ગુજરાતના ૧૧ સ્થળો ગેરકાયદે ઈમિગ્રેશન માટે હોટસ્પોટ છે

ડિંગુચાનો પરિવાર કેનેડાની બોર્ડર ક્રોસ કરીને યુએસ જવાના પ્રયાસમાં હતો ત્યારે હાડથીજવતી ઠંડીમાં થીજી જવાના કારણે તેમના મોત થયા હતા
અમદાવાદ, ડિંગુચાની ઘટના પછી ગુજરાતમાં માનવ તસ્કરીના રેકેટને ખુલ્લા પાડવાની ગતિવિધિ તેજ કરવામાં આવી છે અને અમેરિકામાં પણ ઈમિગ્રેશનની સમસ્યાઓએ જાેર પકડ્યું છે. રાજ્યની પોલીસ અને કેંદ્રીય એજન્સીઓ ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટોને જેલના સળિયા પાછળ ધકેલવા માટે એડીચોટીનું જાેર લગાવી રહી છે.
ગુજરાત પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓએ ઉત્તર ગુજરાતમાં ઓછામાં ઓછા ૧૧ હોટસ્પોટ શોધી કાઢ્યા છે જે ગેરકાયદે ઈમિગ્રેશનનો ગઢ છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડિંગુચા, નારદીપુર, લીમડાવાસ અને ખાળવા તેમજ મહેસાણા જિલ્લાના વીજાપુર, ટુંડલી, ભાદોલ, અદુંદરા, ધનાળી, અમદાવાદના સોલા સાયન્સસિટી રોડ અને ભાડજનું નામ હોટસ્પોટની યાદીમાં છે.
જાન્યુઆરી મહિનામાં ડિંગુચાનો પરિવાર કેનેડાની બોર્ડર ક્રોસ કરીને યુએસ જવાના પ્રયાસમાં હતો ત્યારે હાડથીજવતી ઠંડીમાં થીજી જવાના કારણે તેમના મોત થયા હતા. મૃતકોમાં બે બાળકો પણ હતા. આ ઘટના પ્રકાશમાં આવ્યા પછી ગુજરાત પોલીસે માનવ તસ્કરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
આ કેસની તપાસ સાથે સંકળાયેલા એક ઓફિસરે વાત કરતાં કહ્યું, “અમે કેટલાક માનવ તસ્કરોની ધરપકડ કરી છે અને અન્યો પર અમારી ચાંપતી નજર છે. તાજેતરમાં જ અમે દિલ્હી દરવાજામાં એક શખ્સ અને તેના બે પુત્રો દ્વારા ચલાવાતી ઓફિસ પર દરોડા પાડ્યા હતા.
ત્યાંથી અમને બનાવટી સરકારી દસ્તાવેજાે મળી આવ્યા હતા જેનો ઉપયોગ પાસપોર્ટ અને વિઝા મેળવવા માટે કરવામાં આવ્યો હતો. છેલ્લા ચાર વર્ષમાં આવા દસ્તાવેજાે થકી આશરે ૧૦૦૦ લોકો ગેરકાયદેસર રીતે યુએસ ગયા છે. સત્તાધીશોએ એવા પરિવારોની યાદી અલગ તારવી છે જેમણે યેનકેન પ્રકારે યુએસ જવાનો પ્રયાસ કર્યો છે
અથવા તો હાલ યુએસ પહોંચવા માટે નીકળ્યા છે અને રસ્તામાં છે. ઓફિસમાંથી મળેલી ફાઈલોનું વિશ્વેષણ કરતાં જાણવા મળ્યું કે, મુખ્યત્વે મહેસાણા અને ગાંધીનગરના નવ સ્થળોએથી લોકોને ગેરકાયદે રીતે યુએસ મોકલવામાં આવતા હતા. અમદાવાદના સોલા સાયન્સ સિટી રોડ અને ભાડજ પણ આ યાદીમાં સામેલ અન્ય બે સ્થળો છે.
રાજ્યમાં કે મુંબઈ અથવા દિલ્હી એરપોર્ટ અથવા વિદેશમાંથી જ્યારે પણ ગેરકાયદે ઈમિગ્રેશનનો કોઈ કિસ્સો સામે આવે ત્યારે મોટાભાગે આ ૧૧ સ્થળો રડાર પર હોય છે. આ વિસ્તારોમાં કેટલાય માનવ તસ્કરો સક્રિય છે”, તેમ અધિકારીએ વધુમાં ઉમેર્યું.
અધિકારીએ વાત આગળ વધારતાં કહ્યું, “કુખ્યાત માનવ તસ્કર ભરત ઉર્ફે બોબી અમદાવાદમાં હોવાની બાતમી મળી હતી. ડિંગુચાના પરિવારને ગેરકાયદેસર રીતે યુએસ મોકલવામાં કથિત રીતે ભરત પટેલ અને તેના દિલ્હીના સાગરિત ચરણજીત સિંહની સંડોવણી છે.”
ઉલ્લેખનીય છે કે, ૩૫ વર્ષીય જગદીશ પટેલ, તેમના ૩૩ વર્ષીય પત્ની વૈશાલી, ૧૨ વર્ષની પુત્રી વિહંગા અને ૩ વર્ષનો દીકરો ધાર્મિક ૧૯ જાન્યુઆરીએ અમેરિકાની બોર્ડરથી ફક્ત ૧૨ કિલોમીટર દૂર ઠંડીમાં થીજી જવાને લીધે મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બાદ યુએસ અને કેનેડાની એજન્સીઓએ ગુજરાત પોલીસનો સંપર્ક કર્યો હતો. ગુજરાતમાંથી થતાં ગેરકાયદે ઈમિગ્રેશનને નાથવામાં તેમણે ગુજરાત પોલીસની મદદ માગી હતી.