૩૭૦મી કલમ સંદર્ભે ઉલ્લંઘન જણાશે તો કોર્ટ હસ્તક્ષેપ કરશે
(એજન્સી)નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીર મામલે સુનાવણીના ૭મા દિવસે સુપ્રીમકોર્ટે અરજદારોને કહ્યું કે શું તમે કલમ ૩૭૦ ખતમ કરવાની કેન્દ્રની મંશાનું આકલન કરવા ન્યાયિક સમીક્ષા ઈચ્છો છો? કોર્ટે કહ્યું કે ન્યાયિક સમીક્ષા દરમિયાન જાે તેમાં કોઈ ઉલ્લંઘન જણાશે તો કોર્ટ હસ્તક્ષેપ પણ કરશે. બંધારણીય બેન્ચે આ ટિપ્પણી કરતાં કહ્યું કે શું તમે અમને કલમ ૩૭૦ રદ કરવાના સરકારના ર્નિણયને અંતર્નિહિત વિવેકની ન્યાયિક સમીક્ષા કરવા કહી રહ્યા છો?
સીજેઆઈ ડી.વાય.ચંદ્રચૂડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, બી.આર.ગવઈ અને સૂર્યકાંતની બંધારણીય બેન્ચે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા વિરુદ્ધ દાખલ અરજીઓ પર ૭મા દિવસે દલીલો દરમિયાન સવાલો કર્યા હતા. તેનો જવાબ આપતાં અરજદારો વતી વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે હું બંધારણ સાથે કરાયેલી દગાબાજીની વાત કરી રહ્યો છું.
તેમણે કહ્યું કે આ મામલે સત્તાનો સંસદીય પ્રયોગ સંપૂર્ણપતે સત્તાના રંગમાં રંગાયેલો હતો. દવેએ બેન્ચને કહ્યું કે એવું ફક્ત એટલા માટે કરાયું કેમ કે જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ભંગ કરી દેવાઈ હતી અને આ રીતે સંસદ પાસે સત્તા હતી અને રાષ્ટ્રપતિ પાસે કલમ ૩૫૬ હેઠળ શક્તિ હતી.
વરિષ્ઠ એડવોકેટ દુષ્યંત દવેએ ચર્ચાને આગળ વધારતા કહ્યું કે તમે ઈતિહાસ, ખાસ કરીને બંધારણીય ઈતિહાસ ફરીવાર ન લખી શકો. તેમણે કહ્યું કે સરકાર પાસે કલમ ૩૭૦(૩) હેઠળ કલમ ૩૭૦ હટાવવાનો કોઈ અધિકાર જ નથી. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરથી કલમ ૩૭૦ને હટાવવાની કવાયત બંધારણ સાથે સંપૂર્ણપણે દગાબાજી છે.
દુષ્યંત દવેએ બંધારણીય બેન્ચ સમક્ષ કહ્યું કે કેન્દ્રની સત્તામાં બિરાજિત ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાનો વાયદો કર્યો હતો. દવેએ કહ્યું કે રાષ્ટ્રપતિ કોઈ રબર સ્ટેમ્પ નથી… બહુમત બોલતો નથી… તે કોઈ ઘટક શક્તિ નથી. તેમણે કહ્યું કે ભાજપે જમ્મુ-કાશ્મીરના બે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યા, કલમ ૩૭૦ રદ કરી, આ બધું તેણે રાજકીય ફાયદા માટે કર્યું.