IITF ઇક્વાડોર ઇન્ટરનેશનલ ઓપનમાં માનુષ શાહે ગોલ્ડ મેડલ જીત્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/11/Manush-Shah.jpg)
ગાંધીધામ, આઇટીટીએફ ઇક્વાડોર ઇન્ટરનેશનનલ ઓપનમાં માનુષ શાહે શાનદાર દેખાવ કરીને ત્રણ મેડલ જીત્યા હાત. વડોદરાના 20 વર્ષીય માનુષે મેન્સ સિંગલ્સ ટાઇટલ જીતવા ઉપરાંત મેન્સ ડબલ્સમાં સિલ્વર તથા મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
મેન્સ સિંગલ્સની ફાઇનલમાં છઠ્ઠા ક્રમના માનુષે મેક્સિકોના જુઆન જીસસ ગોમેઝની સફળ આગેકૂચને અટકાવીને તેને 11-7, 11-9, 11-13, 11-7, 11-9થી હરાવીને ટાઇટલ જીત્યું હતું.
દરમિયાન મેન્સ ડબલ્સમાં માનુષ અને સાનિલ શેટ્ટીની મોખરાના ક્રમની જોડીએ સંઘર્ષ કરવો પડ્યો હતો અને ફાઇનલમાં તેમનો ચોથા ક્રમની મેક્સિકન જોડી ગોમેઝ અને ડારિયો આર્સે સામે 7-11, 11-4, 11-3, 9-11, 8-11થી પરાજય થયો હતો.
મિક્સ ડબલ્સમાં માનુષ અને અંકિતા દાસની જોડી રમી હતી જ્યાં ત્રીજા સ્થાન માટેની મેચમાં મેક્સિકોની બીજા ક્રમની આર્સે અને ક્લિયો બાર્સેનાસની જોડી સામે 7-11, 9-11, 11-9, 5-11થી પરાજય થતાં તેઓ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
માનુષની સિદ્ધિ અંગે આનંદ વ્યક્ત કરતાં ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ)ના પ્રમુખ શ્રી વિપુલ મિત્રા (આઇએએસ)એ જણાવ્યું હતું કે “આપણા માનુષ શાહને આ સિદ્ધિ બદલ હૃદયપૂર્વક અભિનંદન. જ્યાં સ્પર્ધા પડકારજનક હતી તેવી આ ટુર્નામેન્ટમાં એક ગોલ્ડ સહિત ત્રણ મેડલ જીતવા તે તેની પ્રતિભા અને આકરી મહેનતનો પરિચય આપે છે. જીએસટીટીએ તેના આ સ્ટાર ખેલાડી પ્રત્યે ગૌરવ અનુભવે છે જેણે વિશ્વકક્ષાએ પ્રતિભા ચમકાવવાનો પ્રારંભ કર્યો છે.