Western Times News

Gujarati News

હજી પાળુ છું એ વચન જે તું પાળી ન શકી

ગઝલ લખી તને એ જણાવવાનું છે,
લખી શક્યો નથી એ ખાસ વાંચવાનું છે.
હજી હું પાળું છું તું જે વચન ન પાળી શકી,

ભલે ન હોઇએ, પણ સુખિયા લાગવાનું છે.
તને જો સોંપ્યુ તો મારું જીવન હવે તારું,
જે રીતે ચાહું તને, એને ચાહવાનું છે.

પ્રવેશદ્વાર હશે એ જ મારી ખુશીઓનું,
તું યાદ રાખજે, આંસુને ટાળવાનું છે.
મળીશું આવતા જન્મે ને છાંયે બેશીશું,
જે વૃક્ષ પ્રેમનું વાવ્યું છે,સીંચવાનું છે.

ઝીલું હું કેટલા દુખ, મારા સુખ તને દેવા,
કદી મળે જો પ્રભુ,તો એ પુછવાનું છે.

સંદીપ પુજારા જે કવિતા લખીને કવિ તરીકે ખ્યાતનામ થયા છે. તેમનું નામ જાણીતુ અને માનીતુ છે. તેમનો જન્મ સુરેન્દ્રનગરમાં થયેલો. તેમણે કાલેજકાળથી જ લખવાનું શરુ કરેલું. ૨૦૧૭થી તેમણે બંધારણ શીખીને લખવાનું શરુ કરેલું. ગઝલ વિશ્વમાં મરીઝજી તેમના આદર્શ છે.  તેમને કવિતા વાંચવી વધુ ગમે. ગઝલ વાંચવી તેમને સૌથી વધુ પ્રિય છે. પ્રિયકાન્ત પરીખ તેમના પ્રિય લેખક છે. તેમની ગઝલો વાંચીને મમળાવવાની ઇચ્છા સહજે થઇ આવે છે. તેમની ગઝલોમાં આપણને નવિનતા અને સંવેદના અનુભવાઇ જાય છે.

“ગઝલ લખી તને એ જણાવવાનું છે,
લખી શક્યો નથી એ ખાસ વાંચવાનું છે.”
ગઝલ લખીને તને એ જણાવવાનું છે કે કે ખાસ કશુ લખી નથી શક્યો. તારા પ્રેમની વાતો લખવી હતી પણ કશુ જ લખી નથી શક્યો. પેન કાગળ પર શબ્દો ઢાળી જ ન શકી. જીવનમાં જ્યારે અત્યંત ખુશી કે દુખ આવે ત્યારે માણસ કંઇ વિચારી શકતો નથી. તેની પાસે શબ્દો જ ઓછા પડે છે.

“હજી હું પાળું છું તું જે વચન ન પાળી શકી,
ભલે ન હોઇએ, પણ સુખિયા લાગવાનું છે.”
હજી એ વચન પાળુ છું જે વચન આપણે સાથે લીધુ હતું અને તું એ વચન પાળી ન શકી. એક તરફી જિંદગી જીવવાની મજા તો નથી આવતી પણ એકતરફી લાગણી રાખી હજી હું એ વચન પાળી રહ્યો છું. ભલે ને હું સુખી ન હોઉં પણ સુખી લાગવાની કોશીશ કરતો રહું છું. મન તકલીફમાં છે પણ હસતા રહેવાનો ડોળ જગત સામે કરતો રહું છું.

“તને જો સોંપ્યુ તો મારું જીવન હવે તારું,
જે રીતે ચાહું તને, એને ચાહવાનું છે.”
તને સોંપ્યુ તો મારા જીવનનો દરેક શ્વાસ હવે તારા માટે. મારુ સમગ્ર જીવન તારા નામે કરી દીધું. જે રીતે તને ચાહું એને ચાહવાનું છે. એને એટલે ઇશ્વરને. ઇશ્વર આપણા જીવનનું સાચુ લક્ષ્ય છે. પ્રેમથી ઇશ્વર સુધી તરત પહોંચી જવાય છે. બીજા બધા રસ્તા વધુ કપરા છે એવું આપણે સાંભળ્યુ છે. ઇશ્વર સુધી મનથી તરત પહોંચી જવાય છે.
“પ્રવેશદ્વાર હશે એ જ મારી ખુશીઓનું,

તું યાદ રાખજે, આંસુને ટાળવાનું છે.”
તકલીફ એમ કંઇ દૂર થતી નથી. તકલીફને દૂર કરવા આપણે જ કમર કસવી પડે છે. આંસુને ટાળવાના રસ્તા આપણે જાતે જ શોધવા પડે છે. એ જ ખુશીઓનો સાચો રસ્તો છે. ખુશીનું પ્રવેશદ્વાર પણ એ જ છે. ખુશીમાં હરકોઇ હસી લે છે પણ જે દુખમાં હસે છે એને જ ખુશીનો રસ્તો મળ્યો છે.
“મળીશું આવતા જન્મે ને છાંયે બેશીશું,

જે વૃક્ષ પ્રેમનું વાવ્યું છે,સીંચવાનું છે.”
આ જનમમાં જે લાગણીના કોડ અધુરા રહી ગયા છે એ આવતા જનમે પુરા કરીશું. જે પ્રેમનું વૃક્ષ વાવ્યુ છે એના છાંયે બેસીને પ્રેમને માણીશું. જે સપના અધુરા રહી ગયા છે એને પુરા કરીશું. મનથી સાથે રહીને મનમાં રહીશું. જીવનની ખુશી સાથે રહીને માણીશું. આ જનમમાં જે સપના અધુરા રહી જાય એ સપના આપણે આઘલા જનમમાં પુરા કરીશું એવી મનમાં આશ રાખીએ છીએ…

“ઝીલું હું કેટલા દુખ, મારા સુખ તને દેવા,
કદી મળે જો પ્રભુ,તો એ પુછવાનું છે.”
પ્રભુ મળે તો એને પુછવાનું છે કે હજી પણ મારે એને સુખ આપવા માટે કેટલા દુખ સહન કરવાના છે. કોઇની ખુશી માટે કંઇપણ કરવા તૈયાર હોઇએ. એ વ્યક્તિ જ્યારે આપણા હ્રદયની નજીક હોય તો આપણે તેના માટે આકાશ પાતાળ પણ એક કરી જ દઇએ, પણ જ્યારે વધુ દખ સહન કરવાના આવે ને ત્યારે આ સવાલ આપણા મનમાં ઉભો થાય જ છે…

અંતની અટકળ  –પ્રેમભીની લાગણી મનમાં મહોરે છે. મનભરીને તેને જીવવાની હોય છે, પવિત્ર લાગણી પ્રેમની છે. પ્રેમથી જ પરમેશ્વરને પામી શકાય છે…

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.