રૂ.૨ લાખથી વધુની રોકડનો વિવાદ હોય તો કોર્ટે ઈનકમ ટેક્સને જાણ કરવીઃ સુપ્રીમ

નવી દિલ્હી, રૂ.૨ લાખ કે તેથી વધુ રોકડ વ્યવહાર પર પ્રતિબંધ હોવા છતાં આ કાયદાના અપૂરતા અમલ બાબતે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે.
ફાઈનાન્સ એક્ટ ૨૦૧૭ અન્વયે રૂ.૨ લાખથી વધુના રોકડ વ્યવહાર પર પ્રતિબંધ મૂકાયેલો હોવા છતાં સંપત્તિને લગતાં અનેક સોદામાં મોટા પાયે રોકડ વ્યવહારો થતા હોય છે. આ પ્રકારના વ્યવહારોને લગતા વિવાદ કોર્ટ સમક્ષ આવે ત્યારે ઈનકમ ટેક્સ વિભાગને જાણ કરવા સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને આર. માધવનની બેન્ચે સમક્ષ સંપત્તિને લગતા વિવાદની સુનાવણી થઈ હતી. આ કેસમાં ૧૦ એપ્રિલ, ૨૦૧૮ના રોજ સંપત્તિની માલિકી માટે રૂ.૭૫ લાખ રોકડા અપાયા હતા.
સુપ્રીમે ઠરાવ્યુ હતું કે, આ પ્રકારના લિટિગેશન્સ શંકા ઊભી કરવાની સાથે કાયદાનો ભંગ પણ દર્શાવે છે. જેથી રૂ. બે લાખ કે તેથી વધુના રોકડ વ્યવહારના કેસ દાખલ થાય તો કોર્ટે ઈનકમ ટેક્સને જાણ કરવી જોઈએ. આવા વ્યવહારી સત્યતા તથા ઈનકમ ટેક્સ એક્ટના ભંગની ખરાઈ ઈનકમ ટેક્સ વિભાગ કરશે.
૧ એપ્રિલ, ૨૦૧૭થી ઈનકમ ટેક્સ એક્ટ અમલી બન્યો છે, પરંતુ તેનો પૂરતો અમલ થતો નથી. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા હતા કે, સંપત્તિના રજિસ્ટ્રેશન સમયે રૂ.બે લાખ કે તેથી વધુ રોકડ વ્યવહાર થયા હોવાનું દસ્તાવેજો પરથી જણાય તો આવી સંપત્તિ બાબતે સબ-રજિસ્ટ્રારે ઈનકમ ટેક્સ વિભાગને જાણ કરવી.
આ પ્રકારના કિસ્સા ઈનકમ ટેક્સ વિભાગના ધ્યાનમાં આવે અને રજિસ્ટ્રેશન કરનારા અધિકારીએ જાણ ન કરી હોય તો રાજ્યના મુખ્ય સચિવના ધ્યાને લાવવું જોઈએ, જેથી સંબંધિત અધિકારી સામે શિસ્તભંગના પગલાં લઈ શકાય.SS1MS