હું અહીં બીજો રણબીર કપૂર બનવા નથી આવ્યો જયદીપ અહલાવત
મુંબઈ, બોલિવૂડ વારંવાર નીપોટિઝમની ચર્ચાઓનો શિકાર બનતું રહે છે. તેના પરિણામે હવે એવું બન્યું છે કે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના લોકો આ મુદ્દે કોઈ પણ પ્રકાના અભિપ્રાય આપવાનું ટાળવા લાગ્યા છે. ખાસ કરીને રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જેવા પ્રતિભાશાળી કલાકારો પણ આ ચર્ચામાં અડફેટે આવી જતાં હોય છે.
તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂમાં જયદીપ અહલાવતે આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. સ્ટાર કિડ્ઝની તરફેણમાં વાત કરતાં જયદીપે જે કલાકારોએ એક્ટિંગના જોરે સફળતા મેળવી છે, તેની યાદીમાં રણબીર કપૂરનું ઉદાહરણ આપતાં નીપોટિઝમના દાવાને નકારતાં કહ્યું હતું કે, તેને કોઈ પણ સ્ટાર કિડ઼્ઝના કારણે રોલની અછતનો સામનો કરવો પડ્યો નથી.
નીપોટીઝમે તેને અંગત રીતે કોઈ નુકસાન કર્યું છે એવી વાતોને જ જયદીપે ફગાવી દીધી હતી, સાથે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યાે હતો કે રણબીર કપૂર કે વરુણ ધવન તેની કારકિર્દીને દબાવી શકશે નહીં. તેણે ભારપૂર્વક કહ્યું, “માત્ર પૂર્વધારણાઓને આધારે તમે એવું નક્કી ન કરી શકો કે કોઈ સ્ટાર કિડ્ઝ છે એટલે સારા અભિનેતા છે.
જો એ ઇન્ડસ્ટ્રી બહારથી પણ આવ્યો હોત તો પણ રણબીર કપુરે આજે તે જ્યાં છે તે સ્થાન મેળવી લીધું હોત. ” તાજેતરમાં જયદીપની વેબ સિરીઝ ‘ધ બ્રોકન ન્યૂઝ’ની બીજી સીઝન આવી છે, ત્યારે તે ચર્ચામાં છે. જયદીપે કહ્યું કે તે કંઈ રણબીર કપૂર બનવા માટે ઇન્ડસ્ટ્રીમાં આવ્યો નહોતો. જયદીપે ભારપૂર્વક કહ્યું કે, આવી જ રીતે સફળ હિરોઇન બનવા ઇચ્છતી કોઈ પણ છોકરી ભવિષ્યની આલિયા ભટ્ટ બનવા ઇચ્છશે.
“હું અહીં બીજો રણબીર કપૂર બનવા નથી આવ્યો, હું પહેલો જયદીપ આહલાવત છું.” ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જયદીપની સફર ઘણાં પડકારોથી ભરેલી રહી છે, જેણે ઘણા યુવાનોને પ્રેરણા આપી છે. અનેક સંઘર્ષનો સામનો કર્યાે હોવા છતાં જયદીપ આજે સ્ટારડમ સુધી પહોંચ્યો છે.
શરૂઆતમાં જયદીપ અહલાવત ભારતીય સેનામાં જોડાવા માગતો હતો, પરંતુ તે એન્ટ્રેન્સ ટેસ્ટમાં સફળ થઈ શક્યો નહીં. આ નિષ્ફળતા બાદ તેણે પોતાના થિએટરના શોખ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું અને નાટકો જોવાના શરૂ કર્યા. તેની કારકિર્દીની શરૂઆત ૨૦૦૮માં ‘નરમીન’ નામની શોર્ટફિલ્મ સાથે થઈ હતી.
તેનાથી તેનો અભિનય લકોના ધ્યાનમાં આવ્યો અને તેને ૨૦૧૦માં ‘ખટ્ટા મીઠા’ અને ‘આક્રોશ’ જેવી સફળ ફિલ્મોમાં કામ મળ્યું. જયદીપને ખાસ તો ૨૦૨૦માં તેની વેબસિરીઝ ‘પાતાલ લોક’માં હાથીરામ ચૌધરીના પાત્રથી ચાહના મળી. આ રોલની તેના જીવનપર ઊંડી અસર પડી.
એક ઇન્ટર્વ્યુમાં જયદીપે કહ્યું હતું કે તેના જીવનમાં એક તબક્કો એવો પણ હતો કે તેણે કોઈ પણ પ્રકારની ફી લીધાં વિના ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ હવે પછી તેની કારકિર્દીએ એ અલગ વળાંક લીધો છે. તાજેતરનાં કેટલાંક અહેવાલો મુજબ હવે તે એક ફિલ્મની ફી ૨૦ કરોડ રૂપિયા લે છે.SS1MS