ઈડર સપ્તેશ્વર મહાદેવ મંદિરે શૌચાલયને ખંભાતી તાળાં- દર્શનાર્થીઓને હાલાકી
વડાલી, ઈડરના સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રવાસન વિભાગ દ્વારા લાખ્ખો કરોડો રૂપિયા ફાળવી મંદિર પરિસર આસપાસ રોડ, પગથિયાં તેમજ દર્શનાર્થે આવતા ભક્તો માટે શૌચાલય બનાવવામાં આવ્યા હતા. જે શૌચાલય આજદિન સુધી ખોલવામાં ન આવતા દર્શનાર્થે આવનાર મહિલાઓ સહિત બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકી પડી રહી છે.
ઈડરના આરસોડિયા ગ્રામ પંચાયતની હદમાં અને સાબરમતી નદીના કિનારે સપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. અહીં દૂરદૂરથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. થોડાક વર્ષો અગાઉ રાજય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી મંદિર પરિસરની આસપાસ રોડ, પગથિયાં, નદીમાં ન્હાવા માટે ઘાટ, વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા તેમજ શૌચાલય બનાવાયા હતા.
શ્રાવણ માસમાં ભક્તોનો ભારે ઘસારો જાેવા મળતો હોય છે. હાલમાં ચાલી રહેલા અધિક પુરુષોત્તમ માસનું મહત્વ પણ વધારે ગણાય છે. જેથી અહીં આસપાસના ગામોમાંથી અને દૂરદૂરથી મહિલાઓ મંદિરની બાજુમાંથી વહી રહેલી સાબરમતી નદીના પટમાં સ્નાન કરી ભગવાન ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
અહીં નવા બનાવવામાં આવેલા શૌચાલય છેલ્લા કેટલાય સમયથી બંધ હોવાથી મહિલાઓને નદીમાં સ્નાન કર્યા બાદ કપડાં બદલવા, શૌચક્રિયા તેમજ નાના બાળકો, વૃદ્ધોને હાલાકી પડી રહી છે તેમજ લોકોને દૂરદૂર સુધી શૌચક્રિયા માટે ખુલ્લામાં જવું પડે છે. જેથી જવાબદાર વિભાગ દ્વારા સત્વરે શૌચાલય ખોલવામાં આવે તેવી માંગ ઉઠી છે.