સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે જતાં હોવ તો આ ગામની મુલાકાત અવશ્ય લેજો
છોટાઉદેપુરના આ ગામને હેરીટેજ કેટેગરીમાં ‘શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા-૨૦૨૪’નો એવોર્ડ અપાયો
Ø નર્મદા કિનારે આવેલા ‘હાફેશ્વર’ને રૂ. ૧૦ કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી પ્રગતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવતા વાર્ષિક અંદાજે એક લાખ પર્યટકો ‘હાફેશ્વર’ની મુલાકાતે
Ø શ્રેષ્ઠ પ્રવાસન ગામની પસંદગીના માપદંડમાં ૨૫,૦૦૦થી ઓછી વસ્તી ધરાવતા હેરિટેજ, એગ્રી-એડવેન્ચર ટુરિઝમ, હસ્તકળા તેમજ સમુદાય આધારિત પ્રવાસન-સુખાકારીનો સમાવેશ
‘મા નર્મદા’નો ગુજરાતમાં જ્યાંથી પ્રવેશ થાય છે એવા છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના ‘હાફેશ્વર’ ગામને આજે ‘વિશ્વ પ્રવાસન દિવસ નિમિત્તે’ કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા હેરીટેજ કેટેગરીમાં “શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા ૨૦૨૪”નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં પ્રવાસન સ્થળોનો બહુમુખી વિકાસ કરીને એક નવી કેડી કંડારી છે
જેના પરિણામ સ્વરૂપે ગુજરાતના નાનકડા હાફેશ્વર ગામે આજે પ્રવાસન ક્ષેત્રે વૈશ્વિકસ્તરે વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આ વિકાસને આગળ ધપાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ‘વિશ્વ પ્રવાસન દિવસ’ની ઉજવણીના ભાગરૂપે આજે ગુજરાતના પ્રવાસનની યશકલગીમાં વધુ એક છોગું ઉમેરાયું છે તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ છે તેમ, પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું.
પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, આજે પુનઃએકવાર ‘કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં’ ના મંત્રને છોટાઉદેપુર જિલ્લાના નાનકડા હાફેશ્વર ગામે સાકાર કર્યો છે. તાજેતરમાં જ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂા. ૧૦ કરોડના બજેટ સાથે હાફેશ્વરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કામગીરી પ્રગતિમાં છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રવાસીઓની સુવિધાના હેતુસર પાર્કિંગ, વૉટર જેટી, ઘાટ, કેફેટેરિયા, ગાર્ડન અને વોલ્ક વે નું નિર્માણ કરવામાં આવનાર છે.
તેમણે કહ્યું હતું કે, હાફેશ્વર એ ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલું એક સ્થળ છે જ્યાંથી મા નર્મદા ગુજરાતમાં પ્રવેશ કરે છે. સતપૂડા અને વિંધ્યાચલ પર્વતમાળાની વચ્ચેથી પસાર થતી મા નર્મદા નદી જે જગ્યાએથી ગુજરાતમાં પ્રવેશે છે તે કુદરતી સૌંદર્યની વચ્ચે આવેલું હાફેશ્વર ગામ છોટાઉદેપુરના મુખ્ય શહેરથી આશરે ૪૦ કિમી દૂર ક્વાંટ તાલુકામાં આવેલું છે. અહીં એક પ્રાચીન શિવ મંદિર છે અને સરદાર સરોવર જળસ્ત્રાવ વિસ્તારમાં નર્મદા નદીના પાણીમાં મહદઅંશે ડૂબેલી સ્થિતિમાં છે. હાલમાં હોડીની સવારી કરીને માત્ર મંદિરનો ધ્વજ જ જોઈ શકાય છે. જેથી વર્ષ ૨૦૦૨માં આ મંદિરની મૂર્તિઓને ભવ્ય એવા નવા મંદિરમાં સ્થાનાંતરિત કરવામાં આવી હતી જે ડૂબી ગયેલ મંદિરથી ૧.૫ કિમી દૂર બનાવવામાં આવ્યું છે.
