Western Times News

Gujarati News

ઈડર-બડોલી બાયપાસ મંજૂર થવાથી મહેસાણા અને શામળાજી તરફ જતો ટ્રાફિક સુગમ બનશે

File Photo

-14 કિ.મી લાંબા ઇડર-બડોલી બાયપાસ માટે કેન્દ્ર સરકારે 705 કરોડ મંજૂર કર્યા-મહેસાણા અને શામળાજી તરફ જતો ટ્રાફિક સુગમ બનશે, બાયપાસમાં 2 મેજર બ્રિજ, 1 આર.ઓ.બી અને 4 વ્હિકલ અંડરપાસ રહેશે

  વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વ્યાપ વધારવા માટે વધુ એક ભેટ આપવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લામાં ઇડરથી બડોલી સુધીના 14 કિલોમીટર લાંબા બાયપાસના નિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ₹705 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ આજે તેની જાહેરાત કરી હતી. આ 4 લેન બાયપાસનું નિર્માણ થવાથી ઇડરમાં ટ્રાફિકની સમસ્યા દૂર થશે તેમજ મહેસાણા અને શામળાજી તરફ જતો ટ્રાફિક સુગમ બનશે.

ઇડરમાં ટ્રાફિક સમસ્યા દૂર થશે, રાજસ્થાન સાથે કનેક્ટિવિટીમાં વધારો થશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

ગુજરાતને મળેલી આ ભેટ અંગે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ 4-લેન રોડના નિર્માણ માટે ₹705.09 કરોડ મંજૂર કરવા બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીનો આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ કામગીરીથી ઇડરમાં ટ્રાફિકની સમસ્યા દૂર થવાની સાથે અંબાજી અને રાજસ્થાન સાથે કનેક્ટિવિટીમાં વધારો થશે અને સલામત અને ઝડપી મુસાફરી સુનિશ્વિત થશે. મોદીજીના દૂરંદેશી નેતૃત્વ હેઠળકેન્દ્ર અને ગુજરાત સરકારના સમન્વય સમાન આ આ ડબલ એન્જિન સરકારના લીધે સતત લોકાભિમુખ વિકાસ થઇ રહ્યો છે અને માળખાગત સુવિધાઓમાં અભૂતપૂર્વ પરિવર્તન સાકાર થયું છે.

નેશનલ હાઇવે-168G પર બાયપાસનું નિર્માણ

શ્રી નીતિન ગડકરીએ આ બાબતે સોશીયલ મીડિયામાં શેર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે આ બાયપાસ સાબરકાંઠામાં નેશનલ હાઇવે-168G પર નિર્માણ થશે. નેશનલ હાઇવે-168G મહેસાણાથી શરૂ થઇને વિસનગરવડનગરખેરાલુઇડરબડોલીભીલોડા થઇને શામળાજી પાસે નેશનલ હાઇવે –48 સુધી લંબાય છે. આ ભાગ ઇડરમાંથી પસાર થતો હોવાથી શહેરમાં અવારનવાર ભારે ટ્રાફિક સર્જાય છે. તે સિવાય મહેસાણા અને શામળાજી

 તરફ જતા ટ્રાફિક માટે ઇડર એ મહત્વપૂર્ણ ટ્રાન્ઝિટ નોડ છે. આ સમસ્યાઓના નિરાકરણ માટે આ રોડને 4 લેનમાં અપગ્રેડ કરવામાં આવશે જેનાથી સુરક્ષા અને ટ્રાફિકની સુગમતા સુનિશ્વિત થશે.

બાયપાસમાં 2 મેજર બ્રિજ, 1 આર.ઓ.બી અને 4 વ્હિકલ અંડરપાસ

નેશનલ હાઇવે-168G પર મણિયોરથી ઇડર શહેરનો બાયપાસ શરૂ થશે જે બડોલી જંક્શનથી આગળ શામળાજી હાઇવે સુધી જોડાશે. 14.2 કિલોમીટરનો આ બાયપાસ મણિયોરથી શરૂ થઈ સાપાવાડાલાલોડાસવગઢ છાવણીબુઢિયા અને વાંસડોલથી આગળ વધીને બડોલી સુધી પહોંચશે. આ બાયપાસમાં 2 મેજર બ્રિજ, 1 માઇનર બ્રિજ, 1 આર.ઓ.બી (રેલવે ઓવરબ્રિજ)અને 4 વ્હિકલ અંડરપાસ (વીયુપી) નિર્માણ કરવામાં આવશે.

ત્રણ પેકેજમાં 168-G નેશનલ હાઇવેનું નિર્માણ

મહેસાણાથી શામળાજી સુધી ત્રણ પેકેજમાં 4/2 લેન નેશનલ હાઇવે 168-Gની કામગીરી અત્યારે અલગ અલગ સ્તરે શરૂ છે. જેમાં બીજા પેકેજ અંતર્ગત ઇડર-બડોલી બાયપાસની કામગીરી માટે આ મંજૂરી આપવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.