ગાંધીનગર પાલિકાની ટીમ દ્વારા ક-૭ થી ખ-૭ રોડ પર દબાણ હટાવાયા
(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગાંધીનગર મહાનગરપાલિકા ની દબાણ શાખા દ્વારા શહેરના વિસ્તારોની અંદર ગેરકાયદે દબાણો દૂર કરવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત દબાણ શાખાની ટીમ દ્વારા આજે શહેરના ક-૭ થી ખ-૭ રોડ પર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. આજરોજ ક-૭ થી ખ-૭ ડી માર્ટ રોડ પરના ગેરકાયદે ઊભા કરેલ દબાણો દૂર કરી રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો.
ઉપરાંત મહાનગરપાલિકા અંતર્ગત આવતા પેથાપુર ગામમાં પણ ટીપી -૧૬નો રોડ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. ગ્રામજનોને અવર-જવરમાં મુશ્કેલી પડતી હોવાથી રસ્તો ખુલ્લો કરવાને લઈ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. બપોર બાદ સેક્ટર ૨૧ શાક માર્કેટ ફરતેના દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા.
જેમાં ખાસ કરીને શાક માર્કેટની આજુબાજુ ફળોની લારીઓ તેમજ કપડાના વેપારીઓ દ્વારા વાન લઈને ઊભા કરવામાં આવેલ દબાણ દૂર કરાયા હતા. આ ઝુંબેશ દરમિયાન ૨ લારી, ૨૫ પ્લાસ્ટિક સ્ટૂલ, ૨ ચાદર તેમજ ૩ મોટા વાંસ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
છેલ્લા ઘણા સમયથી ઊભા થયેલા દબાણોને કારણે શહેરીજનોને હલાકીનો સામનો કરવો પડતો હતો. ફરી આ સ્થળે દબાણો ન થાય અને થશે તો તે અંગે મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના પણ આપવામાં આવી હતી.