિત કરાયેલા અગાઉના રેકોર્ડને વટાવી જશે, જેણે પછી 2.5 બિલિયન ડોલર (અંદાજીત 21 હજાર કરોડ) ઊભા કર્યા.
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનું એકંદર બજાર મૂલ્ય વર્તમાન વિનિમય દરના આધારે 25 બિલિયન વોન અને 26 ટ્રિલિયન વોન વચ્ચે પહોંચવાની અપેક્ષા છે. તે 15-17 ઓક્ટોબર સુધી શેર્સ ખરીદવા માટે જાહેર સબસ્ક્રિપ્શન ખોલવાની યોજના ધરાવે છે, મુંબઈ શેરબજારમાં 22 ઓક્ટોબરના રોજ લીસ્ટીંગ થશે.
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે ભારતમાં સફળતાને સક્રિયપણે આગળ ધપાવતા તેનો ઉદ્દેશ ટકાઉ વ્યાપાર પ્રથાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો અને વૈશ્વિક શાસન ધોરણો જાળવવાનો છે. હ્યુન્ડાઈ મોટરે 1996માં ભારતીય પેટાકંપનીની સ્થાપના કરી હતી, અને તે લગભગ બે દાયકામાં ભારતમાં જાહેરમાં જનાર પ્રથમ કાર નિર્માતા હશે.
લિસ્ટિંગ પછી, હ્યુન્ડાઈ ઈન્ડિયાનું માર્કેટ કેપ તેની સિઓલ-લિસ્ટેડ પ્રમોટર કંપની હ્યુન્ડાઈ મોટર્સના 47 બિલિયન ડોલરના મૂલ્ય કરતાં લગભગ અડધું થઈ શકે છે. મારુતિ સુઝુકી પછી હ્યુન્ડાઈ ઈન્ડિયા દેશની બીજી સૌથી મોટી કાર કંપની છે. કંપનીનો બજાર હિસ્સો લગભગ 15 ટકા છે.
રોકાણકારોની વિવિધ કેટેગરીમાં આ ઓફર પૈકી ક્વૉલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIB) માટે 50 ટકા, રિટેલ ઈન્વેસ્ટર માટે 35 ટકા અને નોન-ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ માટે 15 ટકાની ઓફર ધરાવે છે. કંપનીએ શેરદીઠ રૂપિયા 186 ડિસ્કાઉન્ટથી તેના કર્મચારીઓ માટે રૂપિયા 131-138 કરોડ વચ્ચે મૂલ્ય ધરાવતા 7,78,400 ઈક્વિટી શેર અનામત રાખ્યા છે.