9 ભેંસોને ગેરકાયદેસર લઈ જતી ટ્રક ઝડપાઈ
પોલીસે કુલ રૂ.૧૬ લાખ ૯૦ હજારનો મુદ્દામાલ કબજે લઈને ચાર ઈસમો સામે ગુનો નોંધ્યો
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકથી પોલીસે ૯ જેટલી ભેંસોને લઈ જતી એક ટ્રક પકડીને આ ગુના હેઠળ કુલ ચાર ઈસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.
રાજપારડી પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે ભાલોદ તરફથી એક ટ્રક ગેરકાયદેસર રીતે પશુઓ ભરીને આવે છે.પોલીસે રાજપારડીથી ભાલોદ જવાના રસ્તા પર આવેલ માધુમતિ નદીના નાળા પાસે વોચ ગોઠવી હતી.બાતમી મુજબની ટ્રક આવતા પોલીસે તેને રોકીને તપાસ કરતા ટ્રકમાં ભેંસો ભરેલ જણાઈ હતી.
ટ્રકમાં ભેંસોને હવા ઉજાશ ના મળે તેમ બાંધેલી હતી.તેમજ પશુઓ માટે ઘાસચારાની કે પાણીની કોઈ સગવડ રાખેલી નહતી.ટ્રક ડ્રાઈવરનું નામ પુછતા તેનું નામ મુસરાન ફકીરા મુલ્તાની હોવાનું જણાવ્યું હતું.આ ભેંસો મહારાષ્ટ્ર ખાતે લઈ જવાની હતી.તપાસ દરમ્યાન ભેંસો લઈ જવા માટેની કોઈ પાસ પરમીટ મળી ન હતી.
ગાડીના માલિક મહંમદભાઈ માનસાભાઈ મુલ્તાનીએ જણાવ્યું હતુંકે તરસાલી ખાતે રહેતા મકદુમભાઈ પાસેથી આ ભેંસો ભરીને નેત્રંગ થઈ મહારાષ્ટ્ર લઈ જવાની હતી.રાજ્ય માંથી ભેંસો તેમજ દુધાળા પશુઓની રાજ્ય બહાર નિકાસ બંધ હોવાથી રાજ્ય સરકારની મંજુરી મેળવીને રાજ્ય બહાર પશુઓ લઈ જવા સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર જરુરી હોવા છતાં તેવું કોઈ પ્રમાણપત્ર પણ મળ્યું નહતું.
પોલીસે ટ્રકમાં લઈ જવાતી કુલ નવ નંગ ભેંસ જેની કિંમત રૂ.૧,૮૦,૦૦૦, ટ્રકની કિંમત રૂ.૧૫ લાખ તેમજ બે મોબાઈલ કિંમત રૂ.૧૦ હજાર મળીને કુલ રૂ.૧૬,૯૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈને મુસરાન ફકીરા મુલ્તાની રહે.ઝંખવાવ જી.સુરત, અમનભાઈ અજીતભાઈ મુલ્તાની રહે. ઝંખવાવ જી.સુરત, મહંમદભાઈ માનસાભાઈ મુલ્તાની રહે. ઝંખવાવ જી.સુરત તેમજ મકદુમભાઈ રહે.તરસાલી તા.ઝઘડિયા જી.ભરૂચના વિરૂધ્ધ રાજપારડી પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.