Western Times News

Gujarati News

IB નો રિપોર્ટ છે, ગુજરાતમાં “આપ”ની સરકાર બનવા જઈ રહી છે: કેજરીવાલ

‘આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીએ વલસાડમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી

ગુજરાતમાં સરકાર બન્યા પછી હું તમારા પ્રેમનું એક-એક ઋણ ચુકાવીશ, બાળકોનું ભવિષ્ય બનાવીશ : કેજરીવાલ

*બે-ત્રણ સીટો પરથી નહીં, આમ આદમી પાર્ટીની જીત 40-50 સીટો પરથી થવી જોઈએ. ગુજરાતમાં આ વખતે 150 સીટ આવવી જોઇએ : અરવિંદ કેજરીવાલ*

કોંગ્રેસને વોટ આપીને પોતાનો વોટ બગાડતા નહીં : અરવિંદ કેજરીવાલ

જ્યારે મારું ગુજરાતમાં આવવાનું નક્કી થયું તો ભાજપવાળાએ મારી વિરુદ્ધ દરેક જગ્યાએ પોસ્ટર લગાવી દીધા : અરવિંદ કેજરીવાલ

મારો જન્મ જન્માષ્ટમીનાં દિવસે થયો હતો, ભગવાને મને એક ખાસ કામ સાથે મોકલ્યો છે, આ કંસની ઓલાદોનો નાશ કરવા માટે : અરવિંદ કેજરીવાલ

Gujarat: I was born on Krishna Janmashtami and God has sent me with a special task to finish off the descendants of Kansa, the corrupts and goons. We all will fulfil this task given by God: Delhi CM and AAP national convenor Arvind Kejriwal

જેટલા પણ ભ્રષ્ટાચારી, ગુંડાગર્દી કરવાવાળા લોકો છે એ સૌને જનતાથી મુક્તિ અપાવવા માટે, ભગવાને મને ધરતી પર મોકલ્યો છે: અરવિંદ કેજરીવાલ

અમે પેસા કાનૂન લાગુ કરીશું, ગ્રામ સભાઓને સંપૂર્ણ અધિકાર આપીશું : અમે આદિવાસી ભાઈઓ અને બહેનો માટે બંધારણની પાંચમી સૂચિનો અમલ કરીશું : અરવિંદ કેજરીવાલ

1 માર્ચથી ગુજરાતના લોકોનું વીજળી બિલ ઝીરો આવવા લાગશે : અરવિંદ કેજરીવાલ

મહિલાઓનાં ખાતામાં દર મહિને ₹1000 સન્માનની રકમ જમા કરાવીશું : અરવિંદ કેજરીવાલ

ગુજરાતમાં જ્યારે ‘આપ’ની સરકાર બનશે ત્યારે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું : અરવિંદ કેજરીવાલ

*’આપ’ની સરકાર બન્યા બાદ ગુજરાતમાં પ્રાઇવેટ શાળાઓનું ઓડિટ કરાવશું, બધી જૂની ફી પાછી અપાવીશું: અરવિંદ કેજરીવાલ*

ગુજરાતનું બજેટ 2.5 લાખ કરોડનું છે અને ગુજરાત રાજ્ય પર 3.5 લાખ કરોડનું દેવું છેઃ કોંગ્રેસીઓએ તેમના કાર્યાલય બહાર બોર્ડ લગાવવું જોઈએ કે “અમારા ધારાસભ્યો સસ્તામાં વેચાયા છે.”: ભગવંત માન

*દિલ્હી અને પંજાબમાં વીજળી આવે છે, પણ બિલ નથી આવતાઃ ભગવંત માન*

*ગરીબોના બાળકો ભણી ગણીને પોતાની ગરીબી દૂર ના કરી દે એ કારણથી  તેમને અત્યાર સુધી અભણ રાખવામાં આવ્યા : ભગવંત માન*

વલસાડ,  આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી આજે 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજીએ દાહોદમાં વિશાળ જાહેર સભાને સંબોધીત કરી.

ત્યાર બાદ અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજીએ વડોદરામાં તિરંગા યાત્રામાં ભાગ લીધો. અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજીએ વડોદરામાં રાત્રી રોકાણ કર્યું હતું. બીજે દિવસે 9 ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી વડોદરા એરપોર્ટથી નીકળી સુરત એરપોર્ટ થઇને વલસાડ પહોંચ્યા. વલસાડ પહોંચીને અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજીએ વનરાજ કોલેજમાં વિશાળ સભામાં ભાગ લીધો.

*ગુજરાતમાં સરકાર બન્યા પછી હું તમારા પ્રેમનું એક-એક ઋણ ચુકાવીશ, તમારા બાળકોનું ભવિષ્ય બનાવીશ : અરવિંદ કેજરીવાલ*

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી એ વલસાડની જાહેર સભામાં લાખોની સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે, અહીં પરિવર્તન માટે લાખોની સંખ્યામાં જેટલા પણ લોકો આવ્યા છે એ સૌનો આભાર માનું છું અને હું તે સૌને વચન આપુ છું કે ગુજરાતમાં સરકાર બન્યા પછી હું તમારા પ્રેમનું એક-એક ઋણ ચુકાવીશ, તમારા બાળકોનું ભવિષ્ય બનાવીશ.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી આજે 2 દિવસની ગુજરાત મુલાકાત પહોંચ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી એ દાહોદની જાહેર સભામાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે, હું તમારા માટે સારા સમાચાર લઈને આવ્યો છું.

આઈબીનો એક રિપોર્ટ આવ્યો છે. કેન્દ્ર સરકારે આ એજન્સીને ગુજરાતમાં મોકલીને એક સર્વે કરાવ્યો હતો. આ એક સરકારી એજન્સી છે. અને આઈબીએ કેન્દ્ર સરકારને આ રિપોર્ટ આપ્યો છે કે ડિસેમ્બરમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે.

