માર્ગ અકસ્માતમાં ઈડરના કાઉન્સિલરનું મોત
મોડાસા, સાબરકાંઠા જિલ્લાના ઈડર થી ભિલોડા હાઈવે પર ગામ લાલપુરની સીમમાં મંગળવારના સાંજના સુમારે બે બાઈક સામસામે ધડાકાભેર ટકારાતા બંને બાઈક પર ઈડર નગરપાલિકાના કાઉન્સિલર સહિત ૩ વ્યક્તિને ઈજાઓ પહોચી હતી.
જેમાં ગંભીર ઈજાગ્રસ્ત પાલિકા સભ્ય અજીતભાઈ કિશોરભાઈ ભોઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આ ગોઝારા અકસ્માતની ઘટનાના ઈડર નગરમાં અને રાજકીય વર્તુળોમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે.
ઈડરમાં મકાન બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા પાલિકા કાઉન્સિલર અજીતભાઈ ભોઈ તેમના ચિત્રોડા સાઈટ ઉપર ચાલતા બાંધકામ કામ પતાવી સાંજના સમયે બાઈક ઉપર ઈડર પરત આવી રહ્યા હતા ત્યારે લાલપુર-મોહનપુરા માર્ગ પરથી પસાર થતી પરપ્રાંતિય નંબરવાળી બાઈકના ચાલકે તેનું બાઈક પુરઝડપે
અને ગફલતભરી રીતે રોંગ સાઈડમાં હંકારી પાલિકા સદસ્ય ભોઈના બાઈકને જાેરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પાલિકા સભ્ય રોડ ઉપર પટકાતા માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત થયું હતું
અન્ય બે વ્યક્તિ પણ ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત બનાવ બાબતે પોલીસે પરપ્રાંતિય બાઈકચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.