Western Times News

Gujarati News

‘હું આપઘાત કરી લઈશ માય લોર્ડ!’: સુપ્રીમમાં જ વકીલની ધમકી

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં સોમવારે અચાનક વિચિત્ર પરિસ્થિતિ પેદા થઈ ગઈ હતી, જ્યારે બે વકીલોના અરસપરસના ઝઘડાની સુનાવણી દરમિયાન એક વરિષ્ઠ વકીલે આપઘાત કરવાની ધમકી આપી દીધી હતી.

જસ્ટિસ અભય એસ ઓકાની બેન્ચની સામે વીડિયો કોન્ફેંસિગ દ્વારા રજૂ થયેલા વકીલે પોતાની દલીલ રજૂ કરતી વખતે ધમકી આપતા કોર્ટ અકળાઇ હતી અને તેને લેખિતમાં માફી માગવાની સૂચના આપી હતી.

જસ્ટિસ અભય ઓકાએ વકીલને કહ્યું કે, ‘અમે તમને ચેતવણી આપી રહ્યા છીએ. જો તમે કોર્ટને ધમકાવો છો તો અમે તમારી સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપીશું. અમે બારના સભ્ય તરફથી આ પ્રકારના આચરણને સહન કરીશું નહીં.’

આ સમગ્ર મામલો બે વકીલોની વચ્ચેના વિવાદમાંથી પેદા થયો, જેમાં બંને એક-બીજાની સામે ફરિયાદ નોંધાવી હતી. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ ઓકાના નેતૃત્વવાળી બેન્ચ સોમવારે આ મામલાની સુનાવણી કરી રહી હતી. અરજીકર્તા વકીલ વીડિયો કોન્ફેંસિંગના માધ્યમથી કોર્ટ સમક્ષ રજૂ થયા હતા.

દલીલો દરમિયાન અરજી કરનાર વકીલે અચાનક આપઘાત કરવાની વાત કહી હતી. આ સાંભળીને જસ્ટિસ ઓકા આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. જસ્ટિસ ઓકાએ વકીલને પૂછ્યું કે જ્યારે કોર્ટ, બાર કાઉન્સિલ અને બાર એસોસિએશને માફી માંગી લીધી છે, તો એ આવું કેમ કરી રહ્યા છે? તો જવાબમાં અરજદાર(વકીલ)એ કહ્યું કે ‘હું આપઘાત કરી લઈશ માય લોર્ડ!’જસ્ટિસ ઓકાએ ફરીવાર પૂછ્યું કે તમે આવું કેમ કહી રહ્યા છો, જ્યારે કોર્ટ તમારી તરફેણમાં ચુકાદો સંભળાવી રહી છે.

તમારી માંગ શું છે ? તમે ઈચ્છો છો શું?જોકે, અરજદાર વકીલે કહ્યું કે મામલાને રદ કરવામાં આવે. આ સાંભળીને જસ્ટિસ ઓકા નારાજ થઈ ગયા હતા. પછી તરત જ જસ્ટિસ ઓકાએ પૂછ્યું કે, તો તમે ધમકી આપી રહ્યા છો કે જો બંને ફરિયાદો રદ કરી દઈશું તો તમે આપઘાત કરી લેશો?આ દરમિયાન, સામે પક્ષના વકીલે કહ્યું કે તેમને પહેલા દિવસથી જ આ પ્રકારના અનુચિત વ્યવહારનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સાથે જસ્ટિસ ઓકાએ અરજકર્તા વકીલને ચેતવણી આપી કે, ‘જો તમે કોર્ટને ધમકાવશો તો અમે તમારી વિરુદ્ધ એફઆઈઆર કરવાનો આદેશ આપીશું, તેમજ તમારું આચરણ ખોટું હોવાનો પણ આદેશ આપીશું. અમે બાર કાઉન્સિલને તમારી વિરુદ્ધ કાર્યવાહી શરુ કરવા અને તમારું રજિસ્ટ્રેશન રદ કરવા માટે કહીશું.’

જોકે, પછીથી જસ્ટિસ ઓકાએ અરજીકર્તા વકીલને કહ્યું કે આ મામલાને આગળ વધારીશું નહીં. પરંતુ તમે મામલાને સમજો. કોર્ટ આ પ્રકારની ધમકીઓથી ડરતી નથી. ઉલટ તમારી સામે એફઆઈઆર નોંધાઇ શકે છે અને તમારા માટે વકીલાત કરવાનો રસ્તો બંધ થઈ શકે છે. જોકે આ ઘટનાક્રમથી કોર્ટમાં અસામાન્ય સ્થિતિ પેદા થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.