આઇબીનો રિપોર્ટ કહી રહ્યો છે કે આમ આદમી પાર્ટીની 94-95 સીટો આવી રહી છે. આમ આદમી પાર્ટી જીતી રહી છે પરંતું બે-ત્રણ સીટો ઉપરથી જીતી રહી છે, પરંતુ બે-ત્રણ સીટો પરથી નહીં, આમ આદમી પાર્ટીની જીત 40-50 સીટો પરથી થવી જોઈએ. ગુજરાતમાં આ વખતે 150 સીટ આવવી જોઇએ જેથી દિલ્હી અને પંજાબો રેકોર્ડ તુટી જાય.

*‘આપ’ની સરકાર બન્યા બાદ ગુજરાતમાં સૌથી પહેલું કામ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું રહેશેઃ અરવિંદ કેજરીવાલ*

જ્યારે ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, ત્યારે સૌથી પહેલું કામ ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું કરીશું. મને એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ગુજરાતનાં એક ધારાસભ્ય છે, જેમણે છેલ્લી ચૂંટણી લડી હતી એ વખતે તેમની 4 એકર જમીન હતી. આજે 5 વર્ષ પછી તેમને 1000 એકર જમીન થઈ ગઈ છે. આ જમીન ક્યાંથી આવી? બધા જ ધારાસભ્યોની આ જ હાલત છે, ગુજરાત લૂંટાઈ ગયું છે. અને પછી તેઓ કહે છે કે સરકાર ખોટમાં ચાલી રહી છે.

સવારથી સાંજ સુધી રોટલી ખાવા માટે, દૂધ પીવા માટે, પંખો ચલાવવામાં, સાબુનો ઉપયોગ કરવા માટે, દરેક જગ્યાએ ગરીબમાં ગરીબ માણસ ટેક્સ આપે છે, તો શા માટે સરકાર ખોટમાં છે? બધા પૈસા ક્યાં જાય છે? ગુજરાત સરકાર દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે. હું તમને પૂછવા માંગુ છું કે તમારા ગામમાં છેલ્લા 27 વર્ષમાં કોઈ રોડ બન્યો છે? શાળા બની? હોસ્પિટલ બની? કોઈને દવા આપી? તેમણે કોઈ કામ કર્યું?

તેમણે છેલ્લા 27 વર્ષમાં કોઈ કામ કરાવ્યું નથી. તો આ લોકો દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા ક્યાં ખર્ચે છે? આ લોકો પોતાની મિલકત બનાવે છે, જમીન ખરીદે છે, બધા પૈસા સ્વિસ બેંકમાં લઈ જાય છે. જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે તેમની પાસેથી એક-એક પૈસો પાછો લેવામાં આવશે.

હમણાં જ પંજાબની અંદર અમારા જ એક મંત્રી કંઈક ખોટું કરી રહ્યા હતા. ભગવંત માનજી એ પોતે તેમને જેલમાં મોકલી દીધા. અમે તમારા માટે એવી સિસ્ટમ લાગુ કરીશું કે તમારે કોઈ સરકારી કામ માટે સરકારી ઓફિસ જવાની જરૂર નહીં પડે, સરકારી ઓફિસર તમારા ઘરે આવીને તમારું કામ કરશે. તમારે કોઈ લાંચ આપવાની જરૂર રહેશે નહીં.

મારો જન્મ જન્માષ્ટમીનાં દિવસે થયો હતો, ભગવાને મને એક ખાસ કામ સાથે મોકલ્યો છે, આ કંસની ઓલાદોનો નાશ કરવા માટે : અરવિંદ કેજરીવાલ

કાલે હું જ્યારે ગુજરાતમાં આવ્યો ત્યારે ભાજપવાળાએ મારી વિરુદ્ધ આખા ગુજરાતમાં પોસ્ટર લગાવી દીધા. તે મારી વિરુદ્ધ ગમે તે કરે, મને તેની સાથે કોઈ જ વાંધો નથી, પરંતુ તેમણે પોસ્ટર ઉપર ભગવાન માટે અપશબ્દો લખ્યા અને ભગવાનનું અપમાન કર્યું.

જે લોકોએ આ પોસ્ટર લગાવ્યા છે એ લોકો મારી નફરતમાં એટલા આંધળા થઈ ગયા છે કે તેઓએ ભગવાનને પણ છોડ્યા નથી અને અપશબ્દો લખીને ભગવાનનું અપમાન કર્યું છે. હું એક ધાર્મિક માણસ છું, હનુમાનજીનો કટ્ટર ભક્ત છું. હનુમાનજીની અસીમ કૃપા મારા પર છે.

બધી જ આસુરી અને રાક્ષસી શક્તિઓ મારી સામે વિરુદ્ધ એકઠી થઈ ગઈ છે. આ બધા કંસની ઓલાદ છે. આ બધા લોકો ભગવાનનું અપમાન કરે છે, ભક્તોનું અપમાન કરે છે, બધી જગ્યાએ ગુંડાગર્દી કરે છે, લફંગાઇ કરે છે, મારપીટ કરે છે, હું તેમને કહેવા માંગુ છું કે, મારો જન્મ જન્માષ્ટમીનાં દિવસે થયો હતો, ભગવાને મને એક ખાસ કામ સાથે મોકલ્યો છે,

આ કંસની ઓલાદોનો નાશ કરવા માટે. જેટલા પણ ભ્રષ્ટાચારી, ગુંડાગર્દી કરવાવાળા લોકો છે એ સૌને જનતાથી મુક્તિ અપાવવા માટે આપણે સૌ ભેગા મળીને ભગવાનનું આ કાર્ય પૂરું કરીશું. ભગવાન અમારી સાથે છે, લોકો અમારી સાથે છે,જનતા પરિવર્તન ઈચ્છે છે અને તેના કારણે આ લોકો બધી બાજુથી બોખલાઈ ગયા છે. હું તેમને કહેવા માંગુ છું કે, તમે કેજરીવાલને નફરત કરી લો, પરંતું જો ભગવાન વિરુદ્ધ આવા અપશબ્દો લખશો તો જનતા તેને સહન કરશે નહીં.