પ્રવાસન મંત્રીશ્રીએ કહ્યું હતું કે, એક અંદાજ મુજબ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા નગરની મુલાકાતે આવતા પર્યટકોમાંથી વાર્ષિક લગભગ એક લાખ પર્યટકો હાફેશ્વરની મુલાકાતે આવે છે. નજીકમાં જ કડીપાની, તુરખેડા હીલ, નખલ ધોધ અને ધારસિમેલ ધોધ જેવા અન્ય જોવાલાયક પ્રવાસન સ્થળોએ પણ પ્રવાસીઓ ફરવા માટે આવે છે. આ ગામ તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપી તેનું સંરક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. આદિવાસી વસ્તી ધરાવતું ગામ હોવાને પરિણામે, તે પેઢીઓથી વિકસતી જૂની પરંપરા અને સાંસ્કૃતિક ઓળખ ધરાવે છે.
ગામજનો દ્વારા સમયાંતરે આદિવાસી સમુદાયના મેળાઓનું આયોજન કરીને તેના સાંસ્કૃતિક વારસાને વધુ જીવંત રાખે છે. વધુમાં પર્યાવરણીય ટકાઉપણાને પ્રોત્સાહન તેમજ કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે સરકાર- સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓ માટે અહીં અનેકવિધ નવીન પહેલ હાથ ધરવામાં આવે છે જેમાં ગ્રામ પંચાયત દ્વારા નિયમિત કરવામાં આવતી ગામની સફાઈ, વૃક્ષારોપણ અને જૈવ વિવિધતાનું સંરક્ષણ વગેરેનો સમાવેશ થાય છે.
પર્યટનના માધ્યમથી સામાજિક સમાનતાને પ્રોત્સાહન આપવા માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવવા આ ગામે, વિવિધ નીતિઓ અને પગલાં અમલી બનાવ્યા છે. ગામમાં કાર્યરત હાફેશ્વર મંદિર સમિતિ દ્વારા મહિલાઓને વધુ સશક્ત બનાવવામાં આવે છે. મહિલાઓને રોજગારીની તકો પૂરી પાડવા, તેમની આર્થિક સ્વતંત્રતા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે સ્વ-સહાય જૂથની રચના પણ કરવામાં આવી છે. નાળિયેર, ગુગળ ધૂપ, અને નાસ્તો જેવા સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ગામમાં અલગ-અલગ જગ્યાએ હાટ શરૂ કરવામાં આવ્યા છે તેમ વિગતો આપતા પ્રવાસન મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
શ્રેષ્ઠ પ્રવાસન ગામ પસંદ કરવાના માપદંડ:
સામાજિક અને માળખાકીય વિકાસને પ્રોત્સાહન આપી તેના ઉદ્દેશ્યોને આગળ વધારવા કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. આ માટેના પાત્રતા માપદંડોમાં મુખ્યત્વે એવા સ્થળોનો સમાવેશ કરવામાં આવે છે જે ૨૫,૦૦૦થી ઓછી વસ્તી ગીચતા ધરાવતા હોય. પ્રખ્યાત સ્થળો, પ્રવાસન સ્થળ અથવા લેન્ડસ્કેપની ત્રિજ્યામાં સ્થિત હોય અને કૃષિ, હસ્તકલા, ભોજન વગેરે સહિતની પરંપરાગત પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય.
સ્પર્ધાના મૂલ્યાંકન માટે સાંસ્કૃતિક-કુદરતી સંસાધનો, આર્થિક-સામાજિક સ્થિરતા, પર્યાવરણીય સ્થિરતા, પ્રશાસન-પ્રવાસનને પ્રાથમિકતા, આરોગ્ય, સલામતી-સુરક્ષા, સાંસ્કૃતિક સંસાધનોનો પ્રચાર-સંરક્ષણ, પ્રવાસન વિકાસ અને મૂલ્ય શૃંખલા, એકીકરણ-ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
ટૂંકમાં શ્રેષ્ઠ પ્રવાસન ગામને માન્યતા પૂરી પાડનારી શ્રેણીઓમાં હેરિટેજ, એગ્રી- એડવેન્ચર ટુરિઝમ, હસ્તકળા, જવાબદાર પ્રવાસન, વાયબ્રન્ટ ગામો, સમુદાય આધારિત પ્રવાસન અને ગામની સુખાકારીને લક્ષ્યમાં લેવામાં આવે છે.
પ્રવાસીઓ અહીં સરળતાથી પહોંચી શકે તે માટે રોડ કનેક્ટિવિટીની સાથેસાથે અંદાજે ૮૦ કિમીના અંતરે એકતા નગર રેલવે સ્ટેશન તેમજ ૧૧૦ કિ.મી. દૂર વડોદરા ખાતે હવાઈ મથક પણ આવેલું છે.