ઈડર પાંજરાપોળ સ્થિત હીરાબા સરગવા વાટિકાની ૯ ઓગસ્ટે મુખ્યમંત્રી મુલાકાત લેશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/08/Idar-Panjarapol-1024x671.jpg)
હિંમતનગર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા થકી સમગ્ર દેશમાં એક પેડ માં કે નામ ઝુંબેશને ચલાવાઈ રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આવેલ જીવદયા માટે ચાલતી ઈડર પાંજરાપોળ દ્વારા એક પેડ ર્માં કે નામ પર્યાવરણ સંવર્ધન હેતુ કુપોષિત બાળકો માટે છ હજારથી વધુ સરગવાના છોડનું વાવેતર કરાયું છે. જેનું નામ માતુશ્રી હીરાબા સરગવા વાટિકા તેમજ અત્યાધુનિક પશુ દવાખાનાની તા.૯ ઓગસ્ટે મુલાકાત લેશે.
ઈડરની પાંજરાપોળ સંસ્થા ૮૮૮ એકર જમીન પર પથરાયેલી છે વર્ષો અગાઉ રાજા રજવાડાઓએ અબોલ જીવોની સેવાચાકરી માટે દાનમાં જમીન આપી હતી. અત્યારે અહી સંસ્થામાં સેવાભાવી લોકો લાખ્ખો કરોડો રૂપિયાનું દાન અબોલ જીવોના નિર્વાહ માટે આપે છે જેના થકી અબોલ જીવોનું જીવન નિર્વાહ માટે દાનની અવિરત સરવાણી ચાલી છે
જેના કારણે વર્ષોથી અબોલ જીવોની સેવાનુ ઉત્તમ ઉદાહરણ પુરું પાડતી ઈડર પાંજરાપોળ સંસ્થા છે જેના કુશળ પારદર્શક વહિવટકર્તાઓ અબોલ પશુઓની સાર સંભાળ રાખી રહયા છે ત્યારે સંસ્થાના પ્રમુખ અને રાજકીય અગ્રણી પૃથ્વીરાજભાઈ પટેલને એક નવતર પ્રયોગનો વિચાર આવ્યો અને તેમણે નિર્ધાર કર્યો કે પાંજરાપોળ સંસ્થાની જમીન પર સરગવાનાં છોડનું વાવેતર કરવામાં આવે,
જે સરગવો કુપોષિત બાળકો માટે પોષક તત્વોનો ભંડાર ગણાય એવા સરગવાના છોડનું વાવેતર કરવાના વિચારને સાર્થક કર્યો છે અને આજે તે મૂર્તિમંત થયો છે અને પાંજરાપોળની જમીન હજારથી વધુ સરગવાના છોડના વાવેતરથી લીલાછમ બનવા જઈ રહ્યા છે.
તો બીજી તરફ તાજેતરમાં પાંજરાપોળના પ્રમુખે કેન્દ્રીય ગૃહમંત્રીની થોડાક સમય અગાઉ શુભેચ્છા મુલાકાત કરી હતી જયાં તેમણે ઈડર પાંજરાપોળની જમીનમાં લહેરાતા સરગવાના ફાયદા અંગે માહિતગાર કર્યા હતા જેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેના આ કાર્યને બિરદાવ્યું હતું સાથો સાથ સરગવાના છોડના પાનનો રસ કુપોષિત બાળકોને પીવડાવવામાં આવશે જેમાંથી કુપોષિત બાળકોને પોષક તત્વો મળી રહેશે અને બાળકો તંદુરસ્ત બનશે તેમજ પાંજરાપોળ સંસ્થાને આત્મનિર્ભર બનાવવા માટેના વિચારો રજૂ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે અત્યારે ચોમાસાની સીઝનમાં વૃક્ષારોપણની પ્રવૃતિને સરકાર, સામાજીક સંસ્થાઓ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાઈ રહયા છે ત્યારે વડાપ્રધાનની પ્રેરણા થકી એક પેડ ર્માં કે નામ પર્યાવરણ સંવર્ધન હેતુ કુપોષિત બાળકો માટે છ હજારથી વધુ સરગવાના છોડનું વાવેતર કરી માતુશ્રી હીરાબા સરગવા વાટિકા નામ અપાયું છે જેનાથી પ્રેરાઈને આગામી તા.૯ ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે સરગવાની સિંગનો પાવડર આંગણવાડીમાં આવતા બાળકોને આપવામાં આવે તો તેના ફાયદાથી અનેક કુપોષિત બાળકોને નવુ જીવન મળી શકશે.