લ્યો બોલો: IAS અધિકારીઓ લેખિત સૂચના પણ માનતા નથી હોં?
સરકારમાં માત્ર આઈ.એ.એસ. અધિકારીઓનું જ ધાર્યું થાય છે? અહીં ‘ધાર્યું ધણીનું થાય’ એ કહેવત પણ યાદ આવે હોં!
ઉચ્ચ કક્ષાએથી જિલ્લાના એક IAS અધિકારીને આપવામાં આવેલી લેખિત સૂચનાને એ અધિકારી ઘોળીને પી ગયા
જરાય સાચી માનવાનું મન ન થાય એવી સચિવાલયમાં થતી ચર્ચાઓ જો સાચી માનીએ તો હવે સ્થિતિ એવી છે કે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ -૧માથી અપાતી લેખિત સૂચનાઓને પણ જિલ્લામાં ફરજ બજાવતા માથાભારે આઈ.એ.એસ. અધિકારીઓ માનતા નથી અને પોતાની મનમાની જ કરે છે.
સચિવાલયમાં વહેતી થયેલી એક અફવા જો સાચી હોય તો વાત એવી છે કે અતિ ઉચ્ચ કક્ષાએથી જિલ્લાના એક આઈ.એ.એસ. અધિકારીને આપવામાં આવેલી લેખિત સૂચનાને એ અધિકારી ઘોળીને પી ગયા છે અને ધરાહાર એ સૂચનાનો અમલ નથી કર્યો! આ વિગતો એવું તો નથી સૂચવતીને કે સરકારમાં માત્ર આઈ.એ.એસ. અધિકારીઓનું જ ધાર્યું થાય છે? અહીં ‘ધાર્યું ધણીનું થાય’ એ કહેવત પણ યાદ આવે હોં!
પોલીસની સંવેદનશીલ અને ગુપ્ત માહિતીની જગ્યાએ આઉટ ર્સોસિંગથી નિમણૂંક કેમ?
સચિવાલયમાં ચર્ચાતી વાતો જો સાચી માનીએ તો એવું જાણવા મળ્યું છે કે પોલીસ વિભાગમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીના તજજ્ઞની ભરતી આઉટ ર્સોસિંગથી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ જગ્યા પોલીસ વિભાગના કમ્પ્યુટર, કેમેરા રેકોર્ડ, ટ્રેનિંગ વગેરે જેવી અતિ સંવેદનશીલ અને ખાનગી બાબત સાથે સીધી રીતે સંકળાયેલી હોય છે.આવી જગ્યા કાયમી ભરતી દ્વારા નિયમિત નિમણુંકથી ભરવી હિતાવહ હોવાં છતાં સરકાર કેમ આવાં આંધળુંકિયુ કરતી હશે એ સમજાતું નથી? ગૃહ વિભાગ સામે દરરોજ અનેક સળગતાં પ્રશ્નોનો સામનો કરવાનો આવે જ છે.
એમાં આવી અયોગ્ય ભરતી નવી સમસ્યાઓને જન્મ આપનાર બની રહેશે.એક નિવૃત ડીવાય.એસ.પી.એ આ અંગે એવો પ્રતિભાવ આપ્યો કે ‘પોલીસ વિભાગમાં આવી ગેરકાનૂની ભરતીથી સીક્રેટ પોલીસી સીસ્ટમ ઢીલી પડશે અને તે પોલીસ ખાતાની સમગ્ર સીસ્ટમને નબળી પાડી દેશે!’ સરકારમાં કેમ કોઈ આ અંગે ચિંતા નહીં કરતું હોય તેની નવાઈ લાગે છે હોં!
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું સિનિયર પત્રકાર અને તંત્રી પ્રત્યેનું સૌજન્ય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દર સોમવારે સામાન્ય જનતા અને દર મંગળવારે ધારાસભ્યો અને સંસદસભ્યોની રજૂઆત રૂબરૂમાં સાંભળે છે.હવે બન્યુ એવું તા.૨૭મી જાન્યુઆરીને સોમવારે આ સામૂહિક રજુઆતની ભીડમાં એક માતબર અખબારના સિનિયર તંત્રીને મુખ્યમંત્રીએ જોયાં.
