સ્ટારડમ મળી જતાં હું અભિમાની બની હતીઃ મનીષા કોઈરાલા
વેબ સિરીઝ ‘હીરામંડી’ પોતાની છાપ છોડી-૩૩ વર્ષ કરતાં વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી મનીષાને ભૂતકાળની પોતાની ભૂલો પર પસ્તાવો છે
મુંબઈ, રાજકુમાર અને દિલીપ કુમાર જેવા બે દિગ્ગજો સાથે સુભાષ ઘાઈએ બનાવેલી ફિલ્મ સૌદાગર સાથે મનીષા કોઈરાલાએ બોલિવૂડમાં આગમન કર્યું હતું. પ્રથમ ફિલ્મના ગીત ‘ઈલુ ઈલુ’એ મનીષાને દેશભરમાં જાણીતી બનાવી હતી. મનીષાને ટૂંક સમયમાં જ ટોચના સ્ટાર્સમાં સ્થાન મળી ગયું હતું અને ઝડપથી સ્ટારડમ મળી જવાના કારણે અભિમાન આવી ગયું હોવાનું મનીષાએ સ્વીકાર્યુ હતું.
૧૯૯૧માં પ્રથમ ફિલ્મથી માંડીને ગત વર્ષે વેબ સિરીઝ ‘હીરામંડી’ સુધી મનીષાએ દરેક રોલમાં પોતાની છાપ છોડી છે. ૩૩ વર્ષ કરતાં વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી મનીષાને ભૂતકાળની પોતાની ભૂલો પર પસ્તાવો છે. જો કે આ ભૂલો એટલી મોટી નહીં હોવાનું મનીષા માને છે. મનીષાએ કહ્યું હતું કે, તેની પસંદગીઓ વ્યક્તિગત વધારે હતી અને ઈરાદો નહીં હોવા છતાં અન્ય લોકોને તેના કારણે દુઃખ થયું હતું.
મનીષા માને છે કે, જીવનમાં દરેક પગલું ભરતી વખતે સંવંદનશીલ નિર્ણય લેવો જોઈએ અને સફળતા બાદ પણ નમ્ર અને વિવેકી રહેવું જોઈએ. મનીષા કોઈરાલાનું વ્યક્તિગત જીવન મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. ફિલ્મ સ્ટાર્સ સાથેના તેના રિલેશન્સ ખાસ ટક્યા ન હતા અને લગ્ન જીવન પણ લાંબુ ચાલી શક્યું નહીં. વળી, મનીષાને કેન્સર પર હતું.
કેન્સરને માત આપી ફરી એક્ટિંગમાં આવેલી મનીષા હવે સારી રીતે જીવવા માગે છે. મનીષાએ કહ્યું હતું કે, જીવનમાં સાથીદાર નહીં મળે તો ચાલશે, પરંતુ વર્તમાન જીવન જળવાઈ રહેવું જોઈએ. જીવનની ગુણવત્તા સાથે સમાધાન કર્યા વગર સાથીદાર મળતો હોય તો તેને મંજૂર છે.