યુરોપમાં યોગ્ય પગલાં નહીં લેવાય તો હિટવેવથી વર્ષે ૯૦ હજારના જીવ જશે
લંડન, વિશ્વની સાથે યુરોપને પણ આ વર્ષે ક્લાઈમેટ ચેન્જના કારણે ઘણું નુકસાન થયું છે. હવે યુરોપિયન એન્વાયરમેન્ટ એજન્સી (ઈઈએ) એ હીટવેવ અંગે ચેતવણી આપી છે. એજન્સીએ કહ્યું છે કે જાે કંઇ કરવામાં નહીં આવે તો સદીના અંત સુધીમાં હીટવેવથી દર વર્ષે ૯૦ હજાર યુરોપિયનોનો જીવ જશે. પર્યાવરણ એજન્સીએ જણાવ્યું હતું કે જાે સાનુકૂળ પગલાં ન મળે તો ૨૧૦૦ સુધીમાં ૩°સેન્ટીગ્રેડ ગ્લોબલ વોર્મિંગના દૃશ્યને જાેતાં, ૯૦,૦૦૦ યુરોપિયનો વાર્ષિક અતિશય ગરમીથી મૃત્યુ પામી શકે છે.
પર્યાવરણ એજન્સીએ વીમા ડેટાને ટાંકીને જણાવ્યું હતું કે ‘૧૯૮૦ અને ૨૦૨૦ ની વચ્ચે ૧,૨૯,૦૦૦ થી વધુ યુરોપિયનો ભારે ગરમીથી મૃત્યુ પામ્યા હતા, પરંતુ વધતી ગરમી, વધતી જતી વસ્તી અને આબોહવા પરિવર્તન સાથે સંકળાયેલા વધતા શહેરીકરણને કારણે આગામી વર્ષોમાં આ આંકડો વધવાની શક્યતા છે. ખાસ કરીને ખંડના દક્ષિણ ભાગમાં. તે જ સમયે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ) એ સોમવારે કહ્યું કે આ વર્ષે યુરોપમાં ગરમ હવામાનને કારણે ઓછામાં ઓછા ૧૫,૦૦૦ લોકોના મોત થયા છે.
એજન્સીના જણાવ્યા અનુસાર જૂનથી ઓગસ્ટના ત્રણ મહિના યુરોપમાં રેકોર્ડ શરૂ થયા બાદ સૌથી ગરમ હતા. વધુમાં, અસાધારણ રીતે ઊંચા તાપમાને મધ્ય યુગ પછી ખંડનો સૌથી ખરાબ દુષ્કાળ સર્જ્યો છે. ગરમીના ભય ઉપરાંત, પર્યાવરણ એજન્સીએ જણાવ્યું હતું કે આબોહવા પરિવર્તન યુરોપમાં મેલેરિયા અને મચ્છર કરડવાથી ડેન્ગ્યુ જેવા ચેપી રોગોનું જાેખમ વધારી શકે છે.