હવે આવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખીશ: સમય રૈના

મુંબઈ, સ્ટેન્ડઅપ કોમેડિયન સમય રૈનાએ ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પર પોતાની અને રણવીર અલ્હાબાદિયાએ માતા-પિતાના સંબંધો પર કરેલી ટિપ્પણી પર ચાલેલા વિવાદ પર પોતાની ભૂલ સ્વીકારી છે. સમય રૈના સોમવારે મુંબઈમાં મહારાષ્ટ્ર સાઇબર પોલીસ સમક્ષ હાજર થયો હતો.
આ દરમિયાન તેણે માફી માંગી હતી. સમય રૈનાએ હવે મહારાષ્ટ્ર સાઇબર સેલને આપેલા પોતાના સત્તાવાર નિવેદનમાં આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. સમયે કહ્યું કે, ‘હું સ્વીકારું છું કે મારાથી ભૂલ થઇ છે. હું સમજ્યા વિચાર્યા વગર બોલ્યો. ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખીશ. મારો ઇરાદો કોઇની ભાવનાને ઠેસ પહોંચાડવાનો નહોતો. મેં જે કહ્યું એના માટે મને ખૂબ દુઃખ છે.’
આ મામલે સમય રૈનાએ ખુલાસો કર્યાે કે, ‘આ વિવાદના કારણે મારા માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે. આ ઘટનાના કારણે હું તણાવગ્રસ્ત અનુભવું છું અને મારી માનસિક સ્થિતિ ઠીક નથી. જેના કારણે મારી તાજેતરની કેનેડા ટૂર પણ સારી ન રહી. મને આ વાતનો અહેસાસ છે કે મેં જે કહ્યું એ ખોટું હતું. હું એ બદલ માફી માંગુ છું.’મહારાષ્ટ્ર સાયબર સેલ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જો સાયબર સેલ સમય રૈનાના નિવેદનથી સંતુષ્ટ નથી, તો તેને ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. આ કેસ મુખ્યત્વે પોડકાસ્ટર રણવીર અલ્હાબાદિયા, આશિષ ચંચલા અને અન્યો વિરુદ્ધ નોંધવામાં આવ્યો હતો.
અલ્હાબાદિયાએ સમય રૈનાના વેબ શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પર માતાપિતાને લગતી વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી, જેના કારણે વિવાદ થયો હતો અને અનેક પોલીસ ફરિયાદો થઈ હતી. રૈનાને અનેક વખત સમન્સ મોકલવામાં આવ્યા હતા, પરંતુ તે વિદેશમાં હોવાથી હાજર થઈ શક્યો ન હતો. તાજેતરમાં ભારત પરત ફર્યા બાદ તેણે સોમવારે મહારાષ્ટ્ર સાયબર હેડક્વાર્ટરમાં પોતાનું નિવેદન નોંધ્યું હતું.SS1MS