ઇમ્પેક્ટ કાયદામાં ASI અને પાર્કિંગના નિયમોમાં છૂટછાટ આપવા કોંગી ધારાસભ્યની માંગણી
એન્શીયન્ટ મોન્યુમેન્ટ હિસાબે ઓફિસીઅલ બાંધકામના પ્લાન પણ મંજૂર થતાં નથી
( પ્રતિનિધિ) અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવા માટે ઇમ્પેક્ટ ફી ના કાયદા નો અમલ ચાલી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ઇમ્પેક્ટ ફી અંતર્ગત લાખો ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે અરજીઓ મળી છે, પરંતુ કડક કાયદાના કારણે અનેક અરજીઓ મંજૂર થતી નથી.
ખાસ કરીને અમદાવાદના કોટ વિસ્તારમાં 70 ટકા મિલકતો ઐતિહાસિક ઇમારતોની આસપાસ આવેલી છે, જેના કારણે ઇમ્પેક્ટ અંતર્ગત બાંધકામના પ્લાન મંજૂર થતા નથી. તેથી આર્કોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના અને પાર્કિંગના નિયમો ગુડા એક્ટમાં બદલવા જમાલપુરના કોંગી ધારાસભ્યએ માંગણી કરી છે.
જમાલપુર ના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા એ જણાવ્યું હતું કે અગાઉ ગુડા એક્ટ ૨૦૧૧ માં ફક્ત અમદાવાદ શહેરમાં જ પાંચ લાખ કરતાં વધારે ગુડાની અરજીઓ આવી હતી જે પૈકી અઢી લાખ કરતાં વધારે બાંધકામો નિયમિત થયા હતા જ્યારે અત્યારે આ આંકડો ૧૦ માં ભાગનો જ છે માટે અગાઉના ગુડા એક્ટનો અભ્યાસ અમલી બનાવવા જોઈએ તો ગુડા એક્ટ હેઠળ નિયમિત થતાં બાંધકામો ની સંખ્યા વધી શકે, આ બાબતમાં ગુડા એક્ટમાં ભરવાની થતી રકમો પણ ઘણી મોટી છે.
જેથી જાહેર જનતા ફી ભરવામાં ઉદાસીન વલણ અપનાવે છે ખાસ કરીને અમદાવાદ શહેરના કોટ વિસ્તારના કુલ વિસ્તારનો ૭૦% જેટલો વિસ્તાર એન્શીયન્ટ મોન્યુમેન્ટ હિસાબે ઓફિસીઅલ બાંધકામના પ્લાન પણ મંજૂર થતાં નથી જે ગુડા એક્ટ ૨૦૨૨ હેઠળ મંજૂર થતાં નથી જેથી ઘણી બધી અરજીઓ રદ થવાની પાત્ર થઈ રહી છે. (ASI NOC ને લીધે) હવે જ્યારે એન્સીયન્ટ મોન્યુમેન્ટની નજીકમાં આ બાંધકામો થઈ જ ગયા છે
તો તેઓને ગુડા એક્ટ એન્શીયન્ટ મોન્યુમેન્ટ ના કાયદામાં અગાઉ જેવો સુધારો કરી ગુડા એક્ટ ૨૦૨૨ માં તે પ્રમાણે સુધારો થાય તો ઘણા બધા બાંધકામો નિયમિત થઈ શકે તેમ છે અને પાર્કિંગની ફી માં પણ સુધારો કરાય તો સાચા અર્થમાં ગુડા એક્ટ ૨૦૨૨ સફળ થાય અને ઘણા બધા બાંધકામો નિયમિત થઈ શકે તેમ છે.
અત્રે નોંધનીય છે કે કોટ વિસ્તાર ને ગેરકાયદેસર બાંધકામ નું એ.પી.સેન્ટર માનવામાં આવે છે. અહીં ખૂબ જ મોટી સંખ્યામાં અન અધિકૃત બાંધકામ થઈ ગયા છે પરંતુ ગુડા એકટ અંતર્ગત કોટ વિસ્તારમાંથી ખૂબ જ ઓછી અરજીઓ તંત્રને મળી રહી છે જેના માટે એ.એસ.આઈ ના નિયમ અને પાર્કિંગની અપૂરતી જગ્યા હોવાનું માનવામાં આવે છે.