Western Times News

Gujarati News

ધંધો કરવા માટે 50 લાખ સુધીની લોન જોઈતી હોય તો આ પોર્ટલ ઉપર વિના મૂલ્યે અરજી કરો

સ્વરોજગાર માટે પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ અંતર્ગત ઓનલાઇન અરજી કરી શકાશે-બેંકના નિયત કરેલા વ્યાજદરે સેવા ક્ષેત્ર માટે રૂ.૨૦ લાખ તથા ઉત્પાદન ક્ષેત્રે રૂ.૫૦ લાખ સુધીની લોન મળી શકે,કેટેગરી વાઇઝ સબસિડી મળવાપાત્ર થશે

પંચમહાલ જિલ્લાના ૧૮ થી ૬૫ વર્ષ સુધીની ઉંમરના નાગરિકોએ સબંધિત ધંધાની તાલીમ મેળવેલ હોવી જરૂરી

માહિતી બ્યુરો,ગોધરા,              ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોઇપણ વ્યકિતને સ્વ રોજગારીની તક મળે અને તેઓ પોતાનો સ્વતંત્ર ધંધો-રોજગાર શરૂ કરી આત્મનિર્ભર બને તે માટે રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો,પબ્લીક સેકટર બેંકો, તથા ખાનગી બેંકો મારફતે નાણાકીય લોન મળી રહે તે હેતુસર પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,પંચમહાલ મારફત અમલીકરણ થાય છે. If you need a loan of up to 50 lakhs to start a business, apply for free on this portal

આ યોજનામાં ૧૮ થી ૬૫ વર્ષ સુધીની ઉંમરની કોઇપણ વ્યકતિ આ યોજનાનો લાભ લઇ શકે છે. લાભ લેનાર વ્યકિત ઓછામાં ઓછું ધોરણ-૮ પાસ અથવા સબંધિત ધંધાની  તાલીમ/અનુભવ મેળવેલ હોવી જોઇએ.

અરજદારો નવા એકમ માટે તેમજ ચાલુ ધંધાના વિસ્તરણ માટે જે-તે બેંકના નિયત કરેલા વ્યાજદરે સેવા ક્ષેત્ર માટે રૂ.૨૦ લાખ તથા ઉત્પાદન ક્ષેત્રે રૂ.૫૦ લાખ સુધીની લોન ભલામણ કરવામાં આવે છે. જેના ઉપર જનરલ કેટેગરીમાં ૧૫ થી ૨૫ ટકા તથા રિઝર્વ કેટેગરી (SC, ST, મહિલા, દિવ્યાંગ, એક્સ સર્વિસમેન) ને ૨૫ થી ૩૫ ટકા સબસીડી મળવાપાત્ર થાય છે.

આ યોજનાનો લાભ લેવા માટે પાસપોર્ટ ફોટો, આધારકાર્ડ, શાળા છોડયાનો દાખલો / જન્મનું પ્રમાણપત્ર, ગામની વસ્તી નો દાખલો, જાતિનું પ્રમાણપત્ર, અનુભવનો દાખલો / છેલ્લી માર્કશીટની નકલ, ધંધાને લગતા ભાવપત્રક, ધંધાના સ્થળનો આધાર (લાઇટબિલ/ વેરાપહોંચ) જેવા ડોકયુમેન્ટ સાથે https://www.kviconline.gov.in પોર્ટલ ઉપર વિના મૂલ્યે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

પંચમહાલ જિલ્લાના નાગરિકોએ સદર યોજના સંબધિત કોઇપણ પ્રકારની મુશ્કેલી જણાય તો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર,પંચમહાલ કલેકટર કચેરી, કમ્પાઉન્ડ,ગોધરાનો સંપર્ક સાધવાનો રહેશે તેમ મદદનીશ ઉદ્યોગ કમિશનર અને જનરલ મેનેજરશ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, પંચમહાલએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.