માનવીનો ખરો શત્રુ ….ક્રોધ
ગુસ્સાને ગળી જતા નહિ શીખીએ તો ગુસ્સો જ માણસને ગળી જઈ શકે છે-ક્રોધની એક ઘડી પણ આખા દિવસના મૂડને બગાડી શકે છે.
મોહ, માયા લોભ, તથા ક્રોધ ચાર પ્રકારનાં કષાયોમાં ક્રોધનું સ્થાન મુખ્ય છે. સર્વ અનર્થનું મૂળ ક્રોધમાં જ રહેલું છે. સ્વભાવમાં અશાંતિ ઉત્પન થવાથી તેના વેગમાં વૃદ્ધિ થતાં છેવટે તે ક્રોધમાં જ પરિણમે છે. વાણી વ્યવહારમાં ઉગ્રતા આવતાં તેનું કર્મફળ શરીર તથા મનને હાનિકર્તા જ રહે છે. ક્રોધમાં સારાસારનું ભાન રહેતું નથી.
ક્રોધ જ્યારે કાબૂમાં રહેતો નથી ત્યારે તે વ્યક્તિ શું બોલે છે તથા શું કરે છે તેનું વિવેક ભાન રહેતું નથી. ક્રોધ જીવ ને વગર અગ્નિએ બાળે છે. મનુષ્યનો ખરો શત્રુ તો ક્રોધ જ છે જે પોતાની અંદર ઘર કરીને વસેલો છે તથા પોતે તેનું પોષણ કરે છે તે તેને ખબર હોતી નથી. આ ક્રોધ રૂપી શત્રુ જાત માટે હાનિકારક છે તથા આત્માનું ભવોભવ ભૂંડું કરનાર છે. આ શત્રુ મિત્રની જેમ જીવ સાથે રહેતા વાંધો નથી ઉઠાવતો. તેથી તેને દુઃખ છોડતું નથી. ક્રોધ થતા માનવી બીજાનું નુકસાન કરવા પ્રેરાય છે. અને સાથે સાથે પોતાનું પણ નુકશાન કરી બેસે છે. ક્રોધથી કોઈને દબાવી શકાય છે પરંતુ પોતાના બનાવી શકાતું નથી.
ઘણા માણસો નાની નાની વાતોમાં ગુસ્સે થઈ જાય છે જેથી તે વ્યક્તિ પોતાની પ્રતિભા ખરડી નાખે છે. પોતાના દિલમાં કાંઈ ન હોય પરંતુ સ્વભાવ મુજબ આડેધડ બોલીને સંબંધ બગાડી નાખે છે અને પોતાના પગ પર પોતે જ કુહાડી મારે છે.
ક્રોધ એક એવો કષાય છે કે જેની અસર મન તથા શરીર પર પડે છે. કોઈને હ્દયરોગનો હુમલો તો કોઇને લોહીનાં દબાણની સમસ્યા થાય છે. ઘણી વખત માનવી ગુસ્સામાં ને ગુસ્સામાં જે હાથમાં આવે તે ફેંકી દે છે. જો માનવીને બહુ જ ગુસ્સો આવે ત્યારે પોતે એકાંતમાં બેસી જવું જોઇએ તથા વિચાર કરવો જોઈએ કે, ‘હું જે કરી રહ્યો છું તે બરાબર છે કે નહિ?’
મિજાજી પ્રકૃતિવાળી વ્યક્તિ નાની નાની વાતોમાં ગુસ્સે થઈ જાય છે તેથી તે સમાજમાં પોતાનું માન ગુમાવી બેસે છે સાથે સાથે હડધૂત પણ થઈ જાય છે અને લોકો મિજાજી પ્રકૃતિવાળી વ્યક્તિથી દૂર રહેવામાં જ શાણપણ માને છે. ક્રોધિષ્ઠ વ્યક્તિ હર હમેંશ અસંતોષી, દુઃખીતથા બળતરા સ્વભાવની હોય છે.
ક્રોધની એક ધડી પણ આખા દિવસના મૂડને બગાડી શકે છે. ગુસ્સાને ગળી જતા નહિ શીખીએ તો ગુસ્સો જ ભાનવીને ગળી જઈ શકે છે. વધુ પડતી અપેક્ષા, પરાધીનતા તથા પરવશતા ક્રોધની જનેતા ગણાય છે. ક્રોધની કટુતા મીઠા તથા વર્ષો જૂના સંબંધોનો પણ ભોગ લે છે. ક્રોધ ક્ષણ જીવી હોય પણ તેથી થતું નુકશાન દીર્ઘજીવી બની જાય છે અહંકાર ઘવાય ત્યારે મનમાં ક્રોધ પ્રવેશે છે.
ક્રોધ કરનાર વ્યક્તિ સતત દુઃખી રહેતો હોય છે તથા સતત અજંપામાં રહે છે. ક્રોધથી સ્નેહનો, સંબંધનો, સંપત્તિનો,સંપનો અને સદગતિનો નાશ થાય છે. કડવા ફળ છે ક્રોધનાં, ક્રોધ સહિત તપ જે કરે તે તો લેખે ન થાય.
ક્રોધનો ત્યાગ કરવા દરેક માનવીએ સતત આત્મપરિક્ષણ કરવું જોઈએ તથા વિચારશિલ બનવું જોઈએ. દરરોજ થોડો સમય મૌન રાખવાથી માનવી વિચાર શક્તિ ખીલવી શકે છે તથા તેની સાથેને સાથે ક્રોધ વિસરાતો જાય છે અને એક સમયે તે વ્યક્તિ શાંત પ્રકૃતિની બની જાય છે. માનવીએ બીજા લોકો જોડે અનૂકુળ થતાંશીખવું જોઈએ તથા હળીમળીને રહેતા શીખવું જોઈએ જેથી પોતાનું માન સાચવી શકે છે.
જ્યારે મનનું ધાર્યું ન થાય ત્યારે તે ઉશ્કેરાટ અનુભવે છે અને ઉશ્કેરાટ ન શમતા તે ક્રોધમાં ફેરવાઈ જાય છે પરંતુ સમય જતા ક્રોધનો આવેશ ઠંડો પડી શકે છે. સમય પણ ક્રોધને કાબૂમાં લાવવામાં સહાયરૂપ બને છે. ગુસ્સો માનવીનાં સહજ સ્વભાવમાં હોય છે. જેને અંકુશમાં રાખવા પ્રયત્ન કરવો જોઈએ. શાંત પ્રકૃતિના માનવી લોકોમાં પ્રિય થઈ પડે છે.જ્યારે ક્રોધમાં માનવી બધું જ ગુમાવતો જ રહે છે તથા તેના મરણબાદ લોકો તેને વિસરી જાય છે.
ક્રોધ રૂપી શત્રુનો નાશ કરવા મનને શાંત રાખતા શીખવું પડે છે તથા ક્રોધી માણસે બોલતા પહેલાં વિચાર કરવો જોઈએ. શાંત સ્વભાવવાળી વ્યક્તિ સ્વ અને પર બન્નેને સુખ આપનારો હોય છે. ઘણી વખત ક્રોધ કર્યા બાદ માનવીને પસ્તાવો થાય છે કે ‘મેં કેમ આવું કર્યું? મારે આવું કરવું જોઈતું ન હતું.’ પણ પગલું ભર્યા પછી ડહાપણનું શું કામ? વિચારીને બોલવાથી પસ્તાવાનો વારો આવતો નથી તથા ક્રોધને કાબૂમાં લેવા માટે બીજો માર્ગ ‘સમતા’ છે.
મનનું ધાર્યું ન થતાં ગુસ્સો વ્યક્ત થવાની શક્યતા વધી જાય છે પણ તે ઘડીએ ભગવાનનું સ્મરણ કરતા મન શાંત થઈ જાય છે. તથા જેના પર ગુસ્સો થયો હોય તો તેમને મિચ્છામિ દુક્કડમ્ પણ કહી દેવું જેથી પોતાના મન પરનો ભાર હળવો થઈ જાય છે.