મુખ્યમંત્રીએ તેમને લાઇનમાંથી ખસેડીને ખાસ મહેમાનો માટેની ખુરશીમાં બેસવા કહ્યું અને પછી બે-ત્રણ પ્રતિનિધિ મંડળને સાંભળીને બાકીની રજૂઆતો કામચલાઉ અટકાવીને પોતાની ખુરશી પરથી ઉભા થઇને સિનિયર તંત્રીને પોતાની એન્ટી ચેમ્બરમાં લઈ ગયાં અને તેમની વાત શાંતિથી સાંભળી?.
આ પછી મુખ્યમંત્રીએ સંબંધિત અધિકારીને તાર સ્વરે તાકીદ કરી કે પત્રકારો કે તંત્રીઓને મુલાકાત માટે સોમવારે સામૂહિક રજુઆતના સમયે ન બોલાવવા.તેઓને અન્ય દિવસ અને સમય ફાળવવા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આ સૌજન્ય સૂચવે છે કે તેમની સરળતા અને સહજતા હજુ ય બરકરાર છે તથા પત્રકાર જગત પ્રત્યે તેઓ ભારે આદરભાવ ધરાવે છે.
આલોકકુમાર પાંડેનું પ્રયાગરાજના મહાકુંભમાં ગંગાસ્નાન
ગુજરાત રાજ્યની આઈ.એ??.એસ. કેડરની ૨૦૦૬ની બેચના અધિકારી આલોક કુમાર પાંડે નોખી માટીના અનોખાં માનવી છે.એ પુરાતત્વીય બાબતોમાં અઢળક રસ ધરાવે છે.કલાની પ્રવૃત્તિઓમાં પણ રસ ધરાવે છે.નોકરી સિવાય જીવાતા જીવનની અનેક બાબતોમાં જીવંત રસ ધરાવતા આલોક કુમાર પાંડે પ્રયાગરાજ ચાલી રહેલાં મહાકુંભ મેળામાં ગંગાસ્નાન કરી આવ્યા છે.
આનું એક કારણ એ પણ છે પાંડે ઉતરપ્રદેશના સુલતાનપુર જિલ્લાના દ્વારકાગંજ ગામના વતની છે. એ સંદર્ભે ફિલ્મી ભાષામાં કહેવું હોય તો એવું કહી શકાય કે આલોક પાંડે ‘છોરા ગંગા કિનારે વાલા’ છે. પ્રાચિન ઈતિહાસ અને જાહેર નીતિના વિષયો સાથે અનુસ્નાતકની પદવી તથા એમ.બી.એ. ડીગ્રી મેળવી છે.આલોક પાંડે હાલ રાહત કમિશનર તથા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર તરીકે કામગીરી બજાવે છે.
સચિન પંકજ મોદીનું પણ પ્રયાગરાજ મહાકુંભમાં ગંગાસ્નાન અને ભજન-કીર્તન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક બાબત અંગે તો ધન્યવાદ આપવા જ પડે કે તેઓ પોતાના કુટુંબીજનોને પોતાના સત્તા વર્તુળથી ખૂબ જ દૂર રાખ્યા છે.
વડાપ્રધાનના આખાં કુટુંબને સિક્યોરિટીની સુવિધા મળે પણ મોદીએ પોતાના એકપણ કુટુંબીજને એનો લાભ નથી આપ્યો.
તેનો પુરાવો એ છે કે હાલ ચાલી રહેલા મહાકુંભ મેળામાં નરેન્દ્ર મોદીનો સગો ભત્રીજો અને નિવૃત નાયબ માહિતી નિયામક પંકજ મોદીનો દીકરો સચિન મોદી પ્રયાગરાજના ખાતેના એક મેદાનમાં શેતરંજી પાથરીને સામાન્ય ભક્તોની જેમ જ રામસાગરના સથવારે પોતાના બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રો સાથે કબીરના ભજન ગાતો જોવા મળ્યો હતો.
કમ્પ્યુટર વિષય સાથે એન્જિનિયર થયેલો સચિન ભક્તહ્રદય ધરાવતો યુવાન છે. તેની આધ્યાત્મિક યાત્રા બહુ નાની ઉંમરથી શરૂ થઈ ગઈ છે. પિતા પંકજ મોદી પણ પોતાના સુપુત્રના આ ભજન સજળ આંખે સાંભળતા હતા?.