Western Times News

Gujarati News

અમીરોના હાથમાં પૈસા જાય તો અર્થ વ્યવસ્થા નબળી પડે, પરંતુ ગરીબોના હાથમાં પૈસા જવાથી અર્થવ્યવસ્થા સુધરે છેઃ AAP

ગુજરાતમાં AAP સરકાર બનશે તો મહિલાઓને ૧ હજાર રૂપિયા મળશે

અમદાવાદ,  ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં ત્રી પાંખિયો જંગ ખેલાશે તે વાસ્તવિકતા છે. કેમકે આ વખતે આમ આદમી પાર્ટી પણ ખૂબ જ સક્રિય મોડમાં દેખાઈ રહી છે.

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વારંવાર અવારનવાર ગુજરાતના પ્રવાસે આવી અને અલગ અલગ પ્રકારની જાહેરાતો કરતા હોય છે. અમદાવાદમાં રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ કેજરીવાલનો મહિલાઓને વાયદો આપતા કહ્યું કે ગુજરાતમાં છછઁ સરકાર બનશે તો મહિલાઓને એક હજાર સ્ત્રી સન્માન રાશિ આપશે.

અગાઉ પણ કેજરીવાલ ગુજરાતમાં ચૂંટણીલક્ષી જાહેરાતો કરી ચુક્યા છે. ત્યારે આજે કેજરીવાલે બન્ને પોલિટિકલ પાર્ટી ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપનું સેટિંગ હોવાની વાત કરી. બાદમાં મફત વીજળી ત્યારબાદ ૫ વર્ષમાં રોજગારી આપવાની ગેરન્ટી આપી. સાથે જ રેવડી અંગે કહ્યું કે કેટલાક લોકો આજે ફ્રી રેવડી કહે છે, આ રેવડી નથી લોકોનો અધિકાર છે.પોલીટીકલ વાત કરતા કેજરીવાલે કહ્યું કે આ લોકો પોતાના મિત્રોની લોન માફ કરવામાં પૈસા વાપરે છે.

અમદાવાદમાં મહિલાઓના ટાઉનહોલ કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પહેલા એવું લાગતું હતું કે ગુજરાત ભાજપનો ગઢ છે અહી કઈ ના થાય. પરંતુ અમે લોકોને મળ્યા, ત્યારે ખબર પડી કે અહીંના લોકો નારાજ છે, સરકારથી ખૂબ નારાજ છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપનું સેટિંગ ચાલી રહ્યું હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. કેજરીવાલે ઉમેર્યું હતું કે, અમે પહેલી ગેરંટી વીજળીની ગેરંટી આપી છે. અમારી સરકાર બનશે તેના ૩ મહિનામાં વીજળી મફત કરી દઈશું. ત્યારબાદ અમે બીજી ગેરંટી આપી કે, અમે ૫ વર્ષમાં રોજગારી આપીશું. જ્યાં સુધી રોજગારી નહિ આપીએ ત્યાં સુધી બેરોજગારી ભથું આપીશું.

કેજરીવાલે જણાવ્યું કે, ગુજરાતમાં ૨૭ વર્ષના શાસન બાદ સત્તાધારી પક્ષને ઉખાડી ફેંકીને લોકો નવી જ રાજનીતિ ઈચ્છે છે. અમે પંજાબ અને દિલ્હીમાં કર્યું એમ ગુજરાતમાં કરવા માગીએ છીએ.

અમે ભાજપ અને કોંગ્રેસની જેમ રાજનીતિ કરવા માંગતા નથી. અહીં ભાજપ અને કોંગ્રેસનું સેટિંગ છે, પરંતું પહેલીવાર જનતાને એવું લાગી રહ્યું છે કે અમારી સમસ્યાનું સમાધાન થશે.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, વેપારીઓને રેડ નહિ કરવાની ગેરંટી પણ અમે આપી છે. કેજરીવાલે રક્ષાબંધન પૂર્વે મહિલાઓને મોટી ભેટ આપી છે. તેમણે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ૧૮ વર્ષથી ઉપરની દરેક મહિલાને રૂ. ૧ હાજર દર મહિને આપીશું.

કેટલાક લોકો આજે ફ્રી રેવડી કહે છે, આ રેવડી નથી લોકોનો અધિકાર છે. એક હજાર રૂપિયાના કારણે વિદ્યાર્થીનીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકશે. મહિલાઓ પોતાના આ ૧ હજાર રૂપિયાથી બાળકોને થોડું વધારે સારું ખવડાવી શકશે. ૧ હજાર રૂપિયા દરેક મહિલાને આપવાના કારણે અર્થવ્યવસ્થા પણ સુધરશે. અરવિંદ કેજરીવાલે વધુમાં ઉમેર્યું હતું કે, અમીરોના હાથમાં પૈસા જાય તેનાથી અર્થ વ્યવસ્થા નબળી પડે છે.

પરંતુ ગરીબોના હાથમાં પૈસા જવાથી અર્થવ્યવસ્થા સુધરે છે. પૈસાની તંગી નથી, ખૂબ પૈસા છે. આ લોકો પોતાના મિત્રોની લોન માફ કરવામાં પૈસા વાપરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.