Western Times News

Gujarati News

સરખેજમાં બુટલેગર બાબુ રાઠોડનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું

પ્રતિકાત્મક

રાજ્યભરમાં અસામાજિક તત્ત્વોના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવવાનું શરૂ

(એજન્સી)અમદાવાદ, અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વોની દાદાગીરી બાદ તંત્ર અને સરકાર દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. હોળીની રાત્રે અમદાવાદના વસ્ત્રાલમાં અસામાજિક તત્ત્વો દ્વારા તલવારો અને છરી વડે સામાન્ય નાગરિકોને હેરાન કરી આતંક મચાવનારા દ્રશ્યો સામે આવ્યા હતાં. ત્યારબાદ જાણે પોલીસ સફાળી જાગી છે અને અને રાજ્યના તમામ અસામાજિક તત્ત્વોની શાન ઠેકાણે લાવવાનું બીડું ઝડપ્યું છે.

રાજ્યની પોલીસે ૧૦૦ કલાકની અંદર તમામ અસામાજિક તત્ત્વોની શોધી કાઢવાનું નક્કી કર્યું હતું. જ્યારે પોલીસે રાજ્યભરમાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કુલ ૭૬૧૨ શખ્સોની યાદી તૈયારી રાજ્યભરમાં જુદી જુદી જગ્યાએ ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરી છે. અમદાવાદ, ભાવનગર, જામનગરના સહિતના અનેક શહેરમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યાં છે.

અમદાવાદના સરખેજ, સરદારનગર, જીમખાના, દરિયાપુર વિસ્તારોમાં પોલીસ તંત્ર અને કોર્પોરેશનના અધિકારીઓની હાજરીમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ) દ્વારા આવા ૧૫ બુટલેગરોની ગેરકાયદે મિલકત અને બાંધકામ અંગેની યાદી જાહેર કરી છે

અને તેના પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. જેને પગલે અમદાવાદના સરખેજમાં લિસ્ટેડ બુટલેગર બાબુ રાઠોડનું ગેરકાયદે બાંધકામ તોડી પાવામાં આવ્યું છે. આ ડિમોલિશન પોલીસની હાજરીમાં કરાયું હતું. નોંધનીય છે કે, બાબુ રાઠોડ સામે ડ્રગ્સ, મારામારી સહિત ૨૩ ગુનાઓ નોંધાયા છે.

તો બીજી તરફ જામનગરમાં એસ્ટેટ વિભાગ અને પોલીસ બંદોબસ્ત સાથે કાલાવાડ નાક નજીક ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આગામી સમયમાં શહેરના અનેક વિસ્તારોમાં દબાણ દૂર કરશે. વડોદરા શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્ત્વો સામેની ઝુંબેશ બુધવારે બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી અને કુલ ૨ હજારથી વધુ લોકોને તપાસવામાં આવ્યા હતા.

પોલીસે આજે પણ ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના ૨૧ કેસ કર્યા હતા અને ૧૦૯ વાહનો ડીટેન કર્યા હતા. ગોરવા વિસ્તારમાં ચંદ્રસિંહ નામના શખ્સ સામે દારૂના ધંધા અંગેના અડધો ડઝન જેટલા કેસ કરવામાં આવ્યા હતા. આ માટે ગેરકાયદે બનાવેલા કાચા મકાનનો ઉપયોગ કરવામાં આવતો હોવાની માહિતી મળતાં આ મકાન પર બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

સમગ્ર રાજ્યમાં અમદાવાદ શહેરમાં ૨૫, ગાંધીનગરમાં ૬, વડોદરા શહેરમાં ૨, સુરતમાં ૭, મોરબીમાં ૧૨ એમ, કુલ ૫૯ લોકો સામે પાસા કરેલ છે, ૧૦ ઇસમો વિરુદ્ધ હદપાર કરી છે. ૭૨૪ ઇસમો વિરૂદ્ધ અટકાયતી પગલાં લેવાયા છે. ૧૬ ગેરકાયદેસર મકાનોમાં ડીમોલેશન કરાયા છે.

૮૧ વીજ ચોરીના ગેરકાયદેસર કનેક્શન દૂર કરાયા છે. આગામી સમયમાં આશરે ૧૦૦ પાસા, ૧૨૦ હદપારી, ૨૬૫ અટકાયતી પગલાં, ૨૦૦ જેટલા ડીમોલેશન અને ૨૨૫ જેટલા ગેરકાયદેસર વીજ જોડાણો દૂર કરાશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ ગુનાહિત પ્રવૃત્તિ કરનારા ૭૬૧૨ શખ્સોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. જેમાં ૩૨૬૪ બુટલેગરો, ૨૧૪૯ શરીર સંબંધિત ગુનો કરનાર, ૯૫૮ મિલકત સંબંધિત ગુનો કરનાર, ૫૧૬ જુગારીયા અને ૫૪૫ અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ કરનાર શખ્સોની યાદી તૈયાર કરી છે. ત્યારબાદ આ તમામ શખ્સો વાચ રાખવાની સાથે તેમના ગેરકાયદે દબાણો, વીજ જોડાણ, શંકાસ્પદ આર્થિક વ્યવહાર સહિતની તપાસ કરવામાં આવશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.