Western Times News

Gujarati News

IIM પાંજરાપોળ વચ્ચેના ઓવરબ્રિજના વિવાદનો અંતઃ હાઈકોર્ટે અરજી ફગાવી

અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા રોડ પર બનશે ફ્લાયઓવર

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં આઈઆઈએમથી પાંજરાપોળ વચ્ચે બનનાર ઓવરબ્રિજનો વિવાદ અંગેની જાહેર હિતની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટે ફ્લાય ઓવર બનવાના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો છે. કોર્ટે આ અંગે કારણ આપીને કહ્યું કે, ‘તંત્રના નીતિ વિષયક નિર્ણય પર પોતાનો નિર્ણય ન થોપી શકે.

આ કેસમાં ફ્લાયઓવરના નિર્માણનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેકનિકલ નિષ્ણાતોના રિપોર્ટના આધારે લીધો છે. તેવા કિસ્સામાં ટેકનિકલ અભિપ્રાયને નજરઅંદાજ કરીને કોર્ટ તેને ગેરકાયદે જાહેર કરી શકે નહીં.’

આ તારણ સાથે હાઇકોર્ટે ફ્લાયઓવરના નિર્માણના પગલે વૃક્ષો કપાતા ગ્રીન કવર ઘટશે, બ્રિજ બનાવનારી કંપનીનો રેકોર્ડ ખરાબ છે અને આ વિસ્તારમાં ટ્રાફિક ઘટ્યો સહિતની અરજદારની દલીલો રીતસરની ફગાવી દીધી હતી.

જેના પગલે એએમસીને મોટી રાહત મળી છે. હાઇકોર્ટેની ચીફ જસ્ટિસની ખંડપીઠે ૭૦ પાનાંના ચુકાદામાં અરજદારોની દલીલોની છણાવટ કરી નોંધ્યું છે કે, એએમસી પ્રજાના બહોળા હિત માટે ફ્લાયઓવર બનાવી રહી છે, ત્યારે બ્રિજના નિર્માણથી વૃક્ષો કપાશે અને ગ્રીન કવર ઘટશે એવી દલીલ અપ્રસ્તુત છે. કેમ કે, એએમસી નવા ૩૦ લાખ વૃક્ષો વાવવાની છે.

અરજદારે કોર્ટમાં દલીલ કરી હતી કે, પાછલા વર્ષોમાં પાંજરાપોળ અને આઇઆઇએમ વચ્ચેના રોડ પર ટ્રાફિકમાં ઘટાડો થયો છે. તો કોર્ટે નોંધ્યુ કે માત્ર એ દલીલના આધારે પ્રજાની સુખાકારી માટે બની રહેલાં બ્રિજના નિર્માણને અટકાવવાનો આદેશ કોર્ટ કરી શકે નહીં. ત્રીજું કે બ્રિજના નિર્માણનો કોન્ટ્રાક્ટ મેળવનારી કંપની રણજીત કન્સ્ટ્રક્શન છે, જ્યારે અરજદારોના મોટાભાગના આક્ષેપો રણજીત બિલ્ડકોન વિરૂદ્ધના છે. તેથી અરજદાર ઉક્ત કોઇ પણ દલીલ ટકી શકે એમ ન હોવાથી અરજી ફગાવવામાં આવે છે.

હાઇકોર્ટે ચુકાદાના અંતે નોંધ્યું છે કે, ‘આ જાહેરહિતની અરજીના પગલે બ્રિજના નિર્માણમાં અગાઉથી જ વિલંબ થઈ ગયો છે અને જો હજુ વધુ વિલંબ થશે તો જાહેર નાણાંને નુકસાન થશે અને ખરેખર તો એ જાહેરહિતથી વિપરીત હશે માટે અરજી ફગાવવામાં આવે છે. હાઇકોર્ટેમાં બિસ્માર રસ્તા અને અણઘડ રોડ ડિઝાઇન મુદ્દે સુનાવણી હાથ ધરાઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.