IIM રાયપુર MBA 2025-27 બેચ માટે સ્વતંત્ર પ્રવેશ પરીક્ષા લેશે, CAP 2025માંથી અલગ થવાનો નિર્ણય
રાયપુર, 26 ડિસેમ્બર 2024: #BuildingBusinessOwners માટે જાણીતી અગ્રણી સંસ્થા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) રાયપુરે તેના પ્રતિષ્ઠિત બે વર્ષના એમબીએ પ્રોગ્રામમાં આગામી શૈક્ષણિક સત્રમાં પ્રવેશ પરીક્ષા સ્વતંત્ર રીતે હાથ ધરવાની જાહેરાત કરી છે.
આઇઆઇએમ રાયપુર કોમન એડમિશન પ્રોસેસ (સીએપી) 2025નો ભાગ હશે નહીં અને ઉમેદવારોનું સીધું જ તેમના કેટ (CAT) સ્કોર્સ અને વ્યક્તિગત ઇન્ટર્વ્યુના આધારે મૂલ્યાંકન કરશે. આ પદ્ધતિ સંસ્થાના લક્ષ્ય અને ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.
આ વ્યુહાત્મક પરિવર્તન દ્વારા આઇઆઇએમ રાયપુર સંસ્થાની શિક્ષણ અને મેનેજનેન્ટના શિક્ષણમાં ઇનોવેશન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા અરજદારોને અરજી કરવાનો સરળ અને વ્યક્તિગત અનુભવ પ્રદાન કરશે.
અરજદારોનું શોર્ટ લિસ્ટિંગ જાન્યુઆરી 2025થી શરૂ થશે. પ્રવેશ માટે ઇન્ટર્વ્યુ દેશના આઠ શહેરો મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, લખનૌ, બેંગાલુરુ, નવી દિલ્હી, ગુવાહાટી અને રાયપુર ખાતે યોજાશે. ઇન્ટર્વ્યુની સંભવિત તારીખો 10મી ફેબ્રુઆરી 2025થી 9મી માર્ચ રહેશે. પ્રવેશ ઇચ્છુક ઉમેદવારો લાયકાત માટેના ધોરણો, પસંદગીની પ્રક્રિયા અને માર્ગરેખાઓ સહિતની તમામ વિગતો સત્તાવાર આઇઆઇએમ રાયપુર એડમિશન પોર્ટલ પરથી મેળવી શકશે.
પાછલા વર્ષોમાં મેનેજમેન્ટ માટેની અગ્રણી સંસ્થાએ મહિલા વિદ્યાર્થીઓનો નોંધપાત્ર હિસ્સો (જેન્ડર ઇન્ક્લુઝિવિટી) જાળવી રાખ્યો છે. વર્ષ 2022-24ની બેચમાં સૌથી ઊંચી સીટીસી વાર્ષિક રૂ. 42.29 લાખ, જ્યારે સરેરાશ સીટીસી વાર્ષિક રૂ. 18.15 લાખ રહી હતી. સમૃદ્ધ વારસા અને ઉદ્યોગો સાથે વધતી ઘનિષ્ટતાના પગલે ગયા વર્ષના પ્લેસમેન્ટમાં 116 કંપનીઓ ઉપસ્થિત રહી હતી, જેમાં 38 એકદમ નવી હતી. સંસ્થા સતત એન્જિનિયરિંગ, વિજ્ઞાન, કોમર્સ, આર્ટ્સ, તબીબી, કાયદો, હોટલ મેનેજમેન્ટ સહિત વિવિધ અભ્યાસશાખાઓમાંથી વિદ્યાર્થીઓને આકર્ષી રહી છે.
આઇઆઇએમ રાયપુરના ડિરેક્ટર પ્રો. રામ કુમાર કાકાણીએ જણાવ્યું હતું કે, “અમારી સંસ્થા વિદ્યાર્થીઓ સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. શિક્ષણની ઉત્કૃષ્ટતાની સાથે વિવિધ સાંસ્કૃતિક, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતા ખીલે એવી તકો પ્રદાન કરી રહ્યાં છીએ. સ્વતંત્ર પ્રવેશ પ્રક્રિયાના નિર્ણયથી અમે અરજદારોને વધારે જરૂરિયાત મુજબનો અને સરળ અનુભવ પ્રદાન કરવા માંગીએ છીએ,
જે પ્રતિભાશાળી લોકો અને ઇનોવેશનને પોષવાના અમારા લક્ષ્ય સાથે મેળ ખાય છે. ઉદાહરણ તરીકે ગુવાહાટી અને લખનૌ સહિતના 8 શહેરોમાં થનારા ઇન્ટર્વ્યુ વખતે પેનલમાં ઉદ્યોગનો કમ સે કમ એક પ્રતિનિધિ ઉપસ્થિત રહેશે, જે દેશના છેવાડાના વિસ્તારો સુધી પહોંચવાનો અમારો આશય દર્શાવે છે. અમારી ઉત્કૃષ્ટ ફેકલ્ટી દ્વારા ચલાવવામાં આવતો મુખ્ય એમબીએ પ્રોગ્રામ શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, વૈવિધ્ય, ઉદ્યોગ માટે પ્રાસંગિકતા અને વિશ્વભરમાં વિદ્યાર્થીઓને સિદ્ધિઓ પ્રાપ્ત કરવા સશક્ત બનાવવામાં નવા માપદંડો ઊભા કરે અને સમાજના વ્યાપક વર્ગો સુધી પહોંચે એ સુનિશ્ચિત કરશે.”
આઇઆઇએમ રાયપુરનો બે વર્ષનો મુખ્ય એમબીએ પ્રોગ્રામ બિઝનેસ મેનેજમેન્ટ, એનાલિટિક્સ અને ઇનોવેટિવ થિંકિંગવાળા આગેવાનો તૈયાર થાય એ રીતે કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે. તેના સમૃદ્ધ અને જકડી રાખનારા અભ્યાસક્રમ, ઉદ્યોગલક્ષી પ્રોજેક્ટ અને શિખવા માટેની પ્રયોગાત્મક તકો મારફતે પ્રોગ્રામ સુનિશ્ચિત કરે છે કે વિદ્યાર્થીઓ વેપારની જટિલ સમસ્યાઓનો સામનો કરવા અને વિવિધ ક્ષેત્રોમાં અર્થપૂર્ણ બદલાવ લાવવા સજ્જ બને.