1 માર્ચથી ગુજરાતના લોકોનું વીજળી બિલ ઝીરો આવવા લાગશે : અરવિંદ કેજરીવાલ

જ્યારે ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું ત્યાકે ઘણા પૈસાની બચત થશે, તે પૈસાથી સૌથી પહેલા તમારી વીજળી મફત કરીશું. મારી પાસે ગુજરાતનાં ઘણા લોકો આવે છે અને કહે છે કે, મોંઘવારી ઘણી વધી ગઈ છે, બાળકો ઉછેરવાના પૈસા નથી અને આવક પણ નથી વધી રહી. દિલ્હી અને પંજાબમાં અમે વીજળી મફત કરી દીધી.

અને જેમના જૂના બિલ બાકી હતા તેમના જૂના બિલ માફ કર્યા. હવે દિલ્હી અને પંજાબમાં લોકોને ઝીરો બિલ આવે છે. દિલ્હીમાં 42 લાખ લોકોનું વીજળી બિલ ઝીરો આવે છે અને પંજાબમાં 50 લાખ લોકોનું વીજળી બિલ ઝીરો આવે છે. ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે

અને 1 માર્ચથી ગુજરાતની જનતાના વીજળીના બિલ ઝીરો પર આવવા લાગશે. આ બંને પાર્ટીઓ મને ગાળો આપી રહ્યી છે કે, કેજરીવાલ મફતમાં વીજળી કેમ આપે છે? કેજરીવાલ મફતની રેવડી કેમ વહેંચે છે? તેમના મુખ્યમંત્રીને 5000 યુનિટ અને અન્ય ધારાસભ્યને 4000 યુનિટ વીજળી મફતમાં મળે છે. ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીઓને મફતમાં વીજળી મળે તો તેમને કોઈ તકલીફ નથી, પરંતુ ગુજરાતની જનતાને 300 યુનિટ વીજળી મફતમાં મળે તો તેમની તકલીફ થાય છે.

*મહિલાઓનાં ખાતામાં દર મહિને ₹1000 સન્માનની રકમ જમા કરાવીશું : અરવિંદ કેજરીવાલ*

18 વર્ષથી વધુ ઉંમરની જેટલી પણ મહિલાઓ છે તેમના એકાઉન્ટમાં દર મહિને ₹1000 સન્માન રાશિ જમા કરાવીશું. જો 18 વર્ષથી વધુ ઉંમરની કોઈ મહિલા હોય જેમની પાસે બેંક એકાઉન્ટ નથી, તો તેઓ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવીને રાખે, સરકાર બન્યા પછી, મહિલાઓના ખાતામાં દર મહિને ₹1000 જમા કરતા રહીશું. આ લોકો કહે છે કે મહિલાઓને પૈસા આપવાની શું જરૂર છે? આવી ઘણી બધી દીકરીઓ છે, જેમનો અભ્યાસ પૈસાને અભાવે છુટી જાય છે. આવી દીકરીઓના હાથમાં હજાર રૂપિયા આપવાથી તેમના આવવા જવાનાં ભાડામાં મદદ મળશે અને તેમનો અભ્યાસ પૂર્ણ થશે. ઘણી બધી એવી બહેનો છે કે જેઓ મોંઘવારીને કારણે પોતાના બાળકોને દૂધ અને સારા શાકભાજી ખવડાવી શકતી નથી, સારું શિક્ષણ અપાવી શકતી નથી જો એમનાં હાથમાં હજાર રૂપિયા રાખશે તો તે પોતાના બાળકોની સારી રીતે સંભાળ રાખી શકે છે.

*ગુજરાતમાં જ્યારે ‘આપ’ની સરકાર બનશે ત્યારે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું : અરવિંદ કેજરીવાલ*

જેમ અત્યારે ગુજરાતની સરકારી શાળાઓ ખરાબ છે તેમ પહેલાં દિલ્હીમાં પણ સરકારી શાળાઓનો ગંભીર રીતે ખરાબ હતી. અમારી સરકાર બન્યા પછી અમે દિલ્હીની તમામ સરકારી શાળાઓને શાનદાર બનાવી દીધી. આજે દિલ્હીની સરકારી શાળાના પરિણામો પણ ખૂબ સારા આવી રહ્યા છે. દિલ્હીમાં મજૂરોના બાળકો, રિક્ષાચાલકોનાં બાળકો, મોચીનાં બાળકો, ઇસ્ત્રી કરનારના બાળકો, ગરીબોના બાળકો ડૉક્ટર અને એન્જિનિયર બની રહ્યાં છે. દિલ્હીમાં ગગન નામનો એક છોકરો છે, તેના પિતા એક કારખાનામાં મજૂર તરીકે કામ કરે છે, તે મહિને ₹8000 કમાય છે. તેને એન્જિનિયરિંગમાં હમણાં જ એડમિશન મળ્યું છે, હવે તે છોકરો એન્જિનિયર બનશે. બીજો છોકરો સુધાંશુ છે, તેના પિતા ડ્રાઇવર છે, તે મહિને ₹10000 કમાય છે, તેને પણ  એન્જિનિયરિંગમાં એડમિશન મળી ગયું છે. એવા હજારો બાળકો છે જેઓ સરકારી શાળાઓ માંથી ભણીને  ડોક્ટર અને એન્જિનિયરિંગમાં એડમિશન લઈ રહ્યા છે. દિલ્હીની અંદર ઘણા લોકો પોતાના બાળકોના નામ પ્રાઇવેટ શાળામાંથી કઢાવીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. ગરીબોના બાળકો દિલ્હીની સરકારી શાળાઓમાં ભણીને ડોક્ટર કે એન્જિનિયર બની રહ્યા છે, જેમની મહિનાની આવક ₹10000 હતી, આજે તેમના બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરીને મહિને બે-ત્રણ લાખ રૂપિયા કમાશે, ઘણા બધા પરિવારોની ગરીબી દૂર થશે. ગુજરાતમાં જ્યારે ‘આપ’ની સરકાર બનશે ત્યારે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું, તમારા બાળકોને સારું શિક્ષણ આપીશું અને તમારી ગરીબી દૂર કરીશું.

