સિંધુ ભવન રોડ પર ગ્રીનફિલ્ડ સોસાયટીમાં ગેરકાયદેસર બાંધકામ કરી ભાડે આપવામાં આવ્યું હતું

(પ્રતિનિધિ) અમદાવાદ, રાજયના પોલીસ વડા દ્વારા ગુનેગારોના લિસ્ટ તૈયાર કરી અને તેમના ગેરકાયદેસર બાંધકામ હોય તો તેને તોડી પાડવાની સૂચના આપ્યા બાદ અમદાવાદ સહિત વિવિધ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામોને તોડવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે.
શહેરના સૌથી પોશ વિસ્તાર ગણાતા અને કરોડપતિ આરોપી એવા ગિરીશ ઉર્ફે ટોમી પટેલના અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર આવેલા ગેરકાયદેસર બાંધકામ તોડવા માટેની નોટિસ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે. સિંધુ ભવન રોડ ઉપર પોશ બંગલા ગણાતા એવા ગ્રીનફિલ્ડ સોસાયટીમાં 40 નંબરના બંગલામાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરી દેવામાં આવ્યું હતું અને તેને ભાડે આપવામાં આવ્યો હતો.
આ બંગલામાં ગેરકાયદેસર રીતે સ્ટુડિયો જેવું ઊભું કરી અને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું જેને તોડી પાડવા માટે લિસ્ટમાં નામ આવતા ની સાથે જ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ધૂન વિભાગ દ્વારા તેને નોટિસ આપી દેવામાં આવી હતી.
નોટિસ મળતાની સાથે જ જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું તેને દૂર કરવાની પ્રક્રિયા જાતે જ શરૂ કરી દેવામાં આવી હતી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે શુક્રવારે ગેરકાયદેસર બાંધકામ અંગેની બીજી નોટિસ પણ તેને આપવામાં આવનાર છે જો ત્રણથી ચાર દિવસમાં તે જાતે દૂર નહીં થયું હોય તો કોર્પોરેશન દ્વારા તેને તોડી પાડવામાં આવશે.