IIT ગાંધીનગરના ડિરેક્ટર પ્રો સુધિર જૈનને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/01/198-1024x683.jpg)
ગાંધીનગર: આઈઆઈટી ગાંધીનગરના ડિરેક્ટર પ્રો સુધિર જૈનને આ વર્ષના પ્રજાસત્તાક દિવસમાં વિજ્ઞાન અને ઇજનેરી ક્ષેત્રે વિશિષ્ટ સેવા આપવા બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે.
ડૉ જૈન હાલમાં આઈઆઈટી ગાંધીનગરના ડિરેક્ટર તરીકે ત્રીજી ટર્મમાં સેવા આપી રહ્યા છે, જેમાં તેઓ જૂન ૨૦૦૯ માં સ્થાપક ડિરેક્ટર તરીકે જોડાયા હતા. તેમણે આ સિદ્ધિને “સમગ્ર સમુદાયના પ્રયત્નો, બલિદાન અને સખત મહેનતની સામૂહિક પ્રશંસા” તરીકે વર્ણવી હતી.
ડૉ જૈન ભૂકંપ એન્જિનિયરિંગના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન અને ઉત્સાહી શૈક્ષણિક સંચાલક છે. તેમણે ૨૦૧૪-૧૮ દરમિયાન ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર અર્થક્વેક એન્જિનિયરિંગના પ્રમુખ તરીકે સેવા આપી હતી. ૨૦૦૩માં તેઓ ઈન્ડિયન નેશનલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગના ફેલો તરીકે ચૂંટાયા, અને ૨૦૧૩માં ન્યુઝીલેન્ડ સોસાયટી ફોર અર્થક્વેક એન્જિનિયરિંગ દ્વારા લાઇફ મેમ્બરશીપ એનાયત કરાઇ.
ડૉ જૈનના નેતૃત્વ હેઠળ, આઈઆઈટી ગાંધીનગરે અભ્યાસક્રમ, વિદ્યાર્થી બાબતો, ફેકલ્ટીની ભરતી, અને સંસ્થાકીય મેનેજમેન્ટમાં ફેકલ્ટી અને વિદ્યાર્થીઓ દ્વારા ઉત્કૃષ્ટતા લાવવા અને પ્રોત્સાહન આપવા માટે અનેક નવીનતાઓની શરૂઆત કરી છે. તેમણે આઈઆઈટી ગાંધીનગરના નવા કેમ્પસના વિકાસની આગેવાની લીધી, જેણે અનેક રાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા છે અને 5-સ્ટાર ગ્રિહા-એલડી રેટિંગ મેળવનાર ભારતનું તે પ્રથમ કેમ્પસ છે.
પ્રજાસત્તાક દિન પર આઈઆઈટી ગાંધીનગર ખાતે ધ્વજવંદન સમારોહમાં ડૉ જૈને કહ્યું: “અગિયાર વર્ષ પહેલાં, આપણને આ દેશની અન્ય સંસ્થાઓ કરતા અલગ રીતે આઈઆઈટી ગાંધીનગરને બનાવવાની તક મળી હતી. આપણે આઈઆઈટી ગાંધીનગરને બંધારણ આપવું પડશે, તે લેખિતમાં હોય તે જરૂરી નથી, પણ મૌખિક અથવા વ્યવહારમાં, આંતરિક રીતે વિચારવા કે કેવી રીતે આપણે જીવવું છે,
આપણા સંબંધોને વિવિધ સ્તરે સંચાલિત કરવા છે, અને આપણી નૈતિકતા જાળવવી જોઈએ. દેશની અન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે આઈઆઈટી ગાંધીનગરને ઉદાહરણ બનાવવા માટે આપણે ઝડપી થવું પડશે, વધુ સુધારણા કરવી પડશે અને તેના દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપવો પડશે.”
ડૉ જૈન રુરકી યુનિવર્સિટીમાંથી ઇજનેરી સ્નાતક, અને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, પાસડેનાથી સ્નાતકોત્તર અને ડોક્ટરલ ડિગ્રી ધરાવે છે. તેમણે ભારતમાં ભૂકંપ એન્જિનિયરિંગ પ્રેક્ટિસ અને શિક્ષણમાં મોટો ફાળો આપ્યો છે. તેઓ ભારતમાં ઘણા મહત્વના સિસ્મિક કોડના વિકાસમાં મદદરૂપ બન્યા છે, અને તેમણે તેમના શિક્ષણ કાર્યક્રમો દ્વારા હજારો વ્યાવસાયિક ઇજનેરો અને કોલેજ શિક્ષકોને ભૂકંપ એન્જિનિયરિંગમાં તાલીમ આપી છે. તેમણે આઈઆઈટી કાનપુર ખાતે નેશનલ ઇન્ફર્મેશન સેન્ટર ઓફ અર્થક્વેક એન્જિનિયરિંગની સ્થાપના કરી અને ભારત સરકાર દ્વારા સપોર્ટેડ, ભૂકંપ એન્જિનિયરિંગ એજ્યુકેશન (એનપીઈઇઇ) પર નેશનલ પ્રોગ્રામ બનાવ્યો.
ડૉ જૈન ઘણા મોટા પ્રોજેક્ટ્સ, જેમ કે બ્રિજ, પેટ્રોકેમિકલ પાઇપલાઇન્સ અને કોંક્રિટ ડેમ માટે સલાહકાર તરીકે સેવા આપી ચૂક્યા છે અને ૧૫૦થી વધુ સ્કૉલરલી પેપર્સ પ્રકાશિત કર્યા છે. તેમના રસના સંશોધન વિષયોમાં નુકસાનકારક ભૂકંપ, રીઈન્ફોર્સ્ડ કોંક્રિટ ઇમારતો, પુલો અને સિસ્મિક કોડ્સનો અભ્યાસ સામેલ છે.