Western Times News

Gujarati News

શું ભારતમાં કેનેડાથી આવતી ચીજ વસ્તુઓ પર ઈમ્પોર્ટની અસર પડશે કે નહીં ?

પ્રતિકાત્મક

કઠોળમાં સરકારે ટેકાના ભાવ વધાર્યા પછી આયાતો પર નિયંત્રણ જરૂરી

દેશમાં દાળ-કઠોર બજાર તથા ઉદ્યોગમાં તાજેતરમાં પ્રવાહો પલ્ટાતા જોવા મળ્યા છે. નવરાત્રી-દશેરાના તહેવારો પૂરા થયા પછી હવે બજારની નજર દિવાળીની માંગ પણ રહી છે. દિવાશી પૂર્વે વિશેષરૂપે ચણાદાળ તથા બેસનની માંગમાં સામાન્યપણે વૃદ્ધિ થતી હોય છે. દેશમાં કોરોના કાળ પછીના ગાળામાં દાળ-કઠોળની માંગમાં ખાસ્સી વૃદ્ધિ થઈ છે.

કોરોના કાળ પછી જનતામાં આરોગ્ય વિશે ગંભીરતા વધી છે અને તેના પગલે કઠોળ-દાળનો વપરાશ પણ વધ્યો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. દેશમાં દાળ-કઠોળના કુલ ઉત્પાદનની સરખામણીએ ઘરઆંગણે માંગ ઉંચી હોતા દરિયાપારથી થતી આયાત પર આધાર વધ્યો છે.

ભારતમાં કેનેડાથી આવી આયાત થતી હોય છે અને તાજેતરમાં ભારત તથા કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે ત્યારે શું ભારતમાં કેનેડાથી આવતી આવી આયાતો પર અસર પડશે કે નહીં ? એવો પ્રશ્ન બજારમાં ચર્ચાતો થયો છે.

જો કે, બજારના જાણકારોના જણાવ્યા મુજબ ઘરઆંગણે હાલ આયાતી વિવિધ કઠોળોનો સ્ટોક પૂરતો પડયો છે અને આવા સ્ટોકમાં પીળા વટાણાનો જથ્થો વિશેષ રહ્યો છે. ઘરઆંગણે પણ ઉત્પાદન વધ્યું છે.

રશિયા તથા ઓસ્ટ્રેલિયાથી પીળા વટાણા તથા મસૂરની આયાત પણ જળવાઈ રહી છે. ચણા, તુવેર, મગ, મોંઘી દાળો વિ.ના વિકલ્પ તરીકે પીળા વટાવાનો ઉપયોગ ખાસ કરીને આઉટ-ઓફ-હોમ ફૂડ આઈટમોના વપરાશમાં વધતો રહ્યો છે. સરકારે આવા વટાણાની આયાત નીતિ પણ હળવી રાખી છ તથા ડયુટી ફ્રી આયાત તથા આયાતના જથ્થા પર મર્યાદાની ગેરહાજરી વચ્ચે આવા માલોની દેશમાં સપ્લાય લાઈન જળવાઈ રહી છે.

ભારત-કેનેડાના વણસેલા સંબંધોની અસર દેશમાં કેનેડાથી થતી આયાતો પર પડશે નહીં. એવી ગણતરી પણ દાળ-કઠોળ બજારમાં બતાવાઈ રહી છે. દરમિયાન ભારત સરકારે તાજેતરમાં રવિ પાકની ર૦રપ-ર૬ની માર્કેટિંગ મોસમ માટે વિવિધ કૃષિ ચીજોના ટેકાના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કઠોળમાં ચણા તથા મસૂરના આવા ટેકાના ભાવ વધારવામાં આવ્યા છે. મસૂરના ટેકાના ભાવમાં કિવ દીઠ રૂ.ર૭પનો વધારો કરાયો છે જ્યારે ચણાના ટેકાના ભાવમાં કિવ દીઠ રૂ.ર૧૦ની વૃદ્ધિ કરવામાં આવી છે. તેલિબિયામાં મસ્ટર્ડ સરસવના તથા કરડીના ટેકાના ભાવ પણ વધારવામાં આવ્યા છે.

આવી સ્થિતિમાં આગળ ઉપર ટેકાના ભાવમાં વૃદ્ધિના પગલે ખેડૂતો આ પાકો તરફ સ્વીચ ઓવર કરશે અને આગળ ઉપર આના પગલે દેશમાં કઠોળ તથા તેલિબિયાનું ઉત્પાદન વધશે તથા આયાત પર આધાર ઘટશે એવી આશા સરકારી સૂત્રો બતાવી રહ્યા હતા. તુવેર, અડદ તથા મસૂરની વધુમાં વધુ ખરીદી સરકાર ટેકાના ભાવોએ કરશે એવી ખાતરી સરકારે ખેડૂતોને આપી છે.

આ પૂર્વે દેશમાં વિવિધ કઠોળની આયાત છેલ્લા ૪થી પ મહિનાના ગાળામાં આશરે બે ગણી વધી ગઈ છે અને તેના પગલે બજાર ભાવ પણ દબાણ હેઠળ જોવા મળ્યા હતા. છેલ્લા એક વર્ષમાં દાળ-કઠોળના ભાવમાં નોંધપાત્ર પીછેહટ જોવા મળી છે.

ભારતમાં વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં વિવિધ કઠોળની આયાત મૂલ્યના સંદર્ભમાં ૭૦થી ૭પ ટકા વધી છે. હવે જ્યારે સરકારે ટેકાના ભાવ વધાર્યા છે ત્યારે આયાત નિયંત્રણો ફરી લાદવા પણ આવશ્યક બન્યા હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. સસ્તી આયાતોને હવે રોકવી જરૂરી છે અને જો આવી આયાતને રોકવામાં નહીં આવે તો ખેડૂતો કઠોળના વાવેતરથી વિમુખ થઈ જવાની ભીતિ પણ જણાઈ રહી છે.

દાળ-કઠોળમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોતા આરોગ્યની સુખાકારી માટે દાળ કઠોળનો વપરાશ વધ્યો છે ત્યારે હવે ઘરઆંગણે ઉત્પાદન વધારવું આવશ્યક છે અને આવું સ્થાનિક ઉત્પાદન વધારાશે નહીં તો પછી આયાત પરનો આધાર વધુ વધવાની ભીતિ પણ જાણકારો બતાવી રહ્યા હતા. લોકસભાની ચૂંટણી અગાઉ સરકારે ચણાની ઈમ્પોર્ટ ડયુટી નોંધપાત્ર હળવી કરી હતી તથા વટાણાની આયાત નીતિ પણ સરકારે એ વખતે હળવી કરી દીધી હતી.

ભારતમાં ર૦રર-ર૩માં કઠોળની કુલ આયાત રપથી ર૬ લાખ ટન થઈ હતી કે ર૦ર૩-ર૪માં નોંધપાત્ર વધી ૪૪થી ૪પ લાખ ટન થઈ છે. ભારતમાં વાર્ષિક કુલ માંગ ર૭પથી ર૮૦ લાખ ટનની રહી છે અને આયાત વધી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.