Western Times News

Gujarati News

અંકલેશ્વર પાસે આમળા ખાડી ઓવરફલો થતાં હાઈવે પરના વાહન વ્યવહારને અસર

અંકલેશ્વર, અંકલેશ્વર તાલુકામાં છેલ્લા ર૪ કલાકમાં ૩ ઈંચ વરસાદ પડતા નદી-નાળા છલકાયા હતા ત્યારે અંકલેશ્વર પાસેથી પસાર થતી આમળા ખાડી ઓવરફલો થતા અંકલેશ્વર-હાંસોટ રાજય ધોરી માર્ગ ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો.

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે અંકલેશ્વર શહેર પાસેથી પસાર થતી આમળાખાડી ઓવરફલો થતા અંકલેશ્વરથી હાંસોટ, સુરતને જાેડતા સ્ટેટ હાઈવે પર કડકિયા કોલેજ પાસે પાણી ભરાઈ જવાના કારણે વાહન વ્યવહારને અસર પડી છે. રોડ ઉપર ઘુંટણ સમા પાણી ભરાઈ જતા વાહનચાલકો અટવાઈ ગયા હતા.

ત્યારે અંકલેશ્વરના મામલતદાર કરણસિહ રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી ધવલ પટેલ, નાયબ મામલતદાર અલ્પેશ પરમાર સ્ટાફ સાથે સ્થળ ઉપર આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવી કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો સતત વરસી રહેલા વરસાદના કારણે તાલુકા વહીવટી તંત્ર દ્વારા અંકલેશ્વર તાલુકાના નીચાણવાળા ગામોના સરપંચ અને તલાટીઓને એલર્ટ કરવામાં આવ્યા છે.

ઉપરાંત ભરૂચ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરતા જિલ્લાનું તંત્ર એલર્ટ બન્યું છે અને વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તાલુકા તંત્રને સજ્જ રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે. વરસાદી આફત અને સંભવિત પૂરની પરિસ્થિતિ તેમજ દુર્ઘટનાને પહોંચી વળવા માટે અંકલેશ્વર વહીવટી તંત્ર દ્વારા ૪૦ જવાનોની એસ.ડી.આર.એફ.ની ટીમ તૈનાત કરવામાં આવી છે.

જલારામ મંદિર ખાતે તૈનાત એસડીઆરએફની ટીમ દ્વારા અંકલેશવરના નીચાણવાળા વિસ્તારો તેમજ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.