ઈડરના કાનપુરમાં મકાઈના નકલી બિયારણ બાબતે ખેતીવાડી વિભાગે તપાસ હાથ ધરી
૧પથી વધુ ખેડૂતોએ વાવેતર કરેલ મકાઈમાં દાણા આવ્યા ન હતા
(એજન્સી)હિંમતનગર, સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મકાઈ, કપાસ અને શાકભાજીના બિયારણો હલકી ગુણવત્તાવાળા હોવાની બૂમો ખેડૂત વર્ગમાં ઉઠવા પામી છે.
ત્યારે થોડાક સમય અગાઉ ચોમાસુ મકાઈનું વાવેતર કરવા માટે ઈડર તાલુકાના કાનપુર સહિત અન્ય ગામના મળી ૧પ ખેડૂતોએ મકાઈનું બિયારણ એક બિયારણ બનાવતી કંપની પાસેથી ખરીદીને વાવેતર કર્યા બાદ છોડના ડુંડામાં મકાઈના દાણા ન બેસતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો. જે અંગે જિલ્લા ખેતીવાડી વિભાગને જાણ થયા બાદ આ હલકી ગુણવત્તાવાળા બિયારણની તપાસ હાથ ધરાઈ છે.
આ અંગેની વિગત એવી છે કે, ઈડર તાલુકામાં મોટેભાગે ખેડૂતો કપાસ, મકાઈ અને મગફળીનું વાવેતર કરી રહ્યા છે. દરમિયાન ચાલુ વર્ષે ચોમાસામાં મકાઈનું વાવેતર કરવા માટે કાનપુર સહિતના અન્ય ગામના મળી ૧પ ખેડૂતોએ મળી એક ખાનગી કંપની પાસેથી મકાઈનું બિયારણ ખરીદીને વાવેતર કર્યું હતું.
ત્યારબાદ આ ખેડૂતોએ સારું ઉત્પાદન મળે તે આશ્યથી ખાતર અને પાણી તથા દવાનો ડોઝ આપીને પાકને તૈયાર કર્યો હતો. પરંતુ મકાઈના છોડ ડુંડા અવસ્થામાં આવ્યા બાદ તેમાં દાણા ન બેસવાને કારણે ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. જેથી ખેડૂતોએ ઊભા પાકમાં પશુધન છોડીને ખવડાવી દીધું છે.
ત્યારબાદ અસરગ્રસ્ત ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીમાં જઈને વળતર માટે માંગ કરી છે. ત્યારે મકાઈ સંશોધન વિભાગના નિષ્ણાંત આર.એમ.પટેલે જણાવ્યું હતું કે કાનપુર તેમજ આસપાસના ગામોમાં જે ખેડૂતોએ મકાઈનું વાવેતર કર્યું છે તે પાકનો સર્વે કરાયો છે. એટલું જ નહીં પણ ખેડૂતોની હાજરીમાં રોજકામ અને પંચનામું પણ કરાયું હતું. જે અંગેનો અહેવાલ તૈયાર કરાયા બાદ ઉચ્ચકક્ષાએ મોકલી આપવાની હૈયાધારણ આપી હતી.