Western Times News

Gujarati News

બિલોદરાનો મહેસાણામાં સમાવેશ કરાશે તો ગ્રામજનોનો વિરોધ ભભૂકી ઉઠશે

શંકરસિંહ વાઘેલાની સરકાર વખતે તાલુકા અને જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું ત્યારે બિલોદરા ગામનો મહેસાણામાંથી ગાંધીનગર જિલ્લામાં સમાવેશ કરાયો હતો. હવે ગાંધીનગર જિલ્લામાંથી પાછું મહેસાણામાં સમાવેશ કરવાની તૈયારી ચાલી રહી છે

માણસા તાલુકા મામલતદાર અને ધારાસભ્યને આવેદન આપવા સહી ઝુંબેશ શરૂ

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના બિલોદરા ગામને મહેસાણા જિલ્લામાં સમાવવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ પગલે બિલોદરાના ગ્રામજનો આંદોલન કરવા તત્પર બન્યા છે. સૌપ્રથમ માણસા તાલુકા મામલતદાર અને ધારાસભ્યને આવેદનપત્ર આપવા ગ્રામજનોની સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

આ અંગે ગામના અગ્રણીઓએ જણાવ્યું કે સરકાર દ્વારા ફેર વિચારણા કરવામાં નહીં આવે તો ગ્રામજનોને આંદોલન કરવાની ફરજ પડશે.

પાંચ હજારથી વધુ વસતી સાથે જિલ્લા પંચાયતની બેઠક ધરાવતા બિલોદરા ગામને મહેસાણા જિલ્લામાં સમાવેશ કરવાની પ્રક્રિયા સામે ગ્રામજનોમાં ભારે વિરોધ શરૂ થયો છે. મહેસાણા જિલ્લાના કુકરવાડા ગામને નવો તાલુકો બનાવવા અને આ તાલુકામાં ગાંધીનગરના બિલોદરા ગામને સામેલ કરવા માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ત્યારે આ બાબતે રવિવારે ભવાની માતાના મંદિરના હોલમાં ગ્રામજનોની બેઠક મળી હતી. તેમાં હાજર ગ્રામજનોએ જણાવ્યું હતું કે અગાઉ બિલોદરા ગામ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં હતું તે પછી શંકરસિંહ વાઘેલાની સરકાર વખતે તાલુકા અને જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું

ત્યારે બિલોદરા ગામનો મહેસાણામાંથી ગાંધીનગર જિલ્લામાં સમાવેશ કરાયો હતો. આ રીતે બિલોદરા ગામનો જિલ્લો વારંવાર ફેરવવામાં આવે તે ગ્રામજનોને મંજુર નથી. હવે સરકાર સામે આંદોલન કરવું પડશે તો ગ્રામજનો પાછા પડશે નહી. હાલ ગ્રામજનો ધંધા-રોજગાર, નોકરી-વ્યવસાય અને અભ્યાસ સહિત ખેતીના કામકાજ માટે ખેત ઉત્પાદનો વેચવા-ખરીદવા

તેમજ નાની મોટી ખરીદી સહિત તમામ બાબતોમાં બિલોદરા ગામનો માણસા અને ગાંધીનગર સાથે રોજિંદો વ્યવહાર થઈ ગયો હોવાથી દરેકને અનુકુળ છે. જેથી સંભવિત નવા કુકરવાડા તાલુકામાં બિલોદરા ગામનો સમાવેશ કરવામાં આવશે તો સરકાર સામે ગ્રામજનોનો વિરોધ ભભૂકી ઉઠશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.