*’આપ’ની સરકાર બન્યા બાદ ગુજરાતમાં પ્રાઇવેટ શાળાઓનું ઓડિટ કરાવશું, બધી જૂની ફી પાછી અપાવીશું: અરવિંદ કેજરીવાલ*

દિલ્હીમાં ખાનગી શાળાઓએ લૂંટ મચાવી હતી. અમે આવતાની સાથે જ તમામ ખાનગી શાળાઓનું ઓડિટ કરાવ્યું. દેશની મોટી શાળાઓ વિશે જાણવા મળ્યું કે તેઓએ ₹50000 કરોડની બેંકમાં FD જમા કરાવી છે. તમારી ફી વધારીને તમને લૂંટી રહ્યા છે અને તમારી ફી થી બેંકમાં એફડી કરાવીને રાખી છે. આ એક બહુ મોટો ગુનો છે, જે પણ શાળાઓ છે તે ચેરીટેબલ ટ્રસ્ટ હોય છે, તેઓ પૈસા ભેગા કરી શકતા નથી. પૈસા ભેગા કરવા એ ગુનો છે. તેમની તમામ શાળાઓની એફડી તોડાવી અને તમામ જૂની ફી પરત કરાવી. છેલ્લા ચાર-પાંચ વર્ષમાં તેમણે જેટલી ફી લીધી હતી તે બધા પૈસા અમે વાલીઓને પાછા અપાવ્યા. ભારતના ઈતિહાસમાં એવું ક્યારેય બન્યું નથી કે તમારી બેંકમાં શાળામાંથી પૈસા પાછા આવ્યા હોય. અને ત્યાર બાદ આદેશ જાહેર કર્યો કે સરકારની મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિ ફીમાં વધારો કરી શકશે નહીં. જો તમારે ફી વધારવી હોય તો તમારે સરકારને કહેવું પડશે કે તમે શા માટે ફી વધારવા માંગો છો. દિલ્હીમાં 7 વર્ષથી કોઈએ ફી વધારી નથી, ગુજરાતમાં પણ આવું કરીશું. સરકારી શાળાઓ પણ ઠીક કરવાની છે, ખાનગી શાળાઓ પણ ઠીક કરવાની છે અને આ નિયત માત્ર આમ આદમી પાર્ટીની પાસે છે.

*ગુજરાતમાં 20,000 મોહલ્લા ક્લિનિક્સ ખોલીશું: અરવિંદ કેજરીવાલ*

દિલ્હીમાં અમે દરેક વ્યક્તિની સારવાર મફત કરી છે. આજે કોઈને ગંભીર બીમારી થાય તો ઘર, જમીન, મિલકત, દાગીના બધું ગીરવે રાખવું પડે છે, પરંતુ દિલ્હીમાં તમામ સારવાર મફત છે. અમીર હોય કે ગરીબ, તમામ માટે સારવાર મફત છે, બધી દવાઓ મફત છે, તમામ ટેસ્ટ મફત છે, ઓપરેશન ગમે તેટલું મોટું હોય તે પણ મફત છે. અમે દિલ્હીમાં 2 કરોડ લોકોની તમામ સારવાર મફત કરી છે અને હવે અમે પંજાબમાં પણ કરવા જઈ રહ્યા છીએ. પંજાબમાં 100 મોહલ્લા ક્લિનિક્સ ખોલવામાં આવ્યા છે અને વધુ ખોલવામાં આવશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ દરેક નાના ગામમાં મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવશે. આ રીતે ગુજરાતમાં 20,000 મોહલ્લા ક્લિનિક્સ ખોલવામાં આવશે. રોગ ભલે ગમે તેટલો મોટો હોય, દરેક વ્યક્તિની સારવાર મફતમાં થશે. ગુજરાતમાં 6.5 કરોડ લોકોની તમામ સારવાર મફતમાં કરવામાં આવશે.

*દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું, તેમને રોજગાર ન મળે ત્યાં સુધી ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું: અરવિંદ કેજરીવાલ*

