Western Times News

Gujarati News

મારામાં અલગ અલગ પાત્રો કરવાની ભૂખ છે, હવે કામની ભૂખ નથી રહીઃ દીક્ષા જોશી

મુંબઈ, કાશી રાઘવ એ એવી ગુજરાતી ફિલ્મ છે, જેનું ગુજરાત સાથે કોલકાતામાં શૂટ થયું અને ઘણા નવા વિષય સાથે આ ફિલ્મ આવી રહી છે. તેમાં રેખા ભારદ્વાજ જેવા કલાકારોએ ગીત ગાયું છે. આ ફિલ્મમાં દીક્ષા જોશી અને ડિરેક્ટર ધ્›વ ગોસ્વામીએ ન્યુઝ એજન્સી સાથે વાત કરી હતી.

દિક્ષા જોશીએ જણાવ્યું, “પાત્ર તમને જીવનમાં ઘણું શીખવે છે અને જીવન તમને પાત્રને જીવતા શીખવે છે. ૨૦૨૪નું વર્ષ મારા માટે આ પ્રકારના પરિવર્તનનું રહ્યું છે. મેં આ આખું વર્ષ મારી ઇનસિક્યોરિટી અને મારી જાત પર કામ કર્યું છે, મારો આત્મવિશ્વાસ વધી ગયો છે.

હું હવે કોઈ પણ સ્થિતિનો સામનો કરવા અને તેમાંથી વધુ મજબૂત થઈને બહાર આવવા તૈયાર છું, કાશી પણ આવી જ છે. હવે હું વધુ સંવેદનશીલ બની છું. આ ફિલ્મના કેટલાંક દૃશ્યો એવા હતાં કે, એક સ્ત્રી તરીકે આ દેશની દરેક સ્ત્રીને સ્પર્શી જશે.”

“આ દેશમાં ઘણી વખત સ્ત્રીઓને એ પણ ખબર નથી કે તેમના અધિકારો કયા છે. મેં સાઇકો ડ્રામેટીસ્ટની તાલીમ શરૂ કરી પછી હું એટલી દુઃખી વાર્તાઓ અને ઘટનાઓમાંથી પસાર થઈ છું કે હવે હું કોઈની પણ વાત સાથે મારી જાતને જોડી શકું છું.

આ રીતે કાશીનું દુઃખ પણ મને પોતાનું લાગવા લાગ્યું છે. આ ફિલ્મમાં મારી દિકરીનો રોલ કરતી પિહુએ જ્યારે પહેલી વખત મારો હાથ પકડ્યો ત્યારે મને એવો અહેસાસ થયો, જે જીવનમાં પહેલાં ક્યારેય નહોતો થયો. એમાંથી મને કાશી જેવી મા મળી ગઈ. આમ આ ફિલ્મ સાથે હું એક વ્યક્તિ તરીકે પણ વિકસી છું.”“મારામાં અલગ અલગ પાત્રો કરવાની ભૂખ છે અને આ પ્રોસેસમાં રહેવાની ભૂખ છે.

મને હવે કામની ભૂખ નથી રહી. હું એવું શું કરી શકું, જે મને સ્પર્શી જાય એવું કામ મારે કરવું છે. હું એક બે વર્ષે એક ફિલ્મ કરીશ જે નાના બજેટની હશે, પણ મને એ પાત્રમાં કેવું જીવન જીવવા મળશે એ મારે જીવવું છે.

એના જ પરિણામે મેં ‘મારણ’, ‘કાશી રાઘવ’ અને ‘ઉંબરો’ કરી. મેં છેલ્લા ત્રણ વર્ષમાં પ્રાર્થના કરી હતી એવા અંદરથી મને હલાવી નાંખે એવા પાત્ર કરવા મળ્યા મને. મારા માટે દર વખતે નવા પડકાર હતા અને મારું મન સંતોષથી ભરાઈ જાય એવી સ્થિતિ છે.”

ડિરેક્ટર ધ્›વ ગોસ્વામીએ કહ્યું,“આ ફિલ્મના પાંચેય પાત્રોની વાત કરું તો રાઘવ માટે મને જયેશ મોરે તો પહેલાંથી જ દેખાતા હતા. પરંતુ દિક્ષા માટે તો મને દૂર દૂર સુધી કોઈ વિચાર નહોતો. પરંતુ મારા મ્યુઝિક ડિરેક્ટરે દિક્ષા અને સુહ્રર્દ સાથે એક શોર્ટ ફિલ્મ કરી હતી.

એમાં એક શોટ હતો, જેમાં મને દિક્ષામાં કાશી અનુભવાઈ. તેથી મેં દિક્ષા સાથે વાત કરી. સાથે સુહૃદ પણ ફિટ થતો દેખાયો. જ્યારે ફ્લોર પર જવાના બે દિવસ પહેલાં સુધી પિહુ નહોતી મળી. અમે દેશભરના ૭૮ બાળકોમાંથી પિહુની પસંદગી કરી હતી.

તેણે ક્યારેય કૅમેરાનો સામનો નહોતો કર્યાે. એને છેલ્લા બે પહેલાં નક્કી કરી. આવું જ પ્રિતી દાસ માટે થયું. મારે બંગાળી પુરુષ ટ્રાન્સજેન્ડર જોઈતા હતા. તેના બદલે પ્રિતીને લેવા માટે મને મારી કાસ્ટિંગ ડિરેક્ટર અવની સોનીએ કન્વીન્સ કર્યાે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.