IIT ચેન્નઈને રામમંદિર માટે મજબૂતી ઉપર ધ્યાન રાખવા જવાબદારી સોંપાઈ
મંદિરના નિર્માણમાં નાનામાં નાની ટેકનીકલ ખામીઓની તપાસ થશે
અયોધ્યા, રામ મંદિર નિર્માણનું નિર્માણ શક્ય તેટલી ઝડપથી થાય તેવી મનોકામના દરેક રામ ભક્તોને છે પરંતુ હજુ તેમાં થોડી રાહ જોવી પડી શકે છે. રામ મંદિર નિર્માણ માટે પાયાના ખોદકામનું નિયમિત કામ ૧૫ ઓક્ટોબર બાદ જ શરૂ થવાની શક્યતા છે. હાલમાં આવેલી રિગ મશીનથી હજુ માત્ર ૧ મીટર પહોળો અને ૧૦૦ ફુટ ઊંડો ખાડો ખોદીને તેમાં કોંક્રીટનો મસાલો ભરવામાં આવશે અને એક સ્તંભ તૈયાર થશે. આ સ્તંભની મજબૂતીની તપાસ આઈઆઈટી ચેન્નઈ એક મહિનામાં કરશે.
તેનો તપાસ રિપોર્ટ આવવામાં એક મહિનાનો સમય લાગશે. ત્યારબાદ લગભગ ૧૫ ઓક્ટોબર બાદથી નિયમિત રીતે પાયાના ખોદાણ અને સ્તંભને ભરવાનું કામ શરૂ થશે. આ ઉપરાંત આ ૧૨૦૦ સ્તંભને ખોદી ઊભા કરવા માટે મશીનો પણ લગાવવામાં આવશે. આ જાણકારી રામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે મંગળવારે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રની સાથે અને ટ્રસ્ટના અન્ય પદાધિકારીઓની સાથે થયેલી મીટિંગ બાદ આપી.
ચંપત રાયે જણાવ્યું કે હાલ માત્ર ટેસ્ટ પાઇપિંગ કરવામાં આવશે જે મુજબ એક ૧૦૦ ફુટ ઊંડો ખાડો ખોદીને તેને ભરવાનું કામ કરવામાં આવશે અને તેની મજબૂતીની તપાસ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ચંપત રાયે જણાવ્યું કે, અમે સૌએ એ નક્કી કર્યું છે કે મંદિરના પાયાની ઉંમર મંદિરમાં લાગવામાં આવનારા પથ્થરોથી વધારે હોય.
તેથી આઈઆઈટી ચેન્નઈના ટેકનીકલ એક્સપર્ટ્સ દ્વારા દરેક નાનામાં નાની ટેકનીકલ ખામીઓની તપાસ કરવામાં આવી રહી છે. રાયે જણાવ્યું કે નિર્માણ માટે ટેકનીકલ એક્સપર્ટ્સ એ વાતની ગંભીરતાથી ચર્ચા કરી રહ્યા છે કે નિર્માણ માટે સીમેન્ટ ક્યાંથી મંગાવવામાં આવે. ક્યાંની માટીનો પ્રયોગ કરવામાં આવશે. સાથોસાથ મોરંગની ગુણવત્તા શું હોવી જોઈએ. આ તમામ પર ખૂબ ગંભીરતાથી ચર્ચા ચાલી રહી છે. નિર્માણમાં ૩૯ મહિનાનો સમય લાગી શકશે.