પૂરતા વરસાદના કારણે સિંચાઈ માટે પમ્પિંગની જરૂરિયાત ઘટતા વિજળીના ભાવ ઘટ્યા
પૂરવઠામાં નોંધપાત્ર સુધારાથી એક્સચેન્જો પર વીજળીના ભાવમાં તીવ્ર ઘટાડો
નવી દિલ્હી, વીજ પુરવઠો વધતા અને અનુકૂળ ચોમાસાના કારણે તાજેતરના મહિનાઓમાં એક્સચેન્જો પર વીજળીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સ્થિર વરસાદ અને ઉત્પાદનમાં વધારો થવાથી ઈંધણની ઉપલબ્ધતા મજબૂત થવા સાથે ડે-અહેડ માર્કેટ (ડીએએમ)માં વીજળીની કિંમતમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.
નાણાંકીય વર્ષ 2025 (એફવાય25 – FY25) (એપ્રિલ-સપ્ટેમ્બર)ના પ્રથમ અર્ધવાર્ષિકગાળામાં, ડીએએમમાં ભાવ ગયા વર્ષના સમાન સમયગાળામાં પ્રતિ યુનિટ રૂ. 5.53થી લગભગ 12 ટકા ઘટીને રૂ. 4.87 પ્રતિ યુનિટ થયા હતા.
નવેમ્બરમાં આ વલણ ચાલુ રહ્યું અને 1 નવેમ્બરથી 24 નવેમ્બર 2024 સુધીમાં સરેરાશ ડીએએએમ કિંમતો વધુ ઘટીને રૂ. 3.21 પ્રતિ યુનિટ થઈ છે, જે વાર્ષિક 21 ટકાનો ઘટાડો સુચવે છે. એ જ રીતે 1થી 24 નવેમ્બર 2024 દરમિયાન રિયલ ટાઇમ માર્કેટમાં માર્કેટ ક્લિયરિંગ પ્રાઇસ ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ વાર્ષિક 20 ટકા ઘટી સરેરાશ ભાવ રૂ. 3.34 પ્રતિ યુનિટ રહ્યો હતો. IEX – Prices on Exchanges Drop Sharply as Supplies See Sizeable Improvement.
ઓક્ટોબર 2024માં પ્રકાશિત થયેલા સરકારી આંકડા અનુસાર દેશનો ઊર્જા વપરાશ 140.4 BU રહ્યો હતો, જે અગાઉના વર્ષની સરખામણીમાં 1 ટકાનો નજીવો વધારો સુચવે છે. ઑક્ટોબર 2024 દરમિયાન ડે અહેડ માર્કેટમાં માર્કેટ ક્લિયરિંગ પ્રાઇસ વાર્ષિક 39 ટકા ઘટીને રૂ. 3.92 પ્રતિ યુનિટ હતી. એ જ રીતે ઑક્ટોબર 2024 દરમિયાન રિયલ ટાઇમ માર્કેટમાં માર્કેટ ક્લિયરિંગ પ્રાઇઝ વાર્ષિક 38 ટકા ઘટી રૂ. 3.77 પ્રતિ યુનિટ રહી હતી.
ભાવના વલણ પર ટિપ્પણી કરતાં, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર રોહિત બજાજે જણાવ્યું હતું કે, “સરકાર અને નિયમનકારોના સક્રિય પગલાં આ નાણાકીય વર્ષ દરમિયાન સ્થિર વીજ પુરવઠો સુનિશ્ચિત કરવામાં મહત્ત્વપૂર્ણ રહ્યા છે. આ પગલાંઓએ એક્સચેન્જ પ્લેટફોર્મ પર પુરવઠો વધારવામાં યોગદાન આપ્યું હતું. સાનુકૂળ ચોમાસાએ તેમજ મજબૂત હાઇડ્રો-ઇલેક્ટ્રિસિટી અને પવન-ઊર્જાના ઉત્પાદને ઇંધણની ઉપલબ્ધતાને મજબૂત બનાવી છે, જેના કારણે એકંદરે વીજળીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.”
“ભાવમાં ઘટાડાનું વલણ આગામી મહિનાઓમાં ચાલુ રહેવાની અપેક્ષા છે અને એક્સચેન્જ પર ઉપલબ્ધ સ્પર્ધાત્મક કિંમતોનો લાભ ઉઠાવીને ખર્ચ ઘટાડવાની વ્યૂહાત્મક તક ડિસકોમ્સ અને ઓપન એક્સેસના ગ્રાહકોને મળશે,” એમ બજાજે ઉમેર્યું.
સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (સીઇએ – CEA)ના ડેટા અનુસાર, ભારતમાં વીજ ઉત્પાદન નાણાંકીય વર્ષ 2025ના પ્રથમ છ મહિનામાં અગાઉના વર્ષના સમાન સમયગાળાના 897.77 બીયુથી લગભગ 6 ટકા વધીને 951.10 બીયુ થયું હતું. થર્મલ પાવરનું ઉત્પાદન 5.47 ટકા વધી 690.13 બીયુ, જ્યારે સારા ચોમાસાના વરસાદને કારણે મોટા જળવિદ્યુત મથકોએ 94.50 બીયુનું યોગદાન આપ્યું, જે ગયા વર્ષ કરતાં 4.16% વધારે છે.
સુધરેલા ચોમાસાએ ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં વીજળીની માંગને કાબૂમાં રાખવામાં પણ મદદ કરી હતી. પૂરતા વરસાદના કારણે સિંચાઈ માટે પમ્પિંગની જરૂરિયાત ઘટતા સપ્ટેમ્બરમાં સમગ્ર દેશમાં વીજળીની સર્વોચ્ચ માંગ 1.4 ટકા ઘટીને 231,076 મેગાવોટ થઈ હતી, જે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 243,271 મેગાવોટ હતી.