Western Times News

Gujarati News

ભારતીય વાઘ માટે આદર્શ નિવાસસ્થાન : પન્ના નેશનલ પાર્ક

આ નેશનલ પાર્કની અંદર અનેક ઐતિહાસિક મહત્ત્વનાં સ્થળ છે. જેમાં નવાપાષાણ કાળના પથ્થરના ચિત્ર પણ છે

ભારતમાં કુદરતી ધરોહરનું રક્ષણ કરવાના હેતુથી અનેક રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. એમાં પન્ના રાષ્ટ્રીય ઉદ્યાનનો સમાવેશ થાય છે. પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશના પન્ના અને છત્તરપુર જિલ્લામાં આવેલો છે. આ નેશનલ પાર્ક ટાઈગર રિઝર્વના નામથી ઓળખાય છે. ભારતના રરમા વાઘ અભયારણ્ય ને મધ્યપ્રદેશમાં પાંચમા અભયારણ્ય તરીકે પ્રસિદ્ધ છે.
ર૦૧૧માં યુનેસ્કો દ્વારા આ નેશનલ પાર્કને બાયોસ્ફિયર રિઝર્વની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. એટલે જ નહીં ર૦૦૭માં પર્યટન વિભાગ દ્વારા આ નેશનલ પાર્કને સૌથી ઉત્તમ સારસંભાળ માટે પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો.

કેન નદી આ નેશનલ પાર્ક પાસેથી પસાર થાય છે. પન્ના નેશનલ પાર્કને તાડોબા ઉત્તર ક્ષેત્ર, મોરહુલી ક્ષેત્ર તથા કોલસા દક્ષિણ રેન્જ નામના ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે. નેશનલ પાર્કમાં કોલસા ઝરણું, તાડોબા ઝરણું અને કેન નદી નામના પાણીના સ્ત્રોત પણ છે. પન્ના નેશનલ પાર્કની સ્થાપના ૧૯૮૧માં ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. ૧૯૯૪-૯પમાં પ્રોજેકટ ટાઈગર અંતર્ગત લવાવામાં આવ્યો હતો. વાઘની ઘટતી સંખ્યાને કારણે આ પગલું લેવામાં આવ્યું હતું. આશરે પ૪ર.૬૭ વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલો પન્ના નેશનલ પાર્ક ખજૂરાહોથી પ૭ કિલોમીટર દૂર આવેલો છે.. આ નેશનલ પાર્કની અંદર અનેક ઐતિહાસિક મહત્વના સ્થળ છે.

જેમાં નવપાષાણ કાળના પથ્થરના ચિત્ર પણ છે. આ નેશનલ પાર્કમાં પર્ણપાતી જંગલ છે જે ભારતીય વાઘો માટે આદર્શ નિવાસ્થાન છે. પન્ના નેશનલ પાર્કના પૂર્વ ભાગમાં ગંગઉ વન્યજીવન અભયારણ્યના અમુક ભાગ સામેલ છે. જેને ૧૯૭પમાં બનાવવામાં આવ્યો હતો. પન્ના નેશનલ પાર્કના આરક્ષિત વનક્ષેત્ર છત્તરપુર અને બિજાવર રિવાસતોના શાસકો માટે શિકારનું સ્થળ હતું. પછી તેને અભયારણ્યમાં જાેડી દેવામાં આવ્યું. ર૦૦૮માં પન્ના નેશનલ પાર્કમાં શિકારનું પ્રમાણ વધવાને કારણે વાઘ લગભગ ગાયબ થઈ ગયા હતા. એ પહેલા ૪૦ કરતાં વધારે વાઘ હતા. વાઘની સંખ્યા ઘટવાને કારણે વનમાં બીજા વાઘ લાવવામાં આવ્યા હતા.

પન્ના નેશનલ પાર્કમાં ભારતની વિવિધ લુપ્તપ્રાયઃ વન્યજીવ પ્રજાતિઓ જાેવા મળે છે. આ ઉપરાંત વાઘ, પંથેરા પાર્ડસ, જંગલી શ્વાસન, કેનિસ લુપસ, રીંછ, નીલગાય, હરણ સહિત વિવિધ પ્રકારના પ્રાણીઓ વસવાટ કરે છે. આ પાર્કમાં વન્યજીવોની સાથેસાથે સફેદ ગરદનવાળા સારસ, હંસ, કિંગ ગીધ, બ્લોસમ સહિત આશરે ર૦૦ કરતાં વધારે પક્ષીઓની પ્રજાતિઓ આ પાર્કમાં વસવાટ કરે છે. સરિસૃપ પ્રાણીઓની વાત કરીએ તો અજગર સહિત વિવિધ પ્રકારના સાપની પ્રજાતિઓ પણ જાેવા મળે છે.

આ નેશનલ પાર્કમાં પાણી પુરતાં પ્રમાણમાં મળી રહેતું હોવાથી લીલુંછમ ઘાસ જાેવા મળે છે. આ ઉપરાંત વાંસ, મહુઆ, સજલ, બોસવેલિયા જેવી અનેક વનસ્પતિ અને ઘટાદાર વૃક્ષોનો સમાવેશ થાય છે. વનસ્પતિની સાથે સાથે અનેક પ્રકારના સુંદર ફુલ પણ જાેવા મળે છે. જીપ સફારી પન્ના નેશનલ પાર્કની ટ્રિપ માટે સૌથી રોમાંચક એક્ટિવિટીઝમાંની એક છે. આ પાર્કમાં વિવિધ પ્રકારના વન્યજીવોની પ્રજાતિઓ અને કુદરતી સુંદરતાને નજીકથી જાેવી હોય તો તમારે પન્ના નેશનલ પાર્કમાં જીપ સફારીને એન્જાેય કરવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.