નડિયાદ સ્ટેશને ત્રણ ટ્રેનના સ્ટોપેજ ચાલુ નહીં થાય તો કોંગ્રેસ દ્વારા આંદોલન છેડાશે
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં હજારોની સંખ્યામાં લોકો ટ્રેન મારફતે રોજીંદા ધંધા, રોજગાર તેમજ અભ્યાસ અર્થે અમદાવાદ, વડોદરા, આણંદ તરફ અપડાઉન કરે છે.
આવી સ્થિતિમાં કોરોના કાળમાં બંધ થયેલી ટ્રેનો પૈકી ૩ ટ્રેનોના સ્ટોપેજ નડિયાદ ખાતેથી એકાએક રદ કરી દેવાયા છે. આ મામલે નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખે રજૂઆત કરી છે અને આ સ્ટોપેજ ફરી ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી છે.
નડિયાદ શહેર કોંગ્રેસના પ્રમુખ હાર્દિક ભટ્ટે કારેલ રજૂઆત માં જણાવ્યું છે કે , વેસ્ટર્ન રેલવે દ્વારા સંચાલિત ત્રણ ટ્રેઇનોને નડિયાદ રેલવે સ્ટેશને રેલવે મંત્રાલય દ્વારા સ્ટોપેજ આપવામાં આવેલ હોવા છતાં ઘણાં લાંબા સમયથી અગમ્ય કારણોસર આ ત્રણેય ટ્રેઇનોનું નડિયાદ રેલવે સ્ટેશન પરનું સ્ટોપેજ રદ કરવામાં આવેલ છે
અને મુસાફર જનતાની સુવિધા છીનવી લેવામાં આવી છે. તેથી આ ત્રણેય ટ્રેનો મારફત અમદાવાદ – આણંદ અને વડોદરા બાજુ અપ – ડાઉન કરનારા સેંકડો ડેઇલી પાસ ધારકો તથા હજરોની સંખ્યામાં યાત્રા કરતી સામાન્ય મુસાફર જનતાને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સમસ્યાના નિવારણ માટે આ? ત્રણેય ટ્રેનોને રેલવે મંત્રાલય દ્વારા નડિયાદ રેલવે સ્ટેશન પર આપવામાં આવેલ સ્ટોપેજ પુનઃ ચાલુ કરવા સંબધિત રેલ અધિકારીઓ સમક્ષ અગાઉ પણ વખતો – વખત લેખિત અને મૌખિક સંખ્યાબંધ વખત રજૂઆતો કરવામાં આવેલ છે
પરંતુ સંબંધિત રેલ અધિકારીઓ દ્વારા ગમે તે કારણોસર આંખ આડા કાન કરવામાં આવતાં હોય તેમ આજ દિન સુધી આ ત્રણેય ટ્રેનોને નડિયાદ રેલવે સ્ટેશન પર ઉભી રાખવા સંબંધે કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી.તેથી આ સ્ટોપેજ જે રદ કરવામાં આવેલ છે તે પુનઃ ચાલુ કરવા માંગ કરી છે.