લાયકાત ધરાવતા વ્યવસાયિકો માટે હું H-1B વિઝાની તરફેણ કરું છુંઃ ડોનાલ્ડ ટ્રમ્પ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/12/Trump1-1-1024x576.jpg)
ન્યૂયોર્ક, અમેરિકાના પ્રમુખપદે ચૂંટાઇ આવેલાં ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકામાં જોબ કરવા ઇચ્છતા અને લાયકાત ધરાવતા પ્રોફેશનલોને આપવામાં આવતા એચ-૧બી વિઝાની તેઓ તરફેણ કરે છે.
તેમણે આ મુજબની જાહેરાત કરીને એચ-૧બી વિઝાના પ્રોગ્રામનો વિરોધ કરનારા લોકોને બાજુએ હડસેલી મૂક્યા છે. તેમના આ ટિપ્પણીને કારણે ભારતીયો સહિતના વિદેશી વ્યાવસાયિકોને હાશકારો થયો છે.
આ પ્રોગ્રામના મુદ્દે ટ્રમ્પના સલાહકાર અબજપતિ ઉદ્યોગપતિ ઇલોન મસ્ક અને વિવેક રામાસ્વામી વિરુદ્ધ જમણેરી વિચારધારા ધરાવતા લોકોએ રીતસરનો મોરચો માંડ્યો હતો, પરંતુ ટ્રમ્પે ખુલ્લેઆમ આ વિઝાની તરફેણ કરીને તમામ લોકોની હવા કાઢી નાંખી હતી.
‘આ ખુબ સારો વિઝા પ્રોગ્રામ છે’ એમ ટ્રમ્પે ન્યૂયોર્ક પોસ્ટ નામના અખબારને ટેલિફોન ઉપર આપેલાં એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે ‘મને કાયમથી આ વિઝા પ્રોગ્રામ ખુબ ગમે છે, હું હંમેશથી તેની તરફેણ કરી રહ્યો છું, આને આ વિઝા થકી જ આપણે વિદેશી લાયકાત ધરાવતા પ્રોફેશનલો મેળવી શક્યા છીએ.
મારી જુદી જુદીકંપનીઓમાં અનેક એવા કર્મચારીઓ છે જેઓ એચ-૧બી વિઝા ઉપર કામ કરે છે. હું દઢપણે વિઝામાં શ્રદ્ધા ધરાવું છું, મેં ઘણીવાર આ વિઝાનો ઉપયોગ પણ કર્યાે છે’, એમ ટ્રમ્પે કહ્યું હતું.અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમને મેરીટ આધારિત બનાવવા ટ્રમ્પ સમગ્ર ઇમિગ્રેશન સિસ્ટમમાં સુધારો કરવાની તરફેણ કરતા આવ્યા છે.
કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પ્રવર્તમાન પોઇન્ટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમની ટ્રમ્પ તરફેણ કરે છે, કેમ કે આ સિસ્ટમમાં ઉમેદવારની કામ કરવાની ક્ષમતા અને તેના શૈક્ષણિક દેખાવ ઉપર ખુબ ભાર આપવામાં આવે છે.તેમણે કહ્યું હતું કે તે ખુદ ઇચ્છે છે કે વિદેશી વિદ્યાર્થીઓ તેઓના ડિપ્લોમા સાથે અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવા અમેરિકાની યુનિવર્સિટિઓમાંથી ગ્રેજ્યુએટ થાય.SS1MS