Western Times News

Gujarati News

ગેરકાયદે બાંધકામ તોડવા મુદ્દેની રિટ બદઈરાદાવાળી હશે તો દંડ થશે

નવી દિલ્હી, અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં ઘાતક હથિયારો સાથે જાહેરમાં આંતક અને ભયનો માહોલ ફેલાવવાના પ્રકરણમાં સંડોવાયેલા છ આરોપીઓની મિલકતના કથિત ગેરકાયદે બાંધકામને સત્તાવાળાઓ દ્વારા તોડી પાડી સપાટો બોલાવાયો છે, ત્યારે એક આરોપી તરફથી ગેરકાયદે બાંધકામને તોડી પાડવા સંદર્ભે અ.મ્યુ.કો દ્વારા અપાયેલી નોટિસને પડકારતી રિટ અરજી હાઇકોર્ટમાં દાખલ કરી હતી.

જો કે, જસ્ટિસ મોના એમ.ભટ્ટે અરજદારપક્ષને કેટલાક વેધક સવાલ કર્યા હતા અને જો તેમની અરજી બદઈરાદાપૂર્વકની અને વાહિયાત સાબિત થશે તો દંડ ફટકારવાની ચીમકી ઉચ્ચારી હતી. કેસની વધુ સુનાવણી ૧૮ માર્ચ રાખી છે.

બીજીબાજુ, રાજય સરકાર તરફથી આરોપીની અરજીનો જોરદાર વિરોધ કરતાં મુખ્ય સરકારી વકીલ ગુરશરણસિંહ વિર્કએ અદાલતનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ડીજીપીની સૂચના અને અ.મ્યુ.કોએ આરોપીને નોટિસ વચ્ચે કોઈ સંબંધ કે લેવાદેવા નથી.

અરજદાર અદાલતને ગેરમાર્ગે દોરતી રજૂઆત કરી રાહત માંગી રહ્યા છે, જે ખોટી વાત છે. હકીકતમાં અરજદાર આરોપી વિરૂદ્ધ દસ જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તેનો ગુનાઈત ભૂતકાળ છે.નોંધનીય એ છે કે, વસ્ત્રાલ વિસ્તારમાં જાહેરમાં ખુલ્લેઆમ ઘાતક હથિયારો સાથે ભય અને આંતક ફેલાવવાની ઘટના સભ્ય સમાજમાં સાંખી શકાય નહી.

છેલ્લાં ઘણા સમયથી જાહેરમાં આવી મારામારી, આતંક અને પબ્લિક ન્યુસન્સની ઘટનાઓ જોવા મળી રહી છે, ત્યારે પોલીસ અને તંત્ર માટે શહેર અને તેના નાગરિકોની સુરક્ષા અને સલામતી સૌથી વધુ મહત્ત્વની છે.

વસ્ત્રાલની ઘટનાની ગંભીર નોંધ લઇ ખુદ રાજયના પોલીસ વડા(ડીજીપી)એ આવા અસામાજિક તત્ત્વો અને ગુંડાઓ વિરૂદ્ધ અસરકારક કાર્યવાહી કરવાના ઉમદા આશયથી રાજયના તમામ પોલીસ કમિશનરને ૧૦૦ કલાકમાં આવા ગુનેગારોની યાદી તૈયાર કરવા સૂચના જારી કરી છે, જે નાગરિકોની સુરક્ષાનો અને જાહેરહિતનો નિર્ણય છે.

વસ્ત્રાલમાં આંતક ફેલાવવાના પ્રકરણમાં પકડાયેલા આરોપીના પિતા અને દાદા તરફથી કરાયેલી અરજીમાં એવો આક્ષેપ કરાયો હતો કે, ડિમોલીશન મુદ્દે સુપ્રીમકોર્ટે તાજેતરમાં જ આપેલા ચુકાદા મુજબ, સત્તાવાળાઓએ પંદર દિવસની નોટિસ આપવી પડે પરંતુ અરજદારના કિસ્સામાં તેમને બે દિવસની જ નોટિસ અપાઇ છે.

જયારે છ આરોપીઓના બાંધકામ તો પહેલા જ તોડી પાડવામાં આવ્યા છે. જેથી મુખ્ય સરકારી વકીલે આ આરોપનું ખંડન કરતાં જણાવ્યું કે, અ.મ્યુ.કોએ અરજદારને બે દિવસનો સમય નોટિસનો જવાબ આપવા માટે આપ્યો છે, અરજદાર ખોટી રીતે રજૂઆત કરી રહ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.