ગઇ વખતે જ્યારે હું ગુજરાત આવ્યો હતો ત્યારે એક છોકરો મને મળવા આવ્યો. તેણે કહ્યું કે હું મારા વિસ્તારના નેતાને મળવા ગયો હતો કે મારી પાસે નોકરી નથી, મને નોકરી આપો, તો તેમણે મને એવો જવાબ આપ્યો હતો કે તું કોઈ કામનો નથી, તને કોઈ કામ આવડતું નથી એટલા માટે તારી પાસે નોકરી નથી. આ લોકોને 27 વર્ષથી એટલો અહંકાર આવી ગયો છે કે તેઓ આપણા બાળકોને ગાળો આપે છે. દિલ્હીમાં મેં 5 વર્ષમાં 12,00,000 બાળકો માટે નોકરીઓ ઊભી કરી. પંજાબમાં ભગવંત માન સાહેબે છેલ્લા 6 મહિનામાં 17,000 બાળકોને સરકારી નોકરી આપી છે. અમારી નિયત પણ છે અમને કામ કરતા પણ આવડે છે. અમે વચન આપ્યું છે કે જ્યારે ગુજરાતમાં અમારી સરકાર બનશે ત્યારે અમે દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું અને જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી અમે ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું અને 10,00,000 સરકારી નોકરીઓની વ્યવસ્થા કરીશું. જો તમે તમારા બાળકોને બેરોજગાર રાખવા માંગતા હોવ, ગાળો સાંભળવા માગતા હોવ તો તમે તેમને વોટ આપજો, 27 વર્ષથી આવું જ ચાલી રહ્યું છે અને જો  તમારા બાળકો માટે રોજગાર જોઈતો હોય તો આમ આદમી પાર્ટીને વોટ આપજો, ઝાડુનું બટન દબાવજો. જે પેપર ફૂટે છે તે થોડી એમ જ ફૂટે છે, ચોક્કસ કોઈ મોટા નેતા તેમાં સામેલ છે. 2015 પછી અત્યાર સુધી જે પણ પેપરો ફોડવામાં આવ્યા છે તેની તપાસ કરવામાં આવશે અને આમાં સામેલ તમામ મોટા નેતાઓને જેલમાં મોકલવામાં આવશે. 2 વર્ષ પહેલા 25,00,000 લોકોએ તલાટીની પરીક્ષા માટે અરજી કરી હતી પરંતુ તેમણે તે પરીક્ષા રદ કરી હતી. ડિસેમ્બરમાં અમારી સરકાર બનશે અને અમે ફેબ્રુઆરીમાં તલાટીના પેપર કરાવીશું.

*ગુજરાતનાં ખેડૂતો માટે ઘઉં, ચોખા, ચણા, મગફળી અને કપાસ આ 5 પાક પર MSP આપીશું: : અરવિંદ કેજરીવાલ*

અહીંના તમામ રસ્તાઓ ખરાબ છે, દરેક જગ્યાએ જવા માટે સમય લાગે છે. સરકાર બન્યા પછી 6 મહિનાની અંદર જેટલા પણ જરૂરી રસ્તાઓ છે એનું પહેલા સમારકામ કરવામાં આવશે અને એક-બે વર્ષમાં બીજા તમામ રસ્તાઓને સારા કરવી દઈશું. ભગવંત માનજીએ પંજાબનાં ખેડૂતો માટે એમએસપી લાગુ કરી દીધી છે. ઘઉં, ચોખા, કપાસ, નરમા અને મગની દાળ આ પાંચ પાકો પર MSP આપી દીધી છે. તેમણે આ પાંચ વસ્તુઓ પર MSP લગાવી છે અને કહ્યું છે કે જો આ પાંચ પાક માર્કેટ કરતા ઓછા ભાવે વેચાય છે, તો તમે સરકાર પાસે જજો, સરકાર તમારી પાસેથી ખરીદી લેશે. ગુજરાતના ખેડૂતો માટે પણ અમે 5 પાકોથી શરૂઆત કરીશું અને પછી એક પછી એક એમ તમામ પાક પર એમએસપી આપવાનું શરૂ કરીશું. ગુજરાતમાં પણ અમે ઘઉં, ચોખા, ચણા, મગફળી અને કપાસના ખેડૂતો માટે આ 5 પાક પર એમએસપી આપીશું. જો એમએસપીના સમયે બજારમાં આનાથી ઓછો ભાવ હોય તો સરકાર પાસે જજો તો સરકાર તમારી પાસેથી આ પાક ખરીદી લેશે. ખેડૂતોને 12 કલાક વીજળી આપવામાં આપીશું. ઘણા વર્ષો થયા હજુ સુધી નર્મદાનું પાણી નથી પહોંચ્યું, ખેડૂતો માટે સિંચાઈની વ્યવસ્થા કરીશું. જો દિલ્હી અને પંજાબની અંદર પાકને નુકસાન થાય છે, તો સરકાર 1 મહિનાની અંદર તેમના ખાતામાં પ્રતિ હેક્ટર ₹ 50000 એમનાં બેંક એકાઉન્ટમાં જમા કરે છે, તે ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવશે.

*અમે પેસા કાનૂન લાગુ કરીશું, ગ્રામ સભાઓને સંપૂર્ણ અધિકાર આપીશું : અરવિંદ કેજરીવાલ*

આજે અહીં ઘણા બધા આદિવાસી ભાઈ-બહેનો આવ્યા છે. હું તેમને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ અમે તેમના માટે ‘પેસા કાનુન’ લાગુ કરીશું. અત્યાર સુધી તમામ સરકારોની નિયત ખરાબ હતી, કોઈપણ સરકાર ‘પેસા કાનુન’ લાગુ કરવા માંગતી ન હતી. પરંતુ અમે ‘પેસા કાનુન’ લાગુ કરીશું, ગ્રામસભાઓને સંપૂર્ણ અધિકાર આપીશું. તમારા જળ, જંગલ, જમીન પર માત્ર ગ્રામસભાઓનો જ અધિકાર હશે. તમારી સંમતિ વિના કોઈ તમારી જમીન લઈ શકશે નહીં. અમે આદિવાસી ભાઈઓ અને બહેનો માટે બંધારણની પાંચમી સૂચિનો અમલ કરીશું. આદિવાસી ભાઈ-બહેનોને તેમનો પૂરો હક્ક અપાવીશું.

