વાહનનું PUC ના હોય તો કઢાવી લેજો, પકડાશો તો જેલ થશે
૧૪ લાખ વાહન માલિકોને SMS મોકલવામાં આવ્યા છે કે તેઓ તેમના વાહનનું પોલ્યુશન સર્ટિફિકેટ બનાવી લે નહીં તો ભારે દંડ ભરવો પડશે.
(એજન્સી) નવી દિલ્હી, રાજધાની દિલ્હીમાં વાહનોથી થતા પ્રદૂષણને ઘટાડવા માટે સરકારે એક મહત્વનો ર્નિણય કર્યો છે. દિલ્હી સરકારે એવા વાહન માલિકો સામે આકરી કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે જેમની પાસે પોતાના વાહનનું પોલ્યૂશન સર્ટિફિકેટ નથી. આવા લોકોને ૬ મહિનાની જેલ, ૧૦ હજારનો દંડ અથવા બંને પ્રકારની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
દિલ્હી સરકારે એવા લોકોને નોટિસ મોકલવાનું શરૂ કરી દીધું છે જેમની પાસે પોતાના વાહનોનું પોલ્યૂશન સર્ટિફિકેટ નથી. નોટિસમાં વાહન માલિકોને પોલ્યુશન સર્ટિફિકેટ બનાવી લેવા અથવા દંડ ભરવા માટે કહેવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર, દિલ્હીમાં ૧૭ લાખ વાહનોના પોલ્યુશન સર્ટિફિકેટ નથી. જેમાં ૧૩ લાખ ટુ વ્હીલર અને ૩ લાખ કારનો સમાવેશ થાય છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ૧૪ લાખ વાહન માલિકોને SMS મોકલવામાં આવ્યા છે કે તેઓ તેમના વાહનનું પોલ્યુશન સર્ટિફિકેટ બનાવી લે નહીં તો ભારે દંડ ભરવો પડશે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં ૨-૩ મહિના બાદ પ્રદૂષણ શરૂ થઈ જશે. આવી સ્થિતિમાં અમે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે વાહનોથી થતા પ્રદૂષણમાં ઘટાડો થાય. સાથે જ વાહન માલિકોને પોલ્યુશન સર્ટિફિકેટ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. જાે કે, અધિકારીએ જણાવ્યું હતું કે, એવા વહાનોને મુક્તિ આપવાની કાયદાકીય જાેગવાઈ છે જે વાહનો રસ્તા પર ચાલતા નથી.
અધિકારીએ જણાવ્યું હતું કે, હાલમાં જ એક રિટાયર્ડ આર્મી કર્નલએ ટ્રાન્સપોર્ટ વિભાગને પત્ર લખીને જણાવ્યું હતું કે, તેમનો પુત્ર વિદેશમાં છે અને વાહન ગેરેજમાં પાર્ક છે.