સરદાર પટેલના આદેશ બાદ તરત જ લક્ષદ્વીપમાં ભારતીય રાષ્ટ્ર ધ્વજ ફરકાવી દેવામાં આવ્યો હતો
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી નાના કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપની મુલાકાત લીધા બાદ લક્ષદ્વીપના ટાપુઓ ભારતીય અને આંતરરાષ્ટ્રીય ટૂરિસ્ટ્સમાં ચર્ચાનો વિષય બન્યા છે. માલદિવનાં મંત્રીઓએ કરેલી પીએમ મોદી અને લક્ષદ્વીપની ટીકા બાદ ભારત અને માલદીવ્સ વચ્ચે રાજદ્વારી વિવાદ ફાટી નીકળ્યો છે.
પીએમ મોદીના લક્ષદ્વીપ પ્રવાસને લઈને માલદીવ કેટલાક મંત્રીઓએ ભારત અને પીએમ મોદી વિરુદ્ધ કરેલી વિવાદાસ્પદ ટીપ્પણીઓનું માલદીવને ભારે નુક્શાન થઈ રહ્યું છે. ભારતે આપત્તિ જતાવ્યા બાદ માલદીવે મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપનારા ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા છે. તેમ છતાં બંને દેશો વચ્ચેનો વિવાદ અટક્યો નથી. પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાત બાદ અહીંના ટાપુઓની કિસ્મત જ બદલાઈ ગઈ છે.
લક્ષદ્વીપ પ્રશાસનને આવનારા દિવસોમાં આશરે રૂ. ૨૦,૦૦૦ કરોડના રોકાણની આશા રાખે છે, જે તેને માલદીવની સમકક્ષ લાવશે. આ ઉપરાંત પીએમ મોદીનીની મુલાકાત બાદ લક્ષદ્વીપ ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવતું ભારતીય સ્થળ બન્યું છે.
લક્ષદ્વીપનો ઇતિહાસ પીએમ મોદીએ ઓક્ટોબર ૨૦૧૯માં ‘મન કી બાત’માં કહ્યું હતું કે કેવી રીતે ભારતના ‘લોહ પુરુષ’ સરદાર પટેલે હૈદરાબાદ અને જૂનાગઢ જેવા વિખરાયેલા રાજવાડાંને જ નહીં, પરંતુ લક્ષદ્વીપને પણ પાકિસ્તાનથી બચાવ્યું હતું. જો ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત તો આ ભારતીય ટાપુઓ પાકિસ્તાને જીતી લીધા હોત. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરદાર પટેલના યોગદાનથી બ્રિટિશ પછીના ભારતને આકાર આપવામાં મદદ મળી હતી.
૧૯૪૭ના ભાગલા પછી પાકિસ્તાન આ ટાપુઓન સમૂહને કબજે કરવા માંગતું હતું. ત્યારે સરદાર પટેલે કંઈક એવું કર્યું કે લક્ષદ્વીપ પાકિસ્તાનના હાથમાંથી સરકી ગયું. રિપોર્ટમાં જણાવાયું છે કે, ૯૩ ટકા મુસ્લિમ વસ્તી ધરાવતું લક્ષદ્વીપ પર પાકિસ્તાનની સ્થાપના કરનાર મુસ્લિમ લીગના વડા મોહમ્મદ અલી જિન્નાની નજર હતી.
હૈદરાબાદ, જૂનાગઢ, કાશ્મીર, ત્રાવણકોર જેવા ભારતીય રાજ્યો પાકિસ્તાનના હિસ્સે જવાના હતા. જોકે, સરદાર વલ્લભભાઈ પટેલના કુશળ નેતૃત્વના કારણે આવું ન થયું, પરંતુ તે દરમિયાન કોચીથી ૪૯૬ કિલોમીટર દૂર આવેલ ટાપુઓ ભાગલાથી દૂર રહી ગયું. જિન્ના ભાગલા પછી આ સુંદર ટાપુઓને કબજે કરવા માંગતા હતા, પરંતુ સરદાર પટેલની તત્પરતાના કારણે લક્ષદ્વીપ ભારતનો ભાગ જ બની રહ્યો. તેમણે દેશના અન્ય નાયકો સાથે મળીને પાકિસ્તાનનો પ્લાન ફેલ કરી દીધો.
ઉલ્લેખનીય છે કે, લક્ષદ્વીપ ટાપુઓ દક્ષિણ ભારતના મલબાર કિનારે આવેલા છે. રિપોર્ટ્સ અનુસાર, સરદાર પટેલ લક્ષદ્વીપ ટાપુઓના વ્યૂહાત્મક મહત્વને સમજ્યા અને દક્ષિણ ભારતના અધિકારીઓને આ ટાપુઓ પર સુરક્ષા સૈનિકો સાથે જહાજ મોકલવા વિનંતી કરી હતી. રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાને લક્ષદ્વીપને કબજે કરવા માટે એક જહાજ પણ તૈનાત કરી દીધું હતું. જોકે, સરદાર પટેલના આદેશ બાદ તરત જ લક્ષદ્વીપમાં ભારતીય રાષ્ટ્ર ધ્વજ ફરકાવી દેવામાં આવ્યો હતો. જેને લઈને પાકિસ્તાની જહાજને પોર્ટ પર પરત ફરવાની ફરજ પડી હતી.SS1MS