*દિલ્હીની જેમ ગુજરાતમાં પણ અમારી સરકાર બન્યા બાદ ગુજરાતની જનતાને મફતમાં અયોધ્યાના ભગવાન શ્રી રામના દર્શન કરાવવામાં આવશે: અરવિંદ કેજરીવાલ*

ભગવાન શ્રી રામનું મંદિર આવતા વર્ષે તૈયાર થઈ જશે.  દરેક વ્યક્તિ મંદિર જોવા જવા માંગે છે.  પરંતુ મુસાફરી અને ખાવા-પીવામાં ઘણો ખર્ચ થાય છે.  પરંતુ દિલ્હીમાં અમે એક યોજના શરૂ કરી છે, જેમાં અમે દિલ્હીવાસીઓને મફતમાં અયોધ્યાના ભગવાન શ્રી રામના દર્શન કરવા લઈ જઈએ છીએ.

દિલ્હીથી સ્પેશિયલ ટ્રેન ઉપડે છે.  એ ટ્રેનમાં બધા રામ ભક્ત હોય છે.  આ બધા રામ ભક્તોનું આવવું, જવું, ખાવું, પીવું, રહેવાનું બધું મફત છે.  તમને ઘરેથી લઈ જવાનું અને અંતે ઘર છોડવાનું પણ, દિલ્હી સરકાર આ બધી જવાબદારી ઉઠાવે છે અને તે બધું મફત છે.  જ્યારે ટ્રેન દિલ્હીથી નીકળે છે, ત્યારે હું વ્યક્તિગત રીતે તેમને છોડવા જાઉં છું અને જ્યારે ટ્રેન પાછી આવે છે, ત્યારે હું વ્યક્તિગત રીતે તેમને લેવા જાઉં છું.  લોકો મને ખૂબ આશીર્વાદ આપે છે.  હું ગુજરાતની જનતાને વચન આપું છું કે ગુજરાતમાં પણ અમારી સરકાર બન્યા બાદ ગુજરાતની જનતાને મફતમાં અયોધ્યાના ભગવાન શ્રી રામના દર્શન કરાવવામાં આવશે.

*કોંગ્રેસને વોટ આપીને પોતાનો વોટ બગાડતા નહીં : અરવિંદ કેજરીવાલ*

આ લોકો મને કહે છે કે કેજરીવાલ મફતની કી રેવડી, મફતની રેવડી વહેંચી રહ્યા છે. કારણ કે તેમને ડર લાગે છે કે જો કેજરીવાલજીની સરકાર આવી ગઈ અને તે બધું જનતામાં વહેંચી દેશે તો તેમની લૂંટ બંધ થઈ જશે. કોંગ્રેસ અને ભાજપ એક થઇ ગઇ છે. એ લોકોએ નક્કી કરી લીધું છે કે આમ આદમી પાર્ટીની સરકાર ન બનવી જોઇએ.

ગુજરાતમાં બહું મોટું વાવાઝોડું આવ્યુ છે પરિવર્તનનું. આખું ગુજરાત પરિવર્તન માંગી રહ્યું છે. હું ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આ વખતે છેતરાતા નહીં, કોંગ્રેસને વોટ આપીને તમારા વોટના ભાગલા ન પાડતા. કોંગ્રેસને વોટ આપીને ભાજપને ન જીતાડી દેતા.

કોંગ્રેસને વોટ આપીને પોતાનો વોટ બગાડતા નહીં. કોંગ્રેસની 10થી ઓછી સીટો આવી રહી છે અને તેને જે પણ બેઠકો મળશે તે પછી ભાજપમાં ભળી જશે. ભાજપ 27 વર્ષથી એટલો અહંકારી બની ગયો છે કે તેઓ હવે લોકોની વાત પણ સાંભળતા નથી. અમારી સરકાર બનશે ત્યારે જનતા જ સરકાર ચલાવશે, જનતા જે કહેશે તે થશે.

*વલસાડમાં એટલા બધા લોકો આવ્યા છે કે અત્યાર સુધીની બધી સભાના રેકોર્ડ તૂટી ગયા છેઃ ભગવંત માન*

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીએ વલસાડના હજારો લોકોને સંબોધતા કહ્યું કે, અમે જ્યાં પણ સભામાં જઈએ છીએ, અમને લાગે છે કે આ સભામાં એટલા બધા લોકો છે કે આ સભાનો કોઈ રેકોર્ડ તોડશે નહીં, પરંતુ જ્યારે બીજા દિવસે કોઈ બીજા સ્થળ પર જઈએ તો અગાઉની સભાનો રેકોર્ડ તૂટી જાય છે અને આજે વલસાડમાં એટલા બધા લોકો છે બધી સભાના રેકોર્ડ તૂટી ગયા છે. આજે એટલો બધો લોકો ભેગા થયા છે કે સભાના મંડપ કરતાં પણ વધુ લોકો બહાર ઊભા છે, આ બધા લોકોનો પ્રેમ છે, આશીર્વાદ છે. આ પ્રેમ અને આશીર્વાદને લીધે જ અમે થાક્યા વિના આગળ વધીએ છીએ, ઘરે-ઘરે જઈને લોકોને કહીએ છીએ કે તમારા શિક્ષણનો હિસ્સો  કોણ ખાય છે, યુવાનોની રોજગારી કોણ ખાય છે અને સારવાર માટેની દવાઓ કોણ ખાય છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો ઘરે-ઘરે જઈને લોકોને આ વાત જણાવી રહ્યા છે અને તેથી જ લોકો આટલી મોટી સંખ્યામાં આવી રહ્યા છે.

*ગુજરાતનું બજેટ 2.5 લાખ કરોડનું છે અને ગુજરાત રાજ્ય પર 3.5 લાખ કરોડનું દેવું છેઃ ભગવંત માન*

ગુજરાતનું બજેટ 2.5 લાખ કરોડનું છે અને ગુજરાત રાજ્ય પર 3.5 લાખ કરોડનું દેવું છે. 2.5 લાખ કરોડનું બજેટ હોવા છતાં ન તો તેમણે શાળાઓ બનાવી, ન હોસ્પિટલો બનાવી, ન યુવાનોને રોજગારી આપી, ન રસ્તાઓ બનાવ્યા, તો આ બજેટના પૈસા ગયા ક્યાં? શહીદ આઝમ ભગતસિંહને આઝાદી કેવી રીતે મળશે તેની ચિંતા ન હતી પરંતુ તેમને ચિંતા હતી કે આઝાદી પછી તે દેશ કોના હાથમાં જશે અને આજે તેમની ચિંતા સાચી સાબિત થઈ. આજે અંગ્રેજો પણ ગર્વ સાથે કહે છે કે, “આપણે ભારત દેશને જેટલો આપણે 200 વર્ષમાં નથી લૂંટ્યો તેનાથી વધારે ભારતના નેતાઓએ પોતાના જ દેશને લૂંટ્યો છે.” જ્યારે કોઈ માણસ નાહવા માટેનો સાબુ ખરીદવા જાય છે ત્યારે  તેના પર ટેક્સ આપીને આવે છે. ઘરમાં ચા બનાવવા માટે ચાની પત્તી, મીઠું અને દૂધ ખરીદીને લાવે છે, તેના પર પણ ટેક્સ ભરીને આવે છે, એવું નથી કે તે મફતમાં માંગે છે. સામાન્ય માણસ આ ટેક્સ કેમ આપે છે? મીઠા પર ટેક્સ છે, દૂધ પર ટેક્સ છે, દહીં પર ટેક્સ છે, સાબુ પર ટેક્સ છે, નાહવાથી લઇને રાતની વીજળીની સ્વીચ ઓન કરે છે તેના પર ટેક્સ આપે છે, તમે રાત્રે ઇલેક્ટ્રિક બલ્બ બંધ કરીને સુઈ જાઓ છો, પરંતુ પંખો ચાલુ હોય તો પણ સરકાર તમારી પાસેથી ટેક્સ વસુલે છે, એવું ન વિચારતા કે તમે ક્યારેય સરકારને ટેક્સ નથી આપતા. આટલો ટેક્સ આપ્યા પછી પણ સરકારની તીજોરી ખાલી છે.

*કોંગ્રેસીઓએ તેમના કાર્યાલય બહાર બોર્ડ લગાવવું જોઈએ કે “અમારા ધારાસભ્યો સસ્તામાં વેચાયા છે.”: ભગવંત માન*

તેમના મિત્રોનું દેવું માફ કરવાનું હોય ત્યારે તેમની તિજોરી ખાલી નથી હોતી, પરંતુ પ્રજાને સુવિધાઓ આપવાની વાત આવે ત્યારે તેમની તિજોરી ખાલી થઈ જાય છે. આ લોકો ભૂલી જાય છે કે જનતાએ જ તેમને મત આપીને સત્તા સોંપી છે. પહેલા તમારી પાસે કોઈ રસ્તો નહોતો, કોઈ વિકલ્પ નહોતો, એટલા માટે તમે 27 વર્ષથી આ લોકોનો સહન કર્યા છે. પરંતુ તમારે આ વખતે તમારે પરિવર્તન લાવવાનું છે અને પ્રામાણિકતાનો સૂરજ ઉગાડવાનો છે. કોંગ્રેસના લોકો તેમની સાથે મળેલા છે. ત્યારે જ તમે જોયું હશે કે કોંગ્રેસની સરકાર સતત પડી રહી હોવાના અવારનવાર અહેવાલો આવે છે. મને લાગે છે કે કોંગ્રેસીઓએ તેમના કાર્યાલય બહાર બોર્ડ લગાવી દેવું જોઈએ કે “અમારા ધારાસભ્યો અહીં સસ્તામાં વેચાય છે.”

*આજે 2 રાજ્યોમાં અમારી સરકાર છે અને ડિસેમ્બરમાં 3 રાજ્યોમાં અમારી સરકાર હશે કારણ કે અમે ગુજરાતની ચૂંટણી જીતવાના છીએ: ભગવંત માન*

અમારી પાર્ટી 9 વર્ષ જૂની પાર્ટી છે. પરંતુ આજે 2 રાજ્યોમાં અમારી સરકાર છે અને ડિસેમ્બરમાં અમારી 3 રાજ્યોમાં સરકાર હશે કારણ કે અમે ગુજરાતની ચૂંટણી જીતવાના છીએ. પંજાબની જનતા પણ ઇચ્છે છે કે ગુજરાતની જનતા પંજાબનો રેકોર્ડ તોડીને જંગી બહુમતી સાથે સરકાર બનાવે. મેં ગઈ કાલે રોડ શો દરમિયાન જોયું કે એક દુકાન પર બીજેપીનો ઝંડો હતો પરંતુ દુકાનના માલિકે મને ઈશારામાં કહ્યું કે, “ઝંડો ભલે ભાજપનો છે પણ વોટ આમ આદમી પાર્ટીને જ જશે.” આજે એ જ રીતે લોકોએ ભાજપના ઝંડા લગાવ્યા છે કારણ કે ભાજપના લોકોએ આ બધાને ડરાવીને રાખ્યા છે. 27 વર્ષ સુધી બધું સહન કરનારા લોકો આ વખતે 27 મિનિટમાં હિસાબ લેવાના છે. આ લોકો હવે બહુ અહંકારી થઈ ગયા છે પણ જનતા તેમનો ઘમંડ ઉતારશે.

*ગુજરાતના યુવાનોના સપના અનેકવાર તૂટ્યા છે પરંતુ અરવિંદ કેજરીવાલજી ગુજરાતના યુવાનોના સપના સાકાર કરશેઃ ભગવંત માન*

પંજાબમાં અમારી સરકાર બનીને 6 મહિના જ થયા છે પરંતુ અત્યાર સુધી અમે 17000 લોકોને સરકારી નોકરી આપી છે. ગઈકાલે હું વધુ 8736 સરકારી કર્મચારીઓને કાયમી કરવાનો ઓર્ડર આપીને આવ્યો છું. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. અમે 5 કામ કરવાનું વચન આપીશું તો 6 કામ કરીને બતાવીશું. પંજાબમાં 14-15-16 ઓક્ટોબરના રોજ પોલીસ ભરતીનું પેપર છે. પંજાબમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટરના પેપર છે પણ ત્યાં પેપર લીક કરવાની કોઈ હિંમત નહીં કરે અને દિલ્હીમાં કોઇ પેપર લીક થતા નથી. બીજી તરફ ગુજરાતમાં એવું કોઈ પેપર નથી જે લીક ના થયું હોય. સરકારી પરીક્ષાઓ માટે યુવાનો ખૂબ મહેનત કરે છે પરંતુ જ્યારે પેપર લીક થાય છે ત્યારે યુવાનોના સપના ચકનાચૂર થઈ જાય છે. ગુજરાતના યુવાનોના સપના અનેકવાર તૂટ્યા છે પરંતુ અરવિંદ કેજરીવાલજી ગુજરાતના યુવાનોના સપના સાકાર કરશે. મેં સાંભળ્યું છે કે ગુજરાતમાં પોલીસ પણ કોન્ટ્રાક્ટ આધારિત કામ કરે છે. પંજાબમાં તમામ પોલીસકર્મીઓ કાયમી છે.

*અમે નક્કી કર્યું છે કે અમે શિક્ષકોને કાયમી કરીશું: ભગવંત માન*

ગુજરાતમાં શિક્ષકોનું ભવિષ્ય સુરક્ષિત નથી, તો આપણા બાળકોનું ભવિષ્ય કેવી રીતે સુરક્ષિત કરીશું. અમે નક્કી કર્યું છે કે અમે શિક્ષકોને કાયમી કરીશું. થોડા વર્ષો પહેલા દિલ્હીમાં એક નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેનાથી પ્રેરાઈને અમે પણ એ જ નિર્ણય લીધો છે કે શિક્ષકો માત્ર ભણાવવાનું કામ કરશે બાકી કશું નહીં કરે. ગુજરાતમાં ભણતર સિવાય તમામ કામ શિક્ષકો કરે છે. કેટલીકવાર શિક્ષકોને વસ્તી ગણતરી માટે મોકલવામાં આવે છે તો ક્યારેક તેમને ચૂંટણીની ડ્યુટી પર મોકલવામાં આવે છે. ઘણી જગ્યાએ એક-બે શિક્ષકો જ હોય ​​છે તેથી આવા શાળાઓ શિક્ષક વિના લાવારીસ બની જાય છે. શિક્ષણને કેવી રીતે સુધારવું તે અંગે અમે દિલ્હી અને પંજાબના શિક્ષકો પાસેથી વિચારો લઈએ છીએ.

*ગરીબોના બાળકો ભણી ગણીને પોતાની ગરીબી દૂર ના કરી દે એ કારણથી  તેમને અત્યાર સુધી અભણ રાખવામાં આવ્યા : ભગવંત માન*

હું યુવાનોને કહેવા માંગુ છું કે, “અગર રાજનીતિ મેં આના હૈ, તો કર કેજરીવાલ કે ઉસૂલો કી બાત લેકિન અગર રાજનીતિ મેં લંબા ટીકના હૈ તો કર અસ્પતાલ, સ્કૂલો કી બાત”. અહીંયા અન્ય પક્ષના લોકો તેમના ભાષણમાં શાળા અને હોસ્પિટલની વાત પણ કરતા નથી કારણ કે તેઓ આપણે અભણ જ રાખવા માંગે છે. એ લોકો જાણે છે કે જો કોઈ ગરીબનું બાળક ભણી ગણી લેશે તો તે મોટો અધિકારી બની જશે. અને જો બની ગયો તો ઘરની ગરીબી દૂર કરી દેશે. ગરીબી દૂર થઇ ગઇ તો નેતાઓના મોટા મોટા મહેલો સામે સવારમાં સવારમાં હાથ જોડીને કોઈ ઊભું નહીં રહે. એટલા માટે આ લોકો ગરીબ બાળકોને ભણવા નથી દેતા, બાકી આપણા બાળકોમાં ઘણી ક્ષમતા છે.

*દિલ્હી અને પંજાબમાં વીજળી આવે છે, પણ બિલ નથી આવતાઃ ભગવંત માન*

દિલ્હી અને પંજાબમાં વીજળી આવે છે પણ બિલ નથી આવતા કારણ કે સરકાર પાસે ટેક્સના ઘણા પૈસા છે. અન્ય પક્ષના લોકો ટેક્સના પૈસાથી પોતાની જમીન ખરીદે છે, પોતાના પહાડો ખરીદે છે, વિદેશની બેંકોમાં તેમના ખાતા પણ છે. જો આ ટેક્સના પૈસાનો ઉપયોગ જનતા પર કરવામાં આવે તો આપણા દેશને નંબર વન બનતા કોઈ રોકી શકશે નહીં. ગુજરાતની જનતાએ આગામી 40-45 દિવસની ગેરંટી લેવી પડશે અને તે પછી આગામી 5 વર્ષની જવાબદારી અમારી છે. ચૂંટણીના દિવસના 8-9 કલાક તમારા પરિવાર અને તમારા બાળકોના ભવિષ્ય વિશે વિચારીને સદુપયોગ કરજો જેથી તમારે આગામી 5 વર્ષ સુધી અહીં-તહીં ધક્કા ખાવા ન પડે.

વલસાડમાં આયોજિત વિશાળ જનસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીની સાથે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, આમ આદમી પાર્ટીના નેશનલ જોઇંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવી અને ‘આપ’ યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પણ હાજર રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.