મુશ્કેલી પકડીને બેસી રહીએ તો એ તકલીફમાંથી ક્યારેય બહાર જ ન નીકળી શકીએ
આંસુ ન વહે તો હૃદય પર ભાર લાગે
આંસુઓને જળ થતાં શું વાર લાગે!
જો વહે ના આંખથી તો ભાર લાગે,
સાચવી રાખ્યાં હતાં સપના નયનમાં,
એ અધૂરા સ્વપ્નને પણ ખાર લાગે.
જે ઉઝરડા ગાલ પર દેખાય છેને!
એમાં તારા દર્દનો આધાર લાગે .
દિલ બળ્યું ને વેદના આંખોમાં ઉપડી,
આંખનાં આ આંસુ પણ અંગાર લાગે .
તે કલમ બોળી દરદનાં આંસુઓમાં,
એટલે તારી ગઝલ પાણીદાર લાગે.
-તરૂ મિસ્ત્રી
તરૂ મિસ્ત્રી જે સુરત શહેરના રહેવાસી છે. તેઓ અર્થશાસ્ત્ર વિષય સાથે અનુસ્નાતક થયેલ છે. હાલ તેઓ સફળ ગૃહિણી છે. તેમનો જન્મ ૦૫/૦૧/૧૯૮૬ ના રોજ નવસારી મુકામે થયો હતો. કોલેજ કાળ દરમિયાન તેઓ નાની કવિતાઓ લખતા હતા. કાલેજ કાળથી જ તેમણે સાહિત્યના સફરમાં પગરણ માંડ્યા છે. ૨૦૧૯-૨૦ થી તેમણે ગઝલો લખવાની શરુ કરી. તેમના પ્રથમ આદર્શ તેમના મમ્મી પપ્પા છે.
ત્યારબાદ તેમના આદર્શ ગઝલ ગુરુ દિપભાઈ સોલંકી છે. તેમને ગઝલ, કવિતા, આર્ટિકલ, સુવિચાર લખવા ગમે. નોવેલ, ધાર્મિક ગ્રંથો, ગઝલો વગેરે તેમને વાંચવુ વધુ ગમે. તેમના પ્રિય લેખક ઝવેરચંદ મેઘાણી, કુન્દનિકા કાપડિયા, અનિલ ચાવડા, મરીઝ અને શૂન્ય પાલનપુરી છે. એક ગૃહિણી જ્યારે કલમ ચલાવે છે ત્યારે તેના અનુભવના નિચોડથી તે આખા સંસારની વાતો કહી જાય છે. ગૃહસ્થ જીવનમાં નડતી મુશ્કેલી વાત તે સરળતાથી કહી જાય છે. એક સ્ત્રી તેની પીડા કલમ થકી કાગળ પર નીચવી નાખે છે….
“આંસુઓને જળ થતાં શું વાર લાગે!
જો વહે ના આંખથી તો ભાર લાગે.”
આંસુ થકી હ્રદયની પીડા વહી જતી હોય છે. હ્રદય પરથી બધો બોજ રડવાથી ઉતરી જાય છે. આંખોમાંથી આંસુ ન વહે તો એ ભાર હ્રદય પર આવે છે. માટે જ નાનામાં નાની વાત કોઇ એવી વ્યક્તિ સાથે કરવી જે તમારી વાત સમજે. જ્યારે મનમાં પીડા વધી જાય ત્યારે તેને સમજદાર વ્યક્તિ સાથે શેર કરવી અને જ્યારે રડવું આવે ત્યારે રડી લેવું. કોઇનો ખભો રડવા માટે મળી જોય તો એનાથી સારુ બીજુ કંઇ નહીં…
“સાચવી રાખ્યાં હતાં સપના નયનમાં,
એ અધૂરા સ્વપ્નને પણ ખાર લાગે.”
મનમાં સાચવી રાખેલા અધુરા સપના જીવનમાં સૌથી વધારે ખટકે છે. એ અધુરા સપનાને પુરા કરવા માટે મન વિચલીત થઇ ઉઠે છે. જ્યાં સુધી એ સપના પુરા ના થાય ત્યાં સુધી મનને શાંતિ નથી મળતી. એ સપના પુરા કરવા આપણે મહેનત પણ કરીએ જ છીએ. જ્યારે એ સપના પુરા થાય ત્યારે મન ખુશ થઇ ઉઠે છે.
“જે ઉઝરડા ગાલ પર દેખાય છેને!
એમાં તારા દર્દનો આધાર લાગે.”
કોઇના સાથે હોવાથી જીવનની ખુશી વધી જતી હોય છે. જે આપણી સાથે હોય એ આપણને સમજે જ નહીં અને હાથ ઉપાડે ત્યારે મન વધુ વિચલીત થાય છે.જેની સાથે આજીવન સાથે રહેવુ હોય એ આપણને તકલીફ આપે ત્યારે જીવનમાં પાર માની લઇએ છીએ. મન તુટી જાય છે. ગાલ પર દેખાતા ઉઝરડાના ઘા રુઝાઇ જાય છે પણ જે મન પર પડે છે એ ઘા ક્યારેય નથી રુઝાતા….
“દિલ બળ્યું ને વેદના આંખોમાં ઉપડી,
આંખનાં આ આંસુ પણ અંગાર લાગે.”
આંખો મનની ઝળહળ રજુ કરે છે. ખુશી હોય કે તકલીફ આંખોમાં જોઇ અનુભવી શકાય છે. મન તકલીફમાં હોય ત્યારે આંખો કાબુમાં નથી રહેતી એ વહી જાય છે. વેદના વધતી જાય તેમ આંખો વહેતી જાય. આંસુ અંગાર બની જાય છે.
“તે કલમ બોળી દરદનાં આંસુઓમાં, એટલે તારી ગઝલ પાણીદાર લાગે.”
દર્દની સ્યાહીથી કાગળ પર કલમ થકી દર્દને વહાવ્યુ છે. જીવનમાં જે પીડાને સહી છે એ પીડા કવિતા થકી વહી ગઇ છે. સ્ત્રી પાસે પીડા છુપાવવાની સહનશક્તિ છે. દર્દને આંસુમાં બોળીને ગઝલ લખી છે માટે જ એ પાણીદાર લાગે છે.
અંતની અટકળ -જીવનમાં આવતી તકલીફનો રસ્તો કરવાનો હોય તો દરેક મુશ્કેલી જીવનમાંથી ભાગી જાય છે. તેને પકડીને બેસી રહીએ તો એ તકલીફમાંથી ક્યારેય બહાર જ ન નીકળી શકીએ….