૧.૮૫ કરોડનો ધૂમાડો કરીને અમેરિકા પહોંચેલા કલોલના પરિવાર સાથે ભયાનક કાંડ થયો
પંજાબી ફેમિલી પાસેથી તેના એજન્ટે એક મેમ્બરના ૨૫ લાખ લીધા હતા, જ્યારે કનુભાઈના ગુજરાતી એજન્ટે એક મેમ્બરની ૬૦ લાખ રૂપિયાથી પણ વધુ રકમ વસૂલી હતી
૩૫ દિવસમાં અમેરિકા પહોંચેલી ફેમિલીને એજન્ટ સાથે અનેકવાર મોટા ઝઘડા થયા
અમદાવાદ,ઈલીગલી અમેરિકા જવામાં કેટલું જાેખમ છે તેનાથી કોઈ અજાણ નથી, અમેરિકામાં જઈને પણ કેવી-કેવી તકલીફ અને અપમાન સહન કરવા પડે છે તે પણ ગુજરાતીઓ સારી રીતે જાણે છે. જાેકે, જેમના સંબંધી કે ફેમિલીમાંથી કોઈ અમેરિકા રહેતાં હોય તે લોકો તેમનાં ભરોસે ત્યાં જવા માટે તૈયાર થઈ જતાં હોય છે અને તેના માટે લાખો રૂપિયાનો ખર્ચ પણ કરી નાખતા હોય છે.illegal border crossing usa
પરંતુ અમેરિકામાં પગ મૂક્યા બાદ ઘણાં લોકોની જિંદગી નર્ક બની જાય છે, અને તેમની સ્થિતિ ના ઘરના કે ના ઘાટના જેવી થાય છે. કલોલના એક સુખી-સંપન્ન પરિવારે પોતાને થયેલા આવા જ એક ભયાનક અનુભવને શેર કર્યો છે, જે ગેરકાયદેસર અમેરિકા જવા માગતા કોઈપણ વ્યક્તિ કે ફેમિલી માટે ચેતવણીરૂપ છે. કલોલમાં રહેતા કનુભાઈ માર્ચ ૨૦૨૩માં પોતાના ૧૬ વર્ષના દીકરા અને પત્ની સાથે અમેરિકા જવા માટે નીકળ્યા હતા, જેના માટે તેમણે કલોલના જ એક એજન્ટ સાથે ૧.૮૫ કરોડ રૂપિયામાં ડીલ કરી હતી.
એજન્ટે કનુભાઈને વાયદો કર્યો હતો કે તેમને રસ્તામાં કોઈ તકલીફ નહીં પડે, અને તેના માટે કનુભાઈએ પાંચ લાખ રૂપિયા વધારાના પણ ચૂકવ્યા હતા. જાેકે, ૧૮ માર્ચના દિવસે ઈન્ડિયાથી રવાના થયેલા કનુભાઈનો ખરાબ સમય પોતાનું વતન છોડ્યાના ગણતરીના દિવસોમાં જ શરૂ થઈ ગયો હતો. કનુભાઈની ફેમિલીને એજન્ટે અમદાવાદથી પહેલા અબુધાબી અને ત્યારબાદ તુર્કી મોકલ્યું હતું. અબુધાબીમાં તેમનો માત્ર એક જ દિવસનો સ્ટે હતો, તેમની ફેમિલીને તુર્કીના બે મહિનાના ટુરિસ્ટ વિઝા મળ્યા હતા પરંતુ એજન્ટે તેમને વાયદો કર્યો હતો કે વધુમાં વધુ એકાદ અઠવાડિયામાં જ તેમને તુર્કીથી મેક્સિકો પહોંચાડી દેવામાં આવશે.
કલોલનું આ ફેમિલી અમદાવાદથી રવાના થયું ત્યારે તેમને એજન્ટે ૫૦૦ અમેરિકન ડોલર અને ૨૦ હજાર યુરો કેશ આપ્યા હતા. આ ૨૦ હજાર યુરો તેમને તુર્કીમાં લેન્ડ થતાં જ ત્યાંના એજન્ટના માણસને આપી દેવાના હતા. તેમને એવું પણ શીખવવામાં આવ્યું હતું કે જાે એરપોર્ટ પર કોઈ કેશને લઈને સવાલ કરે તો એવો જવાબ આપવાનો છે કે તેઓ ક્રેડિટ કાર્ડ યુઝ ના કરતા હોવાથી કેશ લઈને તુર્કી ફરવા જઈ રહ્યા છે.
તુર્કી એરપોર્ટ પર કનુભાઈને ચાર સભ્યોનું એક પંજાબી ફેમિલી મળ્યું હતું, જે ૧ કરોડ રૂપિયામાં અમેરિકા જવાનું હતું. આ પંજાબી ફેમિલી પાસેથી તેના એજન્ટે એક મેમ્બરના ૨૫ લાખ લીધા હતા, જ્યારે કનુભાઈના ગુજરાતી એજન્ટે એક મેમ્બરની ૬૦ લાખ રૂપિયાથી પણ વધુ રકમ વસૂલી હતી. જાેકે, એજન્ટને પાંચ લાખ વધુ આપીને અમેરિકા જવા નીકળેલા કનુભાઈને એમ હતું કે અબુધાબીની માફક તુર્કીમાં પણ તેમના રહેવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હશે
, પરંતુ તુર્કીમાં લેન્ડ થયેલા કનુભાઈને એરપોર્ટથી જ્યારે એક ફ્લેટમાં લઈ જવાયા ત્યારે ત્યાંની સ્થિતિ જાેઈને તેમના પરિવારના મોતિયા મરી ગયા હતા. તુર્કીમાં જે નાનકડા 2 BHK ફ્લેટમાં કનુભાઈને ઉતારો આપવામાં આવ્યો હતો ત્યાં વીસથી પણ વધુ લોકો પહેલાથી જ રહેતા હતા. ફ્લેટના હોલમાં જ્યાં જગ્યા મળે ત્યાં ગાદલાં પાથરવામાં આવ્યા હતા, એક બેડરૂમમાં છ-આઠ લોકો સૂતા હતા અને જ્યાં જુઓ ત્યાં બસ ગંદકી જ ગંદકી હતી.