ખાનગી સુરક્ષા એજન્સીના ગાર્ડ તાલીમ વિના ડ્યૂટી કરશે તો લાઈસન્સ કેન્સલ કરાશે

ગાંધીનગર, રાજ્યના ગૃહ વિભાગે ગુજરાત પ્રાઇવેટ સિક્યોરિટી એજન્સી (રેગ્યુલશન) નિયમો-૨૦૨૪ જાહેર કર્યા છે. જે ઇન્ડસ્ટ્રિયલ અને રહેણાક વિસ્તાર માટેના ખાનગી સિક્યોરિટી ગાર્ડ, રોકડની હેરાફેરી કરતી પ્રવૃત્તિના સિક્યોરિટી ગાર્ડ વગેરેને લાગુ પડશે. આ માટે અગાઉ બનાવાયેલા કાયદા મુજબ સિક્યોરિટી એજન્સી માટે કંટ્રોલિંગ ઓથોરિટી પાસેથી લાઈસન્સ લેવું ફરજિયાત બનાવ્યું છે.
જો ગાર્ડ અને સુપરવાઇઝર છ દિવસની નિયત ટ્રેનિંગ વિના ડ્યૂટી પર મૂકાશે તો એજન્સીનું લાઈસન્સ કેન્સલ કરાશે. તાજેતરમાં રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગ અને કુદરતી સહિતની વિવિધ આપત્તિની જવાબદારી સંભાળતા ગૃહ વિભાગે સિક્યોરિટી ગાર્ડ વધુ સજ્જ હોય તે પ્રકારના નિયમોની જોગવાઇ કરી છે.
ઔદ્યોગિક સુરક્ષાના ગાર્ડ અને રહેણાક સુરક્ષાના ગાર્ડ માટે શારીરિક સજ્જતાના માપદંડ પણ નક્કી કરવામાં આવ્યા છે. તે સાથે ગાર્ડ માટે લઘુત્તમ છ દિવસની તાલીમ પણ ફરજિયાત કરી છે. જેમાં વીઆઇપી સિક્યોરીટી, ઇન્ટરનલ સિક્યોરિટી અને ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટીના મુખ્ય ક્ષેત્ર તરીકે વહેંચવામાં આવ્યા છે.
તેને ધ્યાનમાં રાખીને સિક્યોરિટી ગાર્ડને ફાયર ફાઇટિંગ, ભીડ નિયંત્રણ, કુદરતી આપત્તિ કે સુરક્ષાને લગતી તાકીદની બાબતો, વિવિધ પ્રકારના દસ્તાવેજોની ચકાસણી, એન્ટી સબોટેજ ચેક્સ, સુરક્ષાને લગતા સાધનો, કોમ્યુનિકેશન, પેટ્રોલિંગ વગેરેની તાલીમ લેવી પડશે.
નવા નિયમોમાં એ બાબતની ખાસ જોગવાઇ કરાઇ છે કે કોઇપણ ખાનગી સુરક્ષા ગાર્ડ કે સુપરવાઇઝર ડ્યૂટી પર ટ્રેનિંગ વગર મૂકાશે તો એજન્સીનું લાઈસન્સ કેન્સલ પણ થઇ શકે છે.
સિક્યોરિટી એજન્સીએ જો તેના કોઇ ગાર્ડ કે સુપરવાઇઝર સામે પોલીસ કેસ થાય તો કંટ્રોલિંગ ઓથોરિટીને અચૂક જાણ કરવી પડશે. ગાર્ડને એજન્સીએ યુનિફોર્મ આપવાનો રહેશે. તે સાથે ડોક્યુમેન્ટેશન અને રેકોર્ડની જાળવણી અને ડેટા શેરિંગ પણ કરવું પડશે. ગાર્ડ માટે જાહેર જનતા અને પોલીસ સહિતના સંબંધિત વિભાગો સાથે સંકલન કરવું પડશે.
કંટ્રોલિંગ ઓથોરિટીએ પોલીસ ઓથોરિટી પાસેથી નો ઓબ્જેક્શન લાઈસન્સ મેળવવું પણ ફરજિયાત છે. સુરક્ષા ગાર્ડને સ્પષ્ટ દેખાય તેવું ફોટો આઇડી કાર્ડ એજન્સીએ આપવું પડશે. કેશ વાનને પણ તાલીમબદ્ધ ગાર્ડનો નિયમ લાગુ પડશે.
ઇન્ડસ્ટ્રિયલ અને રહેણાકના ગાર્ડ માટે ઉંમર પ્રમાણે દોડ સહિતના શારીરિક સજ્જતાના માપદંડ પણ નક્કી કરવામાં આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા લાઈસન્સ મેળવવા માટે ફોર્મ પણ તૈયાર કરવામાં આવ્યા છે